થેરેસા મે બ્રેક્ઝિટ પછી બિઝનેસીસને આકર્ષવા કોર્પોરેટ ટેક્સીસમાં કાપ જાહેર કરશે તો બાકીના યુરોપ સાથે વેપારયુદ્ધ છેડાશે તેવી ચેતવણી ફ્રાન્સની પાર્લામેન્ટના નીચલા ગૃહના અધ્યક્ષ તેમજ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી બ્રેક્ઝિટ કમિટીના ચેરમેન ક્લોડ બાર્ટોલોને આપી છે. તેમણે યુકે સાથે સમાધાનવૃત્તિ અભિગમ ટાળવા ઈયુને સલાહ આપી છે. ધ ટાઈમ્સને તેમણે આપેલા ઈન્ટરવ્યૂના શબ્દો વ્હાઈટહોલની ચિંતામાં વધારો જ કરશે કે પેરિસ બ્રેક્ઝિટ વાટાઘાટોમાં અવરોધ બની રહેશે. બાર્ટોલોને ફાન્સમાં પ્રવર્તતા બહુમતી મતને અવાજ આપતા જણાવ્યું છે કે જો યુરોપ થેરેસા મેને રાહતો આપશે તો ઈયુના અન્ય સભ્ય દેશો પણ બ્રિટનને અનુસરી સંગઠનને છોડવા પ્રેરાશે. થેરેસા મેએ સ્પષ્ટ કર્યું છે કે બ્રેક્ઝિટ પછી યુકેને સારી શરતો નહિ અપાય તો બ્રિટન યુરોપના બિઝનેસીસને આકર્ષવા કોર્પોરેટ ટેક્સીસમાં કાપ મૂકી શકે છે. મેની આ વાતને ધમકી તરીકે જોવાઈ રહી છે.
• રુરલ શોપ્સનો સરકારને મદદ માટે અનુરોધ
રુરલ શોપ્સ અને પોસ્ટ ઓફિસોએ વધતી જતી મોંઘવારી અને બ્રોડબેન્ડની ‘અપૂરતી’ ક્ષમતાને જોતાં પોતાનું ભાવિ સુરક્ષિત કરવામાં મદદ માટે સરકારને અનુરોધ કર્યો હતો. એસોસિએશન ઓફ કન્વીનીયન્સ સ્ટોર્સ (ACS) એ જણાવ્યું હતું કે યુકેની ૧૯,૦૦૦ રુરલ શોપ્સ પોતાના ગ્રાહકોને આવશ્યક સેવા પૂરી પાડી શકે તે માટે વધુ મદદની જરૂર છે અન્યથા આ ગ્રાહકો સેવાઓથી વંચિત રહે તેવું બની શકે છે. ઘણાં વિસ્તારોમાં કન્વીનીયન્સ સ્ટોર્સ દ્વારા પોસ્ટ ઓફિસ સેવા પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ, તેમાં ખોટ કરતી શોપ્સની સંખ્યા વધતી હોવાથી આ મોડલ ચાલી શકે તેમ નથી.
• સ્કેનિંગથી કેન્સરનું નિદાન ઝડપી બનશે
એમઆરઆઈ સ્કેન પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરવામાં બાયોપ્સી કરતાં બમણું અસરકારક હોવાનું એક અભ્યાસમાં જણાયા બાદ હજારો લોકોની જીંદગી બચી શકશે. બ્રિટનમાં દર વર્ષે એક લાખ પુરુષો આ રોગનો ભોગ બને છે. NHS વોચડોગ દ્વારા નિદાન અંગેની માર્ગદર્શિકામાં ફેરફાર કરવો કે નહિ તે અંગે તાકીદે સમીક્ષા હાથ ધરાઈ હતી. સ્કેન દ્વારા નિદાનથી દર્દી અસહ્ય અને કષ્ટદાયક બાયોપ્સીમાંથી બચી જશે. સ્કેન દ્વારા અન્ય ઘણાં કેન્સરનું પણ નિદાન થાય છે.
• ૧૨ જેહાદી પાછળ દર વર્ષે £૧ મિલિયનનો ખર્ચ
બ્રિટનના આઈએસઆઈએસના ૧૨ ખૂંખાર આતંકીઓને દર વર્ષે ૧ મિલિયન પાઉન્ડના ખર્ચે ત્રણ જેલમાં અલગ કોટડીમાં રખાશે. આઈએસને સમર્થન આપવા બદલ ગયા વર્ષે ગુનેગાર ઠરેલા કટ્ટર ધર્મોપદેશક અંજેમ ચૌધરી તથા બે બ્રિટિશ સૈનિકોના હત્યારા માઈકલ અદેબોલાજોનો પણ તેમાં સમાવેશ થાય છે. તેઓ જેલના અન્ય કેદીઓને ઉદ્દામવાદી ન બનાવે તે હેતુથી તેમને અલગ કોટડીમાં રખાશે. તમામ આતંકીને મિલ્ટન કેન્સાસની વુડહિલ જેલ, કો ડરહામમાં ફ્રેન્કલેન્ડ અને કેમ્બ્રીજશાયરમાં વ્હીટનમુર જેલમાં રખાય તેવી શક્યતા છે.

