બે દાયકા દરમિયાન ફીમાં ફૂગાવાથી ઉપર ધરખમ વધારાના કારણે સેંકડો ખાનગી શાળાઓને બિઝનેસમાંથી ફેંકાઈ જવું પડે તેવી હાલત સર્જાઈ છે. મધ્યમવર્ગીય પેરન્ટ્સને આટલી ઊંચી ફી પોસાય તેવી રહી નથી. ધ ગુડ સ્કૂલ્સ ગાઈડ પ્રસિદ્ધ કરતા લોર્ડ લુકાસના જણાવ્યા અનુસાર સરકારી શાળાઓના ધોરણોમાં નાટ્યાત્મક સુધારો થવાના પરિણામે મધ્યમ વર્ગ તેના તરફ વળ્યો હોવાથી સ્વતંત્ર સેક્ટર લાંબે ગાળે પડતીના માર્ગે જશે.
• સર એલ્ટનનું માતા સાથે સમાધાન
પ્રસિદ્ધ ગાયક અને ગીતકાર સર એલ્ટન જ્હોને કડવાશના આઠ વર્ષના લાંબા ગાળા પછી માતા શૈલા ફેરબ્રધર સાથે સમાધાન કરી લીધું છે. તેમની માતાએ ગયા વર્ષે પોતાની ૯૦મી વર્ષગાંઠની પાર્ટી નિમિત્તે સર એલ્ટનને પરફોર્મ કરવા બોલાવ્યા હતા. ગીતકારે માતા સાથે સંપર્ક હોવાનું સ્વીકાર્યુ હતું. સર એલ્ટનના બે ગાઢ મિત્રો સાથે સંબંધો ખરાબ થયા પછી પણ તેમની માતાએ મિત્રો સાથે સંપર્કો જાળવી રાખ્યા હોવાથી માતા અને પુત્ર વચ્ચે દલીલો થઈ હતી.
• ચર્ચના મહિલા ધર્મોપદેશકનો પુત્ર સીરિયામાં માર્યો ગયો
સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના લડવૈયા તરીકે ગયેલા જેકોબ પેટ્ટીનું ૨૦૧૪ના ઉત્તરાર્ધમાં મોત થયાનું તેની માતા સુસાન બોયસે કોર્ટ સમક્ષ સુનાવણીમાં જણાવ્યું હતું. મૂળ વ્હાઈટ ક્રિશ્ચિયન જેકોબે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. જેકોબ સીરિયામાં ઈસ્લામિક સ્ટેટમાં જોડાયાનું જાણવાથી આઘાત લાગ્યો હતો તેમ કહેતાં ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના ધર્મોપદેશક સુસાન કોર્ટમાં રોવાં લાગ્યાં હતાં. જેકોબ સીરિયા ગયાના થોડા મહિના સુધી તેની સાથે સંપર્ક જળવાઈ રહ્યો હતો, પરંતુ ડિસેમ્બર ૨૦૧૪થી સંપર્ક બંધ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

