ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્વીડનની કારોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટના સંશોધકો દ્વારા અભ્યાસના તારણો જણાવે છે કે યુદ્ધ, બળાત્કાર, અત્યાચાર અને માર્ગ અકસ્માત સહિતની આઘાતજનક ઘટનાઓમાં ટેટ્રીઝ કોમ્પ્યુટર ગેઈમ્સ રમવાથી આઘાતની યાદ ભૂલવામાં અને સ્ટ્રેસ હળવો કરવામાં મદદ મળે છે. કાર અકસ્માતો પછી એક્સિડેન્ટ્સ એન્ડ ઈમર્જન્સી વિભાગોમાં સારવાર માટે દાખલ થયાના છ કલાકમાં દર્દી ટેટ્રીઝ કોમ્પ્યુટર ગેઈમ્સ રમતો થાય તો તેમને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરની શક્યતા ઘટી જાય છે.
• રખડતાં શ્વાનોની સંખ્યામાં ઘટાડો
ફરજિયાત માઈક્રોચિપ લગાવવાના નિયમથી માર્ગો કે શેરીઓમાં રખડતાં શ્વાનોની સંખ્યામાં ૨૦ વર્ષમાં સૌથી નોંધપાત્ર ઘટાડો જણાયો છે. ધ ડોગ્સ ટ્રસ્ટના વાર્ષિક સર્વે અનુસાર ગયા વર્ષે રખડતાં શ્વાનોની સંખ્યા ૨૧ ટકા ઘટી હતી, જે ૧૯૯૭માં સર્વેની શરૂઆત કરાઈ તે પછી સૌથી ઓછી સંખ્યા છે. યુકેમાં ૯૫ ટકા શ્વાનોમાં માલિકોની વિગતો સહિતની માઈક્રોચિપ્સ લગાવાઈ છે પરિણામે ખોવાયેલાં શ્વાન માલિકોને પરત કરવાનું સરળ બન્યું છે.
• પુરુષો વસ્ત્રોના કારણે પણ સેક્સ ચેન્જ કરાવે છે
બીબીસીના ન્યૂઝનાઈટ કાર્યક્રમમાં ૮૫ વર્ષીય નાટ્યલેખિકા ફે વેલ્ડને દાવો કર્યો હતો કે પુરુષો ફેશન અને સ્ત્રીઓનાં વસ્ત્રો ગમતાં હોવાના નજીવાં કારણસર પણ જાતિ પરિવર્તન કરાવે છે. મોટા ભાગની સ્ત્રીઓને નારીવાદી ચળવળથી લાભ થયો નહિ હોવાના વિધાનથી નારીવાદીઓની ખફગી વહોરી લેનારાં વેલ્ડને કહ્યું હતું કે પુરુષો દ્વારા સ્ત્રીઓ પરનું દમન ત્યારે જ ટાળી શકાય, જો તે સ્ત્રી બની જાય.
• ડિમેન્શિયાગ્રસ્તોનાં રક્ષણની યોજના
ડિમેન્શિયાથી પીડાતાં લોકોને ટેલિફોન કૌભાંડીઓથી બચાવવા થેરેસા સરકારે નવી યોજના જાહેર કરી છે. કૌભાંડીઓ તેમનો સંપર્ક કરી ના શકે તે માટે ડિમેન્શિયાગ્રસ્તોનાં ટેલિફોન પર કોલ બ્લોકિંગ ઉપકરણો ફિટ કરવામાં આવશે. સરકાર શરૂઆતમાં આ ટેકનોલોજી માટે ૩૦૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરશે, જેનાથી ૧૫૦૦ લોકોનું રક્ષણ કરી શકાશે. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શરૂઆતી ૧૫૦૦ લોકોને ઉપકરણ મળશે તેની ઓળખ ડોક્ટર, ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ટીમ અને કાઉન્સિલો દ્વારા કરવામાં આવશે. ધ અલ્ઝાઈમર્સ સોસાયટીના માનવા અનુસાર ડિમેન્શિયાથી પીડાતાં ૧૫ ટકા લોકો કોલ્ડ-કોલિંગ અથવા મિસ-સેલિંગ પદ્ધતિઓનો શિકાર બની જાય છે.
• પુત્રી સાથેના પ્રવાસમાં પીડોફાઈલ હોવાનો આક્ષેપ
લીડ્ઝના ૪૬ વર્ષીય કાર ડીલર ક્રેગ ડારવેલ તેમની ૧૩ વર્ષની પુત્રી મિલી સાથે સરેના થોર્પ પાર્કના પ્રવાસે ગયા ત્યારે તેમને વરવો અનુભવ થયો હતો. બાળકી સાથે હોવાથી ટ્રાવેલોજ હોટેલના સ્ટાફ દ્વારા તેઓ પીડોફાઈલ (બાળકો પ્રતિ જાતીય આકર્ષણ ધરાવનાર) હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. બે રુમ અલગ નહિ મળવાથી ડારવેલને ડબલ રુમ બુક કરાવવાની ફરજ પડી હતી. આ પછી સ્ટાફે પોલીસને પણ બોલાવી હતી. પોલીસે બન્નેની અલગ અલગ પૂછપરછ કર્યા પછી સંતોષ વ્યક્ત કર્યો હતો. ડારવેલના પત્નીનું ૧૦ વર્ષ અગાઉ અવસાન થયું છે.

