• ગરીબ છતાં તેજસ્વી બાળકોને ઉચ્ચ યુનિવર્સિટીઓમાં સ્થાન

Tuesday 10th March 2015 06:32 EDT
 

સોશિયલ મોબિલિટી ઝાર એલન મિલ્બર્ન અને ટેસ્કોના પૂર્વ ચીફ એક્ઝીક્યુટિવ સર ટેરી લેહીના ટેકા સાથે ગરીબ છતાં તેજસ્વી બાળકોને શાળા પૂર્ણ કરવા વાર્ષિક £૬૦૦ની મદદ કામે લાગી છે. આવા વિદ્યાર્થીઓમાંથી ૭૦ ટકા ઉચ્ચ યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવવા સફળ થયા છે. તરુણોને મેન્ટર્સ, વર્ક પ્લેસમેન્ટ્સ ઉપરાંત, નેટવર્કિંગનું કૌશલ્ય આપવાથી તેઓ રસેલ ગ્રૂપ યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવી શકશે.

• ટોની બ્લેરની યુએઈ સાથે ૩૦ મિલિયનના સોદાની દરખાસ્ત

એક ગુપ્ત દસ્તાવેજ અનુસાર પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે મિડલ ઈસ્ટ શાંતિદૂત તરીકેની કામગીરી દરમિયાન યુએઈને સલાહ આપવા £૩૦ નિલિયનના કોન્ટ્રાક્ટની દરખાસ્ત મૂકી હતી. સોદા મુજબ બ્લેર યુએઈની રાજધાની અબુ ધાબીમાં મહિનામાં ચાર દિવસ ગાળવાના હતા. તેઓ ૨૦૦૭થી મિડલ ઈસ્ટ ક્વાર્ટેટનું રાજદ્વારી પ્રતિનિધિત્વ કરતા હતા. જોકે, તેમણે બિઝનેસ સલાહકાર તરીકે ભારે સમૃદ્ધિ હાંસલ કરી હતી.

• બ્રિટિશ બાળાઓને જેહાદીઓની પત્ની બનતી અટકાવવા પ્રયાસ

વિદેશી ત્રાસવાદી જૂથો સાથે જોડાઈ જેહાદીઓની પત્ની બનવા બ્રિટન છોડી જતી તરુણીઓને અટકાવવા હોમ સેક્રેટરી થેરેસા મે નવી સત્તા મેળવવાની તૈયારી કરી રહ્યાં છે. નવા એન્ટિ-ટેરર કાયદા હેઠળ જેહાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં સામાન્ય હવાઈમાર્ગો પર શંકાસ્પદ પ્રવાસી અને બાળકોને લઈ જવા સામે એરલાઈન્સ પર પ્રતિબંધો લદાશે. આવા શંકાસ્પદોને વિમાનમાં બેસવા જતાં અટકાવાશે. એરલાઈન્સે પેસેન્જર લિસ્ટ દર્શાવી ચોક્કસ માર્ગો પર તેમને લઈ જવાની પરવાનગી માગવી પડશે.

• પ્રિઝનર્સ રાઈટ્સ ગ્રૂપ કેજને દાન નહિ આપવા નિર્ણય

બે ચેરિટી- જોસેફ રોનટ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોડ્ડિક ફાઉન્ડેશને પ્રિઝનર્સ રાઈટ્સ ગ્રૂપ કેજને વધુ દાન નહિ આપવા નિર્ણય કર્યો છે. કેજના ડિરેક્ટર આસીમ કુરેશી દ્વારા ઈસ્લામિક કટ્ટરવાદીઓના મંતવ્યોને વખોડવા વારંવાર ઈનકાર પછી અઆ પગલું લેવાયું હતું. કેજ ગ્રૂપને ટેકો આપવા બદલ ચેરિટી કમિશને આ બે ચેરિટી સંસ્થાની તપાસ હાથ ધરી હતી. કેજ ગ્રૂપે જેહાદી જલ્લાદ મોહમ્મદ એમ્વાઝીને ‘સુંદર નવયુવાન’ તરીકે ઓળખાવ્યો હતો.

• વંદાના ઉપદ્રવથી બેકરી અને કરી હાઉસ બંધ કરાયા

ચોતરફ ફરતાં વંદાઓના ઉપદ્રવના કારણે હાર્લ્સડેનની હાઈ ક્રાઉન બેકરી અને વેમ્બલીના મૂર સ્પાઈસ કરી હાઉસને બંધ કરાયા હતા. સાપ્તાહિક ઈન્સ્પેક્શન દરમિયાન આ બે સ્થળે વંદારાજ નિહાળ્યા પછી પર્યાવરણીય અધિકારીઓએ તત્કાળ પગલાં લીધા હતા. આ પછી બેકરી દ્વારા સફાઈના પગલાં લેવાયાના પરિણામે તેને કોલવાની પરવાનગી અપાઈ હતી. જોકે, કરી હાઉસ બંધ રખાયું હતું. વિલ્સડેન મેજિસ્ટ્રેટ્સ કોર્ટે £૧,૫૫૯ અને £૧,૯૬૮ ખર્ચ તરીકે ચૂકવવા અનુક્રમે ક્રાઉન બેકરી અને મૂર સ્પાઈસને આદેશ કર્યો હતો.

• મહિલા પર હિંસક હુમલો કરનારને જેલ

બ્લેકફ્રાયર્સ ક્રાઉન કોર્ટે સોહો સ્ટ્રીટમાં મહિલાને ઢોર માર મારવા બદલ વિન્ડસર ક્રિસન્ટના દિપ્રાશ શાક્યાને સાત વર્ષની જેલની સજા ફરમાવી હતી. આ પુરુષે મહિલાની બેગમાં હાથ નાખી કશું કાઢી લીધાનો આક્ષેપ મૂકાયો હતો. નેપાળી ગ્રૂપના અન્ય પુરુષોએ તેને માર્યો હતો. ડિસેમ્બર ૨૦૧૩માં આ હુમલામાં સંડોવણી બદલ રવિન્દ્ર ગિરિ અને નકુલ થાપાને પણ અનુક્રમે પાંચ અને ચાર વર્ષની સજા થઈ હતી.

• બ્રેન્ટના કાઉન્સિલર કાવાલા પર ડ્રાઈવિંગ પ્રતિબંધ

વેમ્બલી સેન્ટ્રલના કાઉન્સિલર કૃપા શેઠ સાથે બોલાચાલી પછી શારીરિક ઈજા કરવાના હુમલા અને ખતરનાક ડ્રાઈવિંગની ઘટનામાં બ્રેન્ટના સ્ટોનબ્રિજ વોર્ડના લેબર કાઉન્સિલર ઝફર વાન કાવાલાને એક વર્ષના ડ્રાઈવિંગ પ્રતિબંધ તેમ જ ૨૦૦ કલાકની કોમ્યુનિટી સર્વિસની સજા હેરો ક્રાઉન કોર્ટે ફરમાવી હતી. કાવાલાએ પ્રોસિક્યુશન કોસ્ટના £૪,૨૦૦, કાઉન્સિલર શેઠને વળતર તરીકે £૨૫૦ અને વિક્ટિમ સરચાર્જના £૬૦ ચુકવવા પડશે. બે વર્ષની રીલેશનશિપ પછી કાવાલા અને કૃપા શેઠના સંબંધોમાં કડવાશ આવી હતી. લેબર પાર્ટીએ કાવાલાને હાલ સસ્પેન્ડ કર્યા છે.

• નાઝ શાહ બ્રેડફોર્ડ વેસ્ટના નવા લેબર સંસદીય ઉમેદવાર

લેબર પાર્ટીએ બ્રેડફોર્ડ વેસ્ટ સંસદીય બેઠકની ચૂંટણીના નવા ઉમેદવાર તરીકે માટે નાઝ શાહની પસંદગી કરી છે. આ બેઠક માટે અગાઉ પસંદ કરાયેલાં ઉમેદવાર અમીના અલીએ પારિવારિક જીવનને આગળ ધરી ચૂંટણી લડવાનું નકારતાં મહિલા અધિકારોના હિમાયતી નાઝ શાહને પસંદ કરાયા છે. આ બેઠક હાલ રીસ્પેક્ટ પાર્ટીના જ્યોર્જ ગેલોવેના હાથમાં છે, જે તેમણે ૨૦૧૨ની પેટાચૂંટણીમાં લેબર પાર્ટી પાસેથી ખૂંચવી હતી. નાઝ શાહ મેન્ટલ હેલ્થ ચેરિટી શેરિંગ વોઈસીસ બ્રેડફોર્ડના અધ્યક્ષ છે.

• મોહમ્મદ એમ્વાઝી લોરીમાં છુપાઈને નાસી ગયો

ઈસ્લામિક સ્ટેટનો જલ્લાદ અને જિહાદી જ્હોન નામથી જાણીતો થયેલો મોહમ્મદ એમ્વાઝી લોકોના સ્મગલિંગ માટે ફ્રેઈટ લોરીમાં છુપાવાના જાણીતા માર્ગના ઉપયોગથી ૨૦૧૩માં બ્રિટનથી નાસી ગયો હતો. MI5 અને સ્કોટલેન્ડ યાર્ડ કાઉન્ટર-ટેરરિઝમ કમાન્ડના વોચલિસ્ટમાં હોવા છતાં તે વિના ચકાસણીએ યુરોપ પાર કરી તુર્કીશ બોર્ડર સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો અને ત્યાંથી તે સરળતાએ સીરિયા પહોંચ્યો હતો.

• ઈસ્લામિક સ્ટેટમાં જોડાવાની યોજના બદલ જેલ

નાના ભાઈને ઈસ્લામિક સ્ટેટમાં જોડાવામાં મદદ તથા સીરિયામાં તેની સાથે જવાની તૈયારી કરનારા કેમિસ્ટ્રીના શિક્ષક જમશેદ જાવીદને વુલીચ ક્રાઉન કોર્ટે છ વર્ષની સજા ફરમાવી છે. લેવનહ્યુમ, માન્ચેસ્ટરના રહેવાસી જાવીદે માતાપિતા અને સગર્ભા પત્નીની સીરિયા ન જવાની વિનંતીઓ પણ ઠુકરાવી હતી. માતાપિતાએ તેનો પાસપોર્ટ પણ છુપાવી દીધો હતો. જાવીદના નાના ભાઈ મોહમ્મદનો એક વર્ષથી કોઈ પતો નથી. તે યુનિવર્સિટીના ત્રણ મિત્રો સાથે ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયો હતો

• ઈંગ્લેન્ડની માઈગ્રન્ટ વસ્તીમાં ૫૬૫,૦૦૦નો ઉમેરો

ઓક્સફર્ડ યુનિવર્સિટીની માઈગ્રેશન ઓબ્ઝર્વેટરીના અભ્યાસ અનુસાર ૨૦૧૧થી ત્રણ વર્ષના ગાળામાં ઈંગ્લેન્ડની માઈગ્રન્ટ વસ્તીમાં ૫૬૫,૦૦૦નો ઉમેરો થયો છે. આ માઈગ્રન્ટ વસ્તીનો આશરે બે-તૃતીઆંશ હિસ્સો અન્ય ઈયુ દેશોમાં જન્મેલો છે. વિદેશમાં જન્મેલા નિવાસીઓની સંખ્યામાં સૌથી વધુ વધારો લંડનમાં જોવા મળ્યો છે. ૨૦૧૧ની સરખામણીએ ગયા વર્ષે આશરે વધુ ૨૦૦,૦૦૦ માઈગ્રન્ટ્સ લંડનમાં રહેતાં હોવાનો અંદાજ છે.

• જાહેર સ્થળે ધૂમ્રપાનનો પ્રતિબંધ જેલોને પણ લાગુ

હાઈ કોર્ટે જાહેર સ્થળે ધૂમ્રપાનનો પ્રતિબંધ સરકારી જેલો અને ક્રાઉન પ્રીમાઈસીસને પણ લાગુ પડે તેવો લેન્ડમાર્ક ચુકાદો આપ્યો છે. લેન્કેશાયરમાં વાયમોટ પ્રિઝનના કેદી પોલ બ્લેકે અરજી કરી હતી કે સેકન્ડ-હેન્ડ સ્મોકિંગથી તેની આરોગ્ય સમસ્યાઓ વકરે છે. હાઈ કોર્ટે ૨૦૦૬ હેલ્થ એક્ટ ક્રાઉન પ્રીમાઈસીસ અને જેલોને લાગુ નહિ પડતી હોવાની જસ્ટિસ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગની દલીલ ફગાવી હતી. જોકે, કોર્ટ ઓફ અપીલમાં જવાનો સમય મળે તે માટે ચુકાદાનો તત્કાળ અમલ મુલતવી રખાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter