ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ત્રણ દાયકાના ગાળામાં તેમના અશ્વોની રેસમાંથી સાત મિલિયન પાઉન્ડની કમાણી કરી છે. શાહી તબેલાના અશ્વોએ ૨૦૧૬માં વિક્રમી ૫૫૭,૬૫૦ પાઉન્ડની કમાણી કરી હતી. બ્રિટિશ હોર્સ રેસિંગ ઓથોરિટી ૯૧ વર્ષીય ક્વીનનાં અશ્વો ૨,૮૧૫ રેસમાં ૧૫.૦ ટકાના સફળતાદર સાથે અત્યાર સુધીમાં ૪૫૧ રેસ જીત્યા છે, જેના ઇનામના સ્વરુપે ક્વીનને ૬,૭૦૪,૯૪૧ પાઉન્ડ મળી ચૂક્યા છે. ક્વીનને ચાર વર્ષની ઉંમરથી જ અશ્વો પ્રત્યે વિશેષ લાગણી છે. ઉંમરની સાથે જ એલિઝાબેથ નિપુણ અશ્વસવાર બની ગયાં હતાં.
• નકાબધારી દ્વારા ગોળીબાર
નોર્થ લંડનમાં શનિવાર ૨૮ ઓક્ટોબરે હેલોવીન માસ્કમાં છુપાયેલા બંદૂકધારીઓ દ્વારા ઓટોમેટિક શસ્ત્રોથી અંધાધૂંધ ગોળીબાર કરાતા બે વ્યક્તિને ઈજા થઈ હતી. ઘટના નિહાળનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછાં ત્રણ બંદૂકધારી જોકર, ભૂત અને પ્રેતના નકાબ પહેરી આવ્યા હતા. વીડિયોમાં દેખાયું હતું કે એક ક્લબરે વળતો ગોળીબાર કર્યો હતો. ૪૧ વર્ષના પુરુષને પગમાં અને લગભગ ૨૦ વર્ષીય યુવતીને છાતીમાં ગોળી વાગી હતી.
• લો હવે ડાઈવોર્સ પણ ઓનલાઈન
મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસની યોજના અનુસાર દંપતીઓને ટુંક સમયમાં ‘ડિજિટલ ડાઈવોર્સ’નો લાભ મળતો થશે. એક પક્ષકાર દ્વારા અરજી કરાયા પછી તેના જીવનસાથી દ્વારા તેને માન્ય રખાય અથવા વિરોધ કરી શકાશે. આના પરિણામે, પેપરવર્ક ઘટવાથી ૨૫૦ મિલિયન પાઉન્ડ બચાવી શકાશે તેવી આશા મિનિસ્ટર્સ રાખે છે. ૧૦ મહિનાના પાઈલોટ પ્રોજેક્ટ પછી વિરોધ કે વાંધારહિત ડાઈવોર્સ ઓનલાઈન કરવામાં આવે તેમ સરકાર ઈચ્છે છે.
• ગ્રેજ્યુએટ્સને નોકરી મેળવવા ભારે સ્પર્ધા કરવી પડશે
આગામી ઉનાળાથી યુનિવર્સિટીમાંથી બહાર આવતા ગ્રેજ્યુએટ્સને નોકરી મેળવવા ભારે સ્પર્ધાનો સામનો કરવો પડશે. નાણાકીય કટોકટીના અંત પછી સૌપ્રથમ વખત નોકરીના બજારમાં કટોકટી સર્જાશે તેમ એક સર્વેમાં જણાવાયું છે. બ્રેક્ઝિટ વાટાઘાટો, આર્થિક અનિશ્ચિતતા અને શાળા છોડનારાઓની વધુ ભરતી કરવાના દબાણના કારણોસર દર પાંચમાંથી બે મોટી કંપની તેમની ભરતીની સંખ્યામાં કાપ મૂકી રહી છે.
• પોલીસ કસ્ટડીમાં મોત અંગે પરિવારોનો વિજય
જે લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થાય છે અથવા જેલમાં આપઘાત કરે છે તેમના પરિવારોને ઈન્ક્વેસ્ટમાં સરકારી ભંડોળ સાથેની કાનૂની સહાય મળશે. પોલીસ કસ્ટડીમાં મોત વિષયે સમીક્ષા પછી આ ભલામણ કરાઈ છે. પોલીસ સહિત સરકારના વિવિધ વિભાગો તેમની રજૂઆતો માટે અલાયદી ટીમ ધરાવે છે પરંતુ, અસરગ્રસ્ત પરિવારો પાસે આવી કોઈ સુવિધા હોતી નથી.
• ડેરીઓ બંધ થતાં દૂધની કિંમત વધશે
ડેરીઓ બંધ થવાના કારણે પુરવઠાને અસર થવાથી ટેસ્કો, મોરિસન્સ સહિતના સુપરમાર્કેટ્સ દૂધના ભાવ વધારી રહ્યા છે. દુનિયાભરમાં ડેરી પેદાશોની માગ વધવાના કારણે પણ પુરવઠાની ખેંચ સર્જાઈ છે. ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યા અનુસાર અન્ય સુપરમાર્કેટ્સ પણ ભાવવધારાને અનુસરશે. જોકે, બોટલ્ડ પાણીની સરખામણીએ પિન્ટ દૂધ હજુ સસ્તું રહેશે.
• મુસ્લિમ ગ્રૂપનું કટ્ટરવાદને ઉત્તેજન
પોલીસ દળો અને ટાઉન હોલ્સ કટ્ટરવાદને પ્રોત્સાહન આપતા મુસ્લિમ જૂથ સાથે મળીને કામ કરતા હોવાનું એક સંશોધન અભ્યાસે જણાવ્યું છે. મુસ્લિમ એંગેન્જમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ (Mend) લોબી ગ્રૂપના અધિકારીઓ અને સ્વયંસેવકોએ બ્રિટિશ દળોની હત્યાને કાયદેસર બનાવી કાવતરાની થિયરીઓ આગળ વધારી હોવાના દાવા કરાયા છે.

