સટન ટ્રસ્ટના એક અભ્યાસ મુજબ ૩૦ ટકા વિદ્યાર્થીઓ શાળાની બહાર ખાનગી ટ્યુશન મેળવે છે. ગરીબ વિદ્યાર્થીઓની સરખામણીએ અમીર પરિવારોમાંથી આવતા તરુણો અભ્યાસમાં વધારાની મદદ મેળવતા હોય છે. આ ઉપરાંત, શ્વેત વિદ્યાર્થીઓની સરખામણીએ વંશીય લઘુમતી પશ્ચાદભૂ ધરાવતા વિદ્યાર્થી પણ ટ્યુટરની મદદ લેતા હોવાની શક્યતા વધુ છે. સેકન્ડરી શાળાઓના ૨,૬૦૦ વિદ્યાર્થીઓના સર્વેમાં જણાયું હતું કે ૧૦માંથી ત્રણ વિદ્યાર્થી મ્યુઝિક લેસન્સ સહિત ખાનગી અથવા ઘેર ટ્યુશન મેળવે છે.
• નિવૃત્ત લોકો માટે પણ આજીવન મોર્ગેજ
યુકેમાં સૌપ્રથમ વખત આજીવન મોર્ગેજીસ મળતા થશે. ફાઈનાન્સિયલ રેગ્યુલેટર્સ ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી નિવૃત્ત મકાનમાલિકોને મૃત્યુ બાદ પણ પરત ચુકવી શકાય તેવી લોન મેળવવા છૂટછાટ આપવા તૈયારી કરી રહેલ છે. હાલ બેન્કોને પરત ચુકવણી કરવાના આવકના સાધનો ન હોય તેવા લોકોને મોર્ગેજીસ આપવા પર પ્રતિબંધ છે. હવે મકાનમાલિક મૃત્યુ પામે અથવા રેસિડેન્સિયલ કેર હોમમાં જાય તેવા સંજોગોમાં રેગ્યુલેટર્સ પ્રોપર્ટી વેચીને લોન ચુકવી શકાય તેવો ફેરફાર નિયમોમાં કરવા માગે છે. આ માટે વધુ જોગવાઈ એ હશે કે કસ્ટમર દર મહિને મોર્ગેજનું વ્યાજ ચુકવવા સક્ષમ હોવા જોઈએ.
• જીપી નવા પેશન્ટ્સને યાદીમાં લેવા માગતા નથી
બ્રિટિશ મેડિકલ એસોસિયેશન દ્વારા કરાયેલા સર્વે અનુસાર ૫૪ ટકા જનરલ પ્રેક્ટિશનર્સ નવા પેશન્ટ્સ માટેની તેમની યાદી બંધ કરવા માગે છે. ૧૦ લાખ જેટલા પેશન્ટ્સ દર સપ્તાહે તેમના જીપી સાથે એપોઈન્ટમેન્ટ મેળવી શકતા નથી અને રાહ જોવાનો સમયગાળો વધતો જ જાય છે. યાદી પરના વર્તમાન પેશન્ટ્સને શ્રેષ્ઠ સુરક્ષા સાથેની સંભાળ આપી શકાય તે માટે આ પગલું જરૂરી હોવાનું જીપી ડોક્ટર્સ માને છે.
• NHSના શિરે બેદરકારીના બિલનો વધતો બોજો
NHSના શિરે ક્લિનિકલ બેદરકારીના દાવાઓનો બોજો ૨૦૨૦ સુધીમાં ૩.૨ બિલિયન પાઉન્ડના આંકડે પહોંચવાની શક્યતા છે. નેશનલ ઓડિટ ઓફિસે ચેતવણી આપી છે કે આવો ઊંચો ખર્ચ પેશન્ટ્સની સંભાળ પર વીપરિત અસર કરશે. વર્ષ ૨૦૧૫-૧૬માં NHSના તમામ ટ્રસ્ટોએ ક્લિનિકલ નેગ્લિજન્સ દાવાઓની ચુકવણી પાછળ આવકના ચાર ટકા કે તેથી વધુ ખર્ચ કર્યો હતો અને હાલ તેઓ ખોટમાં ચાલે છે.

