માનવતાના હિતમાં દેશો દ્વારા અપાતા યોગદાન પર આધારિત ગ્લોબલ ગુડ કન્ટ્રી ઈન્ડેક્સમાં યુકે સાતમા ક્રમેથી ગગડીને આઠમા ક્રમે પહોંચી ગયું છે. પરંતુ, તે વિશ્વના ૧૫૦ કરતાં વધુ દેશોથી હજુ પણ વધુ સારું કરે છે અને ઓછું નુક્સાન પહોંચાડે છે. આ ઈન્ડેક્સમાં નેધરલેન્ડને પ્રથમ અને અફઘાનિસ્તાનને છેલ્લું સ્થાન મળ્યું હતું.
• ઉચ્ચ અભ્યાસના પ્રવેશમાં લંડનના તરુણો આગળ
લંડનમાં રહેતા તરુણોની ઉચ્ચ અભ્યાસમાં આગળ વધવાની શક્યતા ઈંગ્લેન્ડના અન્ય વિસ્તારોના તરુણો કરતાં ૨૫ ટકા વધુ હોવાનું Ucas દ્વારા જણાવાયું હતું. યુનિવર્સિટી એડમિશન્સ સર્વિસના આંકડા મુજબ ઈંગ્લેન્ડમાં વસતા ૧૮ વર્ષના વિદ્યાર્થીઓમાંથી સરેરાશ ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ આ ઓટમમાં ડિગ્રી અભ્યાસ કરશે. પરંતુ, પ્રદેશોની બાબતે તેમાં ખૂબ તફાવત છે. લંડનની યુનિવર્સિટીઓમાં લગભગ આ વિદ્યાર્થીઓ પૈકી ૪૦ ટકાએ પ્રવેશ મેળવ્યો છે.
• M15 અને M16સામે દાવાનો પૂર્વ આતંકીને મંજૂરી
આતંકી જૂથ લીબીયન ઈસ્લામિક ફાઈટીંગ ગ્રૂપ (LIFG)ના પૂર્વ વડા ૫૧ વર્ષીય ઈસ્માઈલ કામોકાને તેમની અટકાયત અને લીબીયા તડીપાર કરવાના પ્રયાસ બદલ M15 અને M16 સામે હજારો પાઉન્ડના વળતરનો કેસ દાખલ કરવાની હાઈકોર્ટે પરવાનગી આપી હતી. તે હાલ પશ્ચિમ અને યુએન સમર્થિત લીબીયા સરકારની લંડન એમ્બેસીમાં ફરજ બજાવે છે. LIFGને ભંડોળ આપવાની અને બોગસ પાસપોર્ટ પૂરા પાડવાની કબૂલાત બાદ ૨૦૦૭માં કામોકાની ધરપકડ કરાઈ હતી. કર્નલ ગદાફીની સત્તા ઉથલાવવા માટે રચાયેલા આ જૂથને બ્રિટનની સિક્યુરિટી સર્વિસ ‘રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ’ ગણાવે છે.
• બ્રિટિશ સમાજમાં ન ભળેલા જૂથ અત્યાચારી
એશિયન સમુદાયના કેટલાક લોકો બ્રિટિશ સમુદાયમાં ભળવામાં નિષ્ફળ જતા શ્વેત મહિલાઓ સાથે દુષ્કર્મ અને જાતીય સતામણી પહેલા તેમને ડ્રિંક્સ અને ડ્રગ્સનો નશો કરાવતી બ્રિટિશ પાકિસ્તાની પુરુષોની ગ્રૂમીંગ ગેંગ્સ બની છે. થીંક ટેંક ‘ક્વિલિયમ’ના અહેવાલમાં બ્રિટિશ પાકિસ્તાની લોકો આધુનિક બ્રિટિશ સમાજ સાથે સંકળાય તે માટે મદદનો અનુરોધ કરાયો હતો. અહેવાલ મુજબ ગ્રૂમીંગ ગેંગ્સના સભ્ય હોવાના દોષિત ઠરેલા ૮૪ ટકા એશિયન મૂળના લોકો હતો. યુકેની કુલ વસતિમાં માત્ર ૭ ટકા જ એશિયનો છે.
• એસિડ હુમલાના પીડિતોને વધુ મદદની જરૂર
ગયા જૂનમાં ઈસ્ટ લંડનના બેક્ટનમાં ૩૭ વર્ષીય જમીલ મુખ્તાર અને તેની પિતરાઈ બહેન રેશમ ખાન, જહોન ટોમલીન દ્વારા કરાયેલા એસિડ હુમલાનો ભોગ બન્યા હતા. હુમલા પછી કોમામાં સરી પડેલા અને આજીવન ભયના ઓથાર નીચે જીવતા મુખ્તારનો ચહેરો દાઝી ગયો હતો. તેણે જણાવ્યું હતું કે તે એક કાને સાંભળી શકતો નથી. છેલ્લા છ મહિનાથી કાનમાં સખત પીડા થાય છે. હું પથારીવશ થઈ ગયો છું. આ હુમલાએ મારું જીવન બરબાદ કરી નાખ્યુ છે. મને કાઉન્સેલિંગની જરૂર છે.’ અહેવાલ મુજબ દર વર્ષે ૮૦૦થી વધુ એસિડ હુમલા થાય છે.
• બિટકોઈનના ઉછાળાનો લાભ નહીં મળે
વિશ્વના સૌથી મોટા બિટકોઈન એક્સચેન્જ પૈકીના એક કોઈનબેઝના ચીફ એક્ઝિક્યુટિવ બ્રાયન આર્મસ્ટ્રોંગે ચેતવણી આપી હતી કે આ ચલણમાં ઉછાળો આવે તેવા સંજોગોમાં તેની સિસ્ટમમાં ભંગાણ સર્જાશે અને રોકાણકારો તેમના હોલ્ડિંગને વટાવીને તેનો લાભ મેળવી શકશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે બિટકોઈનમાં બે તરફી વધઘટને લીધે ગ્રાહકોના એકાઉન્ટ અને એસેટ્સના રક્ષણ માટે કેટલા ગ્રાહકો બિટકોઈન વેચી શકે તેની મર્યાદા નક્કી કરવી પડી છે.

