• ખામીઓ પણ નોકરી અપાવી શકે

Tuesday 27th June 2017 09:57 EDT
 

નોકરીના ઈન્ટરવ્યૂમાં તમારી નબળાઈ અથવા ખામીઓની નિખાલસ કબૂલાત પણ તમને સારો હોદ્દો અપાવી શકે છે, તેમ એક સંશોધનના તારણોમાં બહાર આવ્યું છે. યુનિવર્સિટી કોલેજ લંડન ખાતે સંશોધકોએ જણાવ્યું હતું કે સારી લાયકાત ધરાવનારા ઉમેદવારો સ્વૈચ્છિક રીતે પોતાની નબળાઈઓની વાત આગળ લાવે તેમને અન્ય સ્પર્ધકોની સરખામણીએ સફળતા મળવાની વધુ શક્યતા રહે છે.

• બર્મિંગહામમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ખૂબ અઘરો

બર્મિંગહામમાં ગયા વર્ષે ૬૧ ટકા લર્નર ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેલ થતાં તે પાસ થવા માટેનું સૌથી મુશ્કેલ સ્થળ છે. નિષ્ફળતાના સરેરાશ ૬૦ ટકા દર સાથે એકંદરે વેસ્ટ મીડલેન્ડ્સ પ્રદેશ સૌથી મુશ્કેલ ગણાય છે. લંડન અને બેડફર્ડશાયરમાં આ દર ૫૯ ટકા છે. લર્નરોને સૌથી વધુ સફળતા માત્ર ૨૧ હજાર લોકોની વસ્તી ધરાવતા ઓર્કનીમાં મળી હતી. ટેસ્ટમાં ત્યાં માત્ર ૩૦ ટકા જ નાપાસ થયા હતા.

• ગર્ભવતી મહિલાઓને કસરત કરવાની સલાહ

ચીફ મેડિકલ ઓફિસરોના માર્ગદર્શન મુજબ ગર્ભવતી મહિલાઓએ હવેથી બન્ને (પોતે અને ગર્ભમાં રહેલું બાળક) માટે વધુ ખાવાનો ખ્યાલ છોડીને દર અઠવાડિયે ૧૫૦ મિનિટ મધ્યમ શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ. ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડના પબ્લિક હેલ્થ ડોક્ટરોના સંશોધન પછી ગર્ભવતી મહિલાઓને તેની વિગતે સલાહ અપાશે. રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રીશીયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સના માનવા મુજબ પ્રસૂતિમાં જોખમરૂપ પરિબળોમાં સ્થૂળતા એક છે.

ઈમ્પોર્ટેડ માલસામાનની કિંમત વધશે

કેલાસીસથી આવતા અને જહાજમાં સંતાઈને રહેતા માઈગ્રન્ટ્સને લીધે આ ઉદ્યોગને દર વર્ષે ૮ મિલિયન પાઉન્ડનું નુક્સાન જતું હોવાથી આયાતી માલસામાનની કિંમત વધવાનું ટ્રાન્સપોર્ટ વ્યવસાયિકોએ જણાવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં એક દિવસમાં જહાજોના ૧૦થી વધુ ડ્રાઈવરો અથવા તેમના માલિકોને માઈગ્રન્ટ દીઠ ૨૦૦૦ પાઉન્ડ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. આ દર અગાઉના ૧૨ મહિના કરતાં ૧૨ ટકા વધુ હતો. તે વખતે કુલ નુક્સાન ૭.૮ મિલિયન પાઉન્ડનું હતું.

સેક્સનું શિક્ષણ આપવામાં જ્યુઈશ સ્કૂલ નિષ્ફળ 

નોર્થ લંડનના હેકનીમાં આવેલી ત્રણથી આઠ વર્ષના બાળકોને શિક્ષણ આપતી પ્રાઈવેટ જ્યુઈશ સ્કૂલ - વિશનીત્ઝ ગર્લ્સ સ્કૂલ બાળકોને સમલૈંગિકતા વિશે શિક્ષણ ન આપવા બદલ ઓફસ્ટેડના ત્રણ ઈન્સ્પેક્શનમાં નિષ્ફળ રહી હતી.ઈન્સ્પેક્ટરોને જણાયું હતું કે સ્કૂલ દ્વારા બ્રિટિશ સૈદ્ધાંતિક મૂલ્યો વિશે બાળકોને સંપૂર્ણ સમજ અપાતી નથી.

• સરકારને ફ્લેટસના આવરણો હટાવવામાં જંગી ખર્ચ થશે 

ગ્રેનફેલ ટાવરની હોનારત પછી હાઉસિંગ બ્લોક્સ પરથી સળગી ઉઠે તેવા આવરણો હટાવવામાં સરકારને અંદાજે ૬૦૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ થશે. આવરણોના ટેસ્ટીંગમાં અત્યાર સુધીમાં ૬૦ બ્લોક્સ નિષ્ફળ રહ્યા છે. હજુ ૫૪૦ બ્લોક્સનું પરીક્ષણ કરવાનું બાકી છે. આવરણ બદલવાનો ખર્ચ બ્લોક દીઠ ૧ મિલિયન પાઉન્ડ થશે જ્યારે તે કાર્ય ચાલતું હોય ત્યારે રહીશોને અન્યત્ર ખસેડીને સુવિધા અપાશે તો કુલ ખર્ચ ખૂબ વધી જશે.

• પેટના સરળ ઓપરેશનથી ડાયાબિટીસ કાબૂમાં ! 

પેટની અંદર પ્લાસ્ટિકની ફિલ્મ અથવા ‘એન્ડો બેરિયર’ નાખવાના એક સરળ ઓપરેશનથી ડાયાબિટીસ મટતો અથવા કાબૂમાં આવી શકતો હોવાનું ડોક્ટરોએ શોધી કાઢ્યું હતું. લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલ અને યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલ તથા બર્મિગહામની સિટી હોસ્પિટલમાં પરીક્ષણોમાં ભાગ લઈ રહેલા દર્દીઓને ઓપરેશન પછી ડાયાબિટીસ મટી ગયો હોવાનું અથવા સુગરનું પ્રમાણ ખૂબ ઓછું થયું હોવાનું જણાયું હતું. આ ફિલ્મ ખાધેલા ખોરાકને પેટની ઉપલી દીવાલો સાથે સંપર્કમાં આવતા રોકે છે.   


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter