• ખામીપૂર્ણ કેમેરાઓથી નિર્દોષ ડ્રાઈવરોને દંડ

Thursday 31st December 2015 07:11 EST
 

નંબર પ્લેટ્સને ઓળખવામાં થાપ ખાતા ખામીપૂર્ણ કેમેરાઓના કારણે નિર્દોષ ડ્રાઈવરો દંડાઈ રહ્યા છે. ખાનગી કંપનીઓ દ્વારા ૨૦૧૫-૧૬માં ૩.૪૭ મિલિયનથી વધુ પાર્કિંગ ફાઈન્સ ઈસ્યુ કરવામાં આવશે, જે અગાઉના વર્ષની સરખામણીએ ૫૦૦,૦૦૦ જેટલા વધુ હશે. દરેક વખતે વાહન કાર પાર્કિંગ કેમેરા સામેથી પસાર થાય ત્યારે કેમેરા નંબર પ્લેટ્સને ઓળખવામાં થાપ ખાવાથી હજારો ડ્રાઈવરોને ઓવરચાર્જિંગ કરાય છે. ખાનગી કાર પાર્કિંગમાં પેનલ્ટી ઈસ્યુ કરવા વપરાતી ટેકનોલોજી સુધારી સ્થાનિક કાઉન્સિલો દ્વારા ઓપરેટ કરાતી ફેસિલિટીઝની સમકક્ષ બનાવવા હિમાયત કરાઈ છે

• બીજુ ઘર ખરીદતા દંપતીઓ માટે વધુ સ્ટેમ્પ ડ્યૂટી

દંપતીઓ બીજુ ઘર ખરીદે ત્યારે તેમણે ઊંચા દરે સ્ટેમ્પ ડ્યૂટી ચુકવવાની થશે. આ નિયમ લગ્ન કરેલા યુગલોને દંડિત કરવા જેવી હોવાનો આક્ષેપ કન્ઝર્વેટિવ્ઝ મિનિસ્ટર્સ સામે કરાયો છે. ટ્રેઝરી દ્વારા પ્રસિદ્ધ કન્સલ્ટેશનમાં જણાવાયું છે કે પરીણિત દંપતીને ‘એક યુનિટ’ ગણવામાં આવશે અને તેઓ વધારાની પ્રોપર્ટી ખરીદે તો વધારાની ત્રણ ટકા સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે. બીજી તરફ, મકાનમાલિકોએ કહ્યું છે કે અપરિણીત દંપતીઓ તેમના અલગ અલગ નામે પ્રોપર્ટી ખરીદીને વધારાની લેવીમાંથી છટકી શકશે અને પરિણીત દંપતીઓ દંડિત થશે.

• પરિવારમાં બંડખોર પૂર્વજનું ગૌરવ

પારિવારિક ઈતિહાસને દમદાર બનાવતા બંડખોર વ્યક્તિને લોકો છાનાછપને પણ ચાહે છે. જીનિઓલોજી સાઈટ ‘Ancestry’ના સંશોધન અનુસાર પૂર્વજોમાં જેન્ટલમેન ક્રિમિનલ અથવા ઠગ -ફ્રોડસ્ટર હોય તો ૩૩ ટકાથી વધુ લોકોને આ સંબંધનુ ગૌરવ હતું. જ્યારે પૂર્વજ કુખ્યાત કુમાર્ગી કે પ્લેબોય હોવાનું જાણતા ૩૬ ટકા લોકો તેમના વિશે હકારાત્મક લાગણી અનુભવતા હતા. ૬,૦૦૦થી વધુ સભ્યોની મુલાકાતોમાં જાણવા મળ્યું હતું કે ૧૦માંથી એક વ્યક્તિએ તેમના ઓછામાં એક પૂર્વજ શરાબી હોવાનું જણાવ્યું હતું.

• વેબસાઈટે ડ્રાઈવરોની પાર્કિંગ પેનલ્ટીઝ બચાવી

નોર્થ લંડનના કોમ્પ્યુટર સાયન્સના ૧૮ વર્ષીય વિદ્યાર્થી જોશુઆ બ્રાઉડરે તેની મફત વેબસાઈટ DoNotPay.co.uk ના ઉપયોગથી ચાર મહિનામાં જ ડ્રાઈવરોને પાર્કિંગ અપીલ્સમાં બે મિલિયન પાઉન્ડની બચત કરાવી આપી છે. આ વેબસાઈટનો ઉપયોગ કરી ૮૬,૦૦૦થી લોકોએ કાઉન્સિલ પાર્કિંગ પેનલ્ટીઝને પડકારી હતી. આ વેબસાઈટ બચાવના ૧૨ કારણમાંથી એકની પસંદગી કરવા જણાવે છે. તેમની વિગતો ભર્યા પછી કોમ્પ્યુટર અલ્ગોરિધમ દરેકની વિશિષ્ટ અપીલ તૈયાર કરે છે.

• વિમ્બલ્ડન પાર્ક ગોલ્ફ ક્લબે ઓફર ફગાવી

વિશ્વપ્રસિદ્ધ વિમ્બલ્ડન ટુર્નામેન્ટના આયોજકો ઓલ ઈન્ડિયા લોન ટેનિસ ક્લબ દ્વારા કરાયેલી ૨૫ મિલિયન પાઉન્ડની ઓફર ૮૦૦ સભ્યોની વિમ્બલ્ડન પાર્ક ગોલ્ફ ક્લબે ફગાવી દીધી છે. ૧૧૭ વર્ષ જૂની ગોલ્ફ ક્લબની ૭૩ એકર જમીન પરની લીઝ ૨૦૪૧ સુધી છે તેના બદલે પાંચ વર્ષમાં પૂર્ણ કરવા માટે તેને આ રકમ એટલે કે સભ્યદીઠ ૫૦,૦૦૦ પાઉન્ડ જેટલી ઓફર કરવામાં આવી હતી. ઓફરમાં ગોલ્ફર્સને ટેનિસ ક્લબની ઓછામાં ઓછી ૧૦ વર્ષની મેમ્બરશિપનો પણ સમાવેશ કરાયો હતો.

• NHSના ૩૫ ટકાથી વધુ ડોક્ટર્સ વિદેશી

યુકે તેના ડોક્ટરોને તાલીમ આપવા પાછળ બિલિયન્સ પાઉન્ડ ખર્ચે છે અને તેઓ વિદેશ જતા રહે છે. અછતને પૂરવા માટે યુકેએ વિદેશમાં જન્મેલા ડોક્ટર્સ પર આધાર રાખવો પડે છે. યુકેમાં કાર્યરત ૩૫.૪ ટકા ડોક્ટર વિદેશમાં જન્મેલા છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના રિપોર્ટ અનુસાર યુકે ડોક્ટરોની સૌથી વધુ નિકાસ કરે છે અને ખાઈ પૂરવા વિદેશી ડોક્ટરો અને નર્સીસ પર આધાર રાખે છે. કુલ નર્સીસના ૨૧.૭ ટકાનો જન્મ વિદેશમાં થયો છે, જે સંખ્યા એક દાયકા અગાઉ ૧૫.૨ ટકા હતી.

• શાળાઓમાં બ્રિટન ક્રિશ્ચિયન દેશ હોવાનું શીખવો

એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગને શાળાઓમાં બાળકોને બ્રિટન ક્રિશ્ચિયન દેશ હોવાનું શીખવવા જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે શાળાઓ પર ધાર્મિક અભ્યાસના ભાગરૂપે નાસ્તિકતા શીખવવાની જવાબદારી નથી. તેમણે નાસ્તિકતાની સામે સ્થાપિત ધર્મોના મતને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમણે બિનધાર્મિક મતને ‘સમાન રુપ’ આપવાની જરૂર નથી. એજ્યુકેશન સેક્રેટરીએ નોન-ફેઈથ સ્કૂલો માટે નવા ગાઈડન્સની જાહેરાત કરી હતી.

• નાની પેઢીઓને ટેક્સ રિટર્નની મુશ્કેલી

યુકેની નાની કંપનીઓએ ઊંચા દરે ટેક્સ ભરવો પડે તેવી શક્યતા છે. વાર્ષિક ટેક્સ રિટર્નના બદલે ત્રિમાસિક ટેક્સ રિટર્ન ભરવાની દરખાસ્તથી આમ થઈ શકે છે. હજારો નાની કંપનીની પ્રતિનિધિ ધ ફોરમ ઓફ પ્રાઈવેટ બિઝનેસ (FPB)ના જણાવ્યા મુજબ આ નિયમથી નાના બિઝનેસીસને વર્ષે એકાઉન્ટિંગ ફી તરીકે વધારાના ૬૦૦ પાઉન્ડ ખર્ચવા પડશે, જે હાલ વાર્ષિક ૧,૦૦૦ પાઉન્ડ છે. સ્ટાફ સાથેની પેઢીઓને ખર્ચામાં ૫૦૦થી ૩,૪૦૦ પાઉન્ડનો વધારો સહન કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter