ડેવિડ કેમરન ક્રિસમસ સુધીમાં ઈયુ રિફોર્મ્સનું નિરાકરણ લાવવા અને ઈયુમાં રહેવા કે બહાર નીકળવા અંગે ૨૦૧૭ના રેફરન્ડ્મ પહેલા સોદો પતાવવા માગે છે. જો આ શક્ય બને તો ૨૦૧૬માં રેફરન્ડમ લઈ શકાશે. કેમરને માઈગ્રેશન, વેલ્ફેર અને યુરોપના ભાવિ સહિતના મુદ્દે પોતાનું માગણીપત્ર પણ જાહેર કરી રાજદ્વારી પ્રક્રિયા આરંભી દીધી છે. તેમનું કહેવું છે કે ચૂંટણીમાં ટોરી પાર્ટીના ભવ્ય વિજયે બ્રિટનના સભ્યપદ સહિત મહત્ત્વની વાટાઘાટો માટે આદેશ આપી દીધો છે.
• પાંચ બ્રિટિશ પૂર્વ વિદ્યાર્થીનું જેહાદીયુદ્ધમાં મોત
રોયલ બરો ઓફ કેન્સિંગટન અને ચેલ્સીની હોલેન્ડ પાર્ક સ્કૂલના પાંચ પૂર્વ વિદ્યાર્થીઓ સીરિયા અને ઈરાકમાં ISIS માટે લડવા દરમિયાન મોતને ભેટ્યા છે. એક મૃતક વિદ્યાર્થી ઈરાકમાં ચાવીરુપ સ્થળને કબજે કરવા ISISની મદદમાં આત્મઘાતી કાર બોમ્બર્સ ટીમનો નેતા હતો. વેસ્ટ લંડનના લેડબ્રોક ગ્રોવનો પૂર્વ એ-લેવલ વિદ્યાર્થી ફેટલૂમ શલાકુ (૨૦) અને તેનો ભાઈ ફાલમુર (૨૩) માર્યા ગયા હતા. આ બન્ને ભાઈ ૨૦૧૩માં સીરિયા ગયા હતા.
• થેરેસા મેની ટીવી સેન્સર યોજનાનો વિરોધ
ટોરી બિઝનેસ સેક્રેટરી અને પૂર્વ કલ્ચર સેક્રેટરી સાજિદ જાવિદે હોમ સેક્રેટરી થેરેસા મેની ટેલીવિઝન સેન્સરશિપ યોજના સામે વિરોધ દર્શાવતો પત્ર વડા પ્રધાન કેમરનને ચૂંટણી અગાઉ પાઠવ્યો હતો. મેએ ઉગ્રવાદવિરોધી રણનીતિના ભાગરુપે કડક પ્રસારણ નિયમોની દરખાસ્ત કરી છે, જેમાં ઉગ્રવાદીઓ સાથે ઈન્ટરવ્યૂઝ પ્રસારિત કરાતા પહેલા ઓફકોમની પરવાનગી મેળવવાનું સૂચન સામેલ છે. જાવિદે જણાવ્યું હતું કે આનાથી વાણી સ્વાતંત્ર્યનો ભંગ થશે.
• સેંકડો ગુરખા લોકો છેતરપીંડીનો શિકાર થયાની શંકા
ગુરખાઓ સહિત સેંકડો નેપાળી ઈન્વેસ્ટર્સ સાથે ઠગાઈ થયાની શંકા છે. સિટી ઓફ લંડનની સ્પેશિયાલિસ્ટ ફાઈનાન્સિયલ ક્રાઈમ સ્કવોડના અધિકારીઓ આગામી સપ્તાહોમાં મિલિટરી થાણાંઓ પર બેઠકો યોજનાર છે. સ્કવોડ લંડનસ્થિત ઈન્વેસ્ટમેન્ટ ફંડ CWM દ્વારા ફ્રોડ, ગેરરજૂઆત અને મની લોન્ડરિંગ કરાયાના દાવાઓની તપાસ કરી રહી છે. CWM ફંડ દ્વારા ઈન્વેસ્ટર્સને માસિક પાંચ ટકા જેટલું ઊંચું વળતર ઓફર થયાની તપાસમાં માર્ચ મહિનામાં ૧૦ પુરુષ અને ત્રણ મહિલાની ધરપકડ કરાઈ હતી.
• ઈમિગ્રન્ટ્સ અને મુસ્લિમોએ દેશનો કબજો લીધાનો મત
ઈમિગ્રન્ટ્સ અને ખાસ કરીને મુસ્લિમો દેશનો કબજો લઈ રહ્યા હોવાનો મત ૧૦થી ૧૬ વર્ષ વયજૂથના ૬,૦૦૦ વિદ્યાર્થીના સર્વેમાં બહાર આવી છે. ‘શો રેસિઝમ ધ રેડ કાર્ડ’ એજ્યુકેશન ચેરિટીના સર્વેના તારણો અનુસાર ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ માને છે કે વિદેશી કામદારો નોકરી પડાવી લેતાં હોઈ કામ શોધવું મુશ્કેલ છે. ઈંગ્લેન્ડમાં મુસ્લિમોની સંખ્યા ઘણી છે અને તેઓ દેશનો કબજો લઈ રહ્યા હોવાનું ૬ીજા બાગનાએ જણાવ્યું હતુ. જોકે, બહુમતી વિદ્યાર્થી આ મતથી વિરુદ્ધ હતા.
• પરગજુ પોપી વેચાણકારની આપઘાત નોટ્સ મળી
ચેરિટી સંસ્થાઓ દ્વારા દાનની માગણીઓથી ત્રસ્ત દેશના સૌથી વૃદ્ધ પોપી સેલર મિસિસ ઓલિવ કૂકના મોતમાં નવો ફણગો ફૂટ્યો છે. તેઓ હતાશ થયાની અને મૃત્યુના કારણો દર્શાવતી આપઘાત નોંધો પરિવાર માટે છોડી ગયાનું ઈન્ક્વેસ્ટમાં બહાર આવ્યું છે. મૃત્યુના કેટલાંક મહિના અગાઉ તેમને દાનની માગણી માટે માસિક ૨૦૦થી વધુ પત્રો અને દૈનિક ૧૦થી વધુ કોલ્સ મળતાં હોવાનું પરિવારે જણાવ્યું હતું. જોકે, પરિવારે સ્પષ્ટ કર્યું હતું કે મૃત્યુ માટે ચેરિટી સંસ્થાઓ દોષિત નથી.
• વણચુકવાયેલી સ્ટુડન્ટ્સ લોનથી ચિંતા
હાયર એજ્યુકેશન પોલિસી ઈન્સ્ટીટ્યુટના રિપોર્ટ અનુસાર વણચુકવાયેલી સ્ટુડન્ટ્સ લોન બાબતે યુકે મિનિસ્ટર્સ ચિંતાગ્રસ્ત છે. લોન્સ માંડવાળ કરવાનું નહિ ઘટાડાય તો સાયન્સ, એપ્રેન્ટિસશિપ્સ અને સંશોધન માટે ભંડોળમાં કાપ મૂકાવાની શક્યતા વધી જશે. અત્યારે લોનના દરેક પાઉન્ડમાંથી ૪૫ પેન્સ ચુકવ્યા વિનાના રહે છે. વિદ્યાર્થી પુનઃ ચુકવણી માટે £૨૧,૦૦૦ની આવક સુધી ન પહોંચે, વિદેશ અથવા ઈયુના વતન દેશોમાં જતા રહે અને સંપર્ક ન થાય તેવી સ્થિતિમાં લોનના નાણા પરત આવતા નથી.
• હાઈ કોર્ટે સરાઓની જામીન અરજી ફગાવી
યુએસ અને યુકેના બજારોમાં ૨૦૧૦માં ભારે ધોવાણો બદલ કોમોડોટીઝ ફ્રોડ, માર્કેટ મેનિપ્યુલેશન અને વાયર ફ્રોડ માટેના ૩૬ વર્ષીય આરોપી નાવિન્દર સરાઓને જામીન આપવા વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે ઈનકાર કર્યો હતો. સરાઓએ યુએસમાં પ્રત્યાર્પણનો વિરોધ કર્યો છે. હાઈ કોર્ટ જજે મુક્તિ માટે £૫ મિલિયન સિક્યુરિટી આપવાની જામીન શરત પાછી ખેંચવાનું નકારતા પાંચ સપ્તાહથી લંડનની વોન્ડ્સવર્થ પ્રિઝન કસ્ટડીમાં રહેલા સરાઓને જામીન મળવા મુશ્કેલ છે.
• રીટેઈલર એલ્ડીએ માફી માગવી પડી
ખોટા લેબલિંગના કારણે રીટેઈલર એલ્ડીએ માફી માગવી પડી છે. સ્કોટિશ કંપની પંજાબ પકોડાની પોર્કમાંથી બનેલી ‘બ્લેક પુડિંગ પકોડા’ વાનગી પર ‘હલાલ’ લેબલ લગાવાતા તે મુસ્લિમો માટે ખાવાયોગ્ય વાનગી ગણાઈ હતી. જોકે, મુસ્લિમોમાં પોર્ક ખાવા પર પ્રતિબંધ છે. રોષિત મુસ્લિમ સમુદાયે આ વાનગી સામે વિરોધ દર્શાવતા રીટેઈલર દ્વારા ભૂલનો સ્વીકાર કરી માફી માગવામાં આવી હતી.
• પેશન્ટ્સની હત્યા બદલ નર્સ દોષિત
માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે સ્ટોકપોર્ટમાં સ્ટેપિંગ હિલ હોસ્પિટલના ૪૯ વર્ષીય ફિલિપીન નર્સ વિક્ટોરિનો ચુઆને પેશન્ટ્સને ઝેર આપવા અને હત્યા કરવાના દોષિત ઠરાવ્યો છે. તેને ૨૬મેએ સજા સંભળાવાશે. જાન્યુઆરી ૨૦૧૨માં તેની ધરપકડ થઈ હતી. તેણે સેલાઈન ડ્રિપ્સમાં ઈન્સ્યુલિન મેળવતા બે પેશન્ટ્સ- ટ્રેસી આર્ડેન અને આલ્ફ્રેડ વીવરના મોત થયાં હતાં. આ ઉપરાંત, વિક્ટોરિનો સામે ૨૨ પેશન્ટ્સને સાંકળતા પોઈઝનિંગ અને પોઈઝનિંગના પ્રયાસના ૩૧ આરોપમાં પણ તે દોષિત ઠર્યો છે.

