• ક્રિસમસમાં અસુરક્ષિત સેક્સથી દૂર રહો

Monday 11th September 2017 11:37 EDT
 

ક્રિસમસના તહેવારોનો મૂડ હજુ શરૂ થયો નથી પરંતુ, લંડનમાં કાર્યરત મિડવાઈફ મ્હેઈરી મહારીએ ક્રિસમસ માટે અપીલ બહાર પાડી લોકોને સેક્સથી અળગાં રહેવા જણાવ્યું છે. તેણે કહ્યું હતું કે મેટરનિટી વોર્ડ્સને ખાતર પણ અસુરક્ષિત સેક્સથી દૂર રહેવું જોઈએ. ક્રિસમસની ઉત્તેજક પાર્ટીઓ અને રંગીન રાત્રિઓના પરિણામે નવ મહિના પછી સપ્ટેમ્બર મહિનાથી બેબી બૂમનો આરંભ થઈ જાય છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા ૧૯૯૫થી ૨૦૧૪ના ગાળામાં બાળજન્મોનો અભ્યાસ કરાયો હતો, જેના ડેટા મુજબ ૨૬ સપ્ટેમ્બરની તારીખ આસપાસમાં સરેરાશ ૨,૦૦૦ બાળકોનો જન્મ થાય છે, જ્યારે આખા વર્ષની સરેરાશ ૧૮૦૦ બાળજન્મની રહે છે.

• કોર્બીનના કોમ્યુનિયનનો વિવાદ 

લેબર નપાર્ટીના નેતા જેરેમી કોર્બીન સમાજવાદી સિદ્ધાંતોના ચૂસ્ત પાલક છે. જોકે, તેમની ધાર્મિક માન્યતા પર હવે વિવાદ ગરમાયો છે. તાજેતરમાં કેથોલિક ફ્યુનરલ સર્વિસમાં તેઓ કોમ્યુનિયન લેતા નજરે પડ્યા પછી તેઓ વિવાદના કેન્દ્રમાં સપડાયા છે. જીએમબી યુનિયનના પૂર્વ પ્રેસિડેન્ટ મેરી ટર્નરની અંતિમવિધિમાં લેબર નેતાએ અન્ય શ્રદ્ધાળુઓની સાથે બ્રેડ અને વાઈન લીધા હતા. આ વિધિને અનુસરનારા કેથોલિક ચર્ચ સાથે સંપૂર્ણ બિરાદરીમાં જોડાયેલા મનાય છે.

• ટેસ્કોએ ચેરિટીના લાખો પાઉન્ડ ખંખેર્યા 

રિટેઈલ ચેઈન સ્ટોર ટેસ્કોએ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક બેગ્સના પાંચ પેન્સનો ફરજિયાત ચાર્જ લેવાય છે તેની આવકના લાખો પાઉન્ડ ચેરિટીમાં જવા જોઈએ તેના બદલે પોતાની પાસે જ રાખ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ગયા વર્ષે ડોનેશનના વહીવટ પાછળનો ખર્ચ સરભર કરવાના નામે ટેસ્કોએ ૩.૪ મિલિયન પાઉન્ડ પોતાની પાસે જ રાખ્યા હતા. અન્ય મુખ્ય સુપરમાર્કેટ ચેઈન્સ દ્વારા ચેરિટીના હેતુઓ માટે આવકમાંથી વહીવટી ખર્ચ કાપવામાં આવતો નથી.

• આત્મહત્યાના પ્રમાણમાં ઘટાડો 

આપઘાતની સંખ્યા છ વર્ષના તળિયે પહોંચી છે, જેને સરકાર દ્વારા લેવાયેલા અવકાવના પગલાની સફળતા તરીકે જોવાય છે.ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના જણાવ્યા મુજબ ગયા વર્ષે ૫,૬૮૮ લોકોએ આત્મહત્યા કરી હતી, જે સંખ્યા તેની અગાઉના વર્ષ કરતા ૨૦૦ ઓછી હતી. ઈંગ્લેન્ડમાં આપઘાતનો દર પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૧૦.૧નો હતો, જે ઘટીને ૯.૫ થયો હતો. વેલ્સમાં પણ થોડો ઘટાડો નોંધાયો હતો પરંતુ, સ્કોટલેન્ડમાં આપઘાતની સંખ્યા થોડી વધી હતી.

• પરીક્ષામાં ઈન્ટરનેટના ઉપયોગની તરફેણ 

અંડરગ્રેજ્યુએટ્સને પરીક્ષા હોલમાં લેપટોપ્સ અને ફોન્સ લાવવા દેવાની છૂટ આપવી જોઈએ તેવો અનુરોધ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એરિક માઝુરે કર્યો છે. પ્રોફેસર માઝુરે જણાવ્યું હતું કે પરીક્ષાખંડમાં ટેકનોલોજીના ઉપયોગની છૂટ આપવાથી માહિતીની ગોખણપટ્ટીથી વિરુદ્ધ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને વિશ્લેષણ કૌશલ્યની સારી પરીક્ષા થઈ જશે.તેમણે કહ્યું હતું કે ઈન્ટરનેટના યુગમાં આપણે કશું યાદ રાખવાની જરૂર રહેતી નથી.

• આલ્કોહોલ ઈન્ડસ્ટ્રી કેન્સરનું જોખમ જણાવતી નથી 

આલ્કોહોલ ઈન્ડસ્ટ્રી કેન્સરના જોખમ અંગે ડ્રિન્કર્સને ગેરમાર્ગે દોરતી હોવાની ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. વર્ષો અગાઉ ટોબેકો કંપનીઓએ પણ આમ જ કર્યું હતું. આલ્કોહોલ લોબીનું ભંડોળ મેળવતી ૧૦માંથી ૯ વેબસાઈટ્સ અને પ્રકાશનો શરાબપાનના કારણે આરોગ્યને થતાં નુકસાન વિશે લોકોને ગેરમાર્ગે દોરે છે અથવા ખોટી રજૂઆત કરે છે તેમ એક અભ્યાસમાં જણાવાયું છે. શરાબપાનથી વિવિધ રોગના જોખમ સર્જાતા હોવાનું સ્થાપિત થયું છે. યુકેમાં દર વર્ષે શરાબપાનથી કેન્સરના નવા ચાર ટકા કેસીસ આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter