• ક્વિન એલિઝાબેથ દ્વિતીય પર હુમલાની યોજના

Wednesday 02nd January 2019 01:41 EST
 

લુટનના ઉબેર ડ્રાઈવર ૨૭ વર્ષીય મોહિઉસ્સુન્નાથ ચૌધરીએ ગયા વર્ષે ઓગસ્ટમાં બકિંગહામ પેલેસ બહાર ‘અલ્લાહુ અકબર’ પોકાર કરીને પોલીસ પર હુમલો કરવા માટે સમુરાઈ તલવારનો ઉપયોગ કર્યો હતો. આ કેસની ઓલ્ડ બેલી કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં જણાવાયું હતું કે તેણે સુસાઈડ નોટ પણ મૂકી હતી અને તેમાં જણાવાયું હતું કે ક્વિન એલિઝાબેથ દ્વિતીય અને તેમના સૈનિકો નર્કમાં જશે. તેણે CP ગેસ છાંટ્યો તે પછી તેની ધરપકડ કરાઈ હતી. જોકે, તેણે આતંકવાદી કૃત્ય માટે તૈયારી કરી હોવાનો ઈન્કાર કર્યો હતો. ટ્રાયલ હજુ ચાલુ છે.

• £૧ના જૂના સિક્કા ચલણમાંથી દૂર કરવાનો જંગી ખર્ચ

આપણા માટે નાણાં ખર્ચવા એ કોઈ સમસ્યા નથી. જોકે, સરકાર માટે નાણાંથી છૂટકારો મેળવવાનું ખૂબ ખર્ચાળ બની ગયું છે. ગયા વર્ષે ૧ પાઉન્ડના નવા સિક્કા ચલણમાં આવ્યા. તેની અગાઉના જૂના સિક્કા ચલણમાંથી પાછા લાવવા પાછળ ટ્રેઝરીને ૫.૫ મિલિયન પાઉન્ડનો જંગી ખર્ચ વેઠવો પડ્યો છે. આ જંગી બિલમાં ૪.૬ મિલિયન પાઉન્ડ તો ‘પ્રોસેસિંગ કોસ્ટ’ના થયા હોવાનું ફ્રિડમ ઓફ ઈન્ફરમેશન હેઠળની અરજીના જવાબમાં જણાવાયું હતું.

• વીડિયોમાં રાઈટ ટુ સ્ટે માટે £૬૫ની માગણી

બ્રિટનમાં રહેતા ઈયુ નાગરિકોએ હોમ ઓફિસ દ્વારા જારી કરાયેલા વીડિયો પ્રત્યે નારાજગી દર્શાવી હતી. આ વીડિયોમાં જણાવાયું છે કે બ્રેક્ઝિટ પછી તેમણે યુકેમાં રહેવું હોય તો તેમણે ૬૫ પાઉન્ડ ચૂકવવા જ પડશે. હોમ ઓફિસ દ્વારા ટ્વીટ કરીને જણાવાયું હતું કે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ પછી ઈયુ નાગરિકો અને તેમના પરિવારોએ યુકેમાં રહેવા માટે ઈયુ સેટલમેન્ટ સ્કીમમાં અરજી કરવી પડશે.

• યુકેમાં નાસ્તિકોની સંખ્યામાં ઘટાડો

બ્રિટનમાં છેલ્લાં એક વર્ષમાં નાસ્તિકોની સંખ્યામાં ઘટાડો અને ચર્ચમાં હાજરી આપતાં લોકોની સંખ્યામાં વધારો થયો હોવાનું સર્વેમાં જણાયું હતું. લાંબા સમયથી મનાતું હતું કે બ્રિટિશરો ધર્મથી દૂર થતા હોવાથી અને ચર્ચમાં ન જતા હોવાથી અઠવાડિક સભામાં તેમની સંખ્યા ઘટી હતી. ધ ટાઈમ્સ દ્વારા ૧,૬૬૦ લોકોના યુગોવ સર્વેમાં જણાયું હતું કે ચર્ચ જતાં લોકોની સંખ્યામાં ગયા વર્ષે વધારો નોંધાયો હતો.

૫૦ જેલમાં કેદીઓને લેન્ડલાઈન ફોનની સુવિધા

પોતાના પરિવાર સાથે કેદીઓના સંપર્ક જળવાય અને ફરી ગુનાનું પ્રમાણ ઘટે તે માટે મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ દ્વારા £૧૦ મિલિયન સ્કીમ અંતર્ગત ૫૦ જેલના કેદીઓને તેમની કોટડીમાં લેન્ડલાઈન ફોનની સુવિધા અપાશે. આ ફોનમાં આવતા તમામ કોલ રેકોર્ડ કરવામાં આવશે. જેલમાં મોબાઈલ ફોનના ગેરકાયદે ઉપયોગને ડામવાના પગલાંમાં ખૂબ ઓછી સંખ્યામાં અગાઉથી મંજૂર કરાયેલા કેદીઓને હેન્ડસેટ વાપરવાની પરવાનગી અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter