ઈંગ્લેન્ડ અને વેલ્સના ડ્રીંકર્સ માટે સારા સમાચાર છે. ક્વીનના ૯૦મા બર્થ ડેને ઉજવવા જૂનમાં પબના સમયમાં વધારો થશે. સામાન્ય દિવસોમાં રાત્રે ૧૧ વાગે બંધ થઈ જતાં પબ ૧૦ અને ૧૧ જૂને, શુક્રવાર અને શનિવારે રાત્રે એક વાગ્યા સુધી ખૂલ્લાં રહેશે. આ નવો નિયમ માત્ર એક વીકએન્ડ માટે જ અમલમાં રહેશે. ફૂટબોલ ફેન્સ પણ તેનો લાભ લઈ શકશે કારણકે યોગાનુયોગ શનિવારે સાંજે જ યુરોપિયન ચેમ્પિયનશિપમાં ઈંગ્લેન્ડ અને વેલ્સની મેચ રમાશે.
• પ્રથમ સંતાનની શાળામાં સફળતાનું રહસ્ય
માતાપિતાના પ્રથમ સંતાનનું આરોગ્ય જન્મ સમયે નબળું રહેવા છતાં નાના ભાઈ-બહેનોની સરખામણીએ શાળામાં તેમનું પરફોર્મન્સ ઘણું સારું રહેતું હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે પ્રથમ સંતાન હોંશિયાર હોય તે જૈવિક કારણ છે. જોકે, રોયલ ઈકોનોમિક સોસાયટી સમક્ષ રજૂ કરાયેલાં પેપર્સ અનુસાર માતાપિતા પ્રથમ સંતાનના શિક્ષણ પાછળ વધુ ધ્યાન આપી શકતાં હોવાથી આ શક્ય બને છે.
• સાઉથ યોર્કશાયરનાં પોલીસવડા નિવૃત્તિ લેશે
રોધરહામ બાળ યૌનશોષણ કૌભાંડમાં ટીકાનો ભોગ બનેલી સાઉથ યોર્કશાયર પોલીસનાં બાવન વર્ષીય ચીફ કોન્સ્ટેબલ ડેવિડ ક્રોમ્પટન વાર્ષિક ૧૯૫,૦૦૦ પાઉન્ડની નોકરીમાંથી નવેમ્બરમાં નિવૃત્તિ લેશે. પોપ સિંગર સર ક્લિફ રિચાર્ડના કેસની તપાસ બાબતે પણ તેમની ટીમ રોષનો ભોગ બની હતી. સાઉથ યોર્કશાયર પોલીસ અને ક્રાઈમ કમિશનર એલન બિલિંગ્સે જણાવ્યું કે ક્રોમ્પટને ૩૧ વર્ષ ફરજ બજાવી છે અને હવે તેમને લાગે છે કે નિવૃત્તિ લેવી જોઈએ.
• સ્ત્રીબીજ ફ્રીઝ કરાવવાનું પ્રમાણ વધ્યું
કૌટુંબિક જીવન મોડેથી શરૂ કરવાની ગણતરી સાથે સ્ત્રીબીજનો સંગ્રહ કરાવતી મહિલાની સંખ્યા છેલ્લાં પાંચ વર્ષમાં ત્રણ ગણી થયાનું હ્યુમન ફર્ટીલાઈઝેશન એન્ડ એમ્બ્રીઓલોજી ઓથોરિટીના રિપોર્ટમાં જણાવાયું છે. ઈન વિટ્રો ફર્ટીલાઈઝેશન- IVFમાં ઉપયોગમાં લઈ શકાય તે માટે ૨૦૧૪માં ૬૫ ક્લિનિકમાં ૮૧૬ મહિલાએ સ્ત્રીબીજ ફ્રીઝ કરાવ્યાં હતાં, જે સંખ્યા ૨૦૦૯માં માત્ર ૨૮૪ હતી. ૩૭ વર્ષથી ઓછી વયની બે તૃતિયાંશ મહિલાએ આ ટ્રીટમેન્ટ લેવાં માટે પુરુષ પાર્ટનરના અભાવનું કારણ દર્શાવ્યું હતું.

