હેમરસ્મિથ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા મિડલસેક્સ, હેરોના બોગસ વકીલ સાન્ડ્રા અમારાતુંગાને ૨૬ સપ્તાહના કારાવાસની સજા ફરમાવી હતી, જે ૧૮ મહિના માટે સસ્પેન્ડ રખાઈ હતી. અમારાતુંગાએ અનુભવી વકીલ હોવાનું જણાવી અસીલને ગેરકાયદે ઈમિગ્રેશન સલાહ અને સર્વિસીસ પૂરી પાડી હતી. અસરગ્રસ્તને £૨,૧૦૦નું વળતર, £૫,૦૦ પ્રોસિક્યુશન કોસ્ટ અને £૮૦નો વિક્ટિમ સરચાર્જ ચુકવવા અમારાતુંગાને આદેશ કરાયો હતો.
• યુવતીને લિક્વિડ નાઈટ્રોજન આપનારા બારને ભારે દંડ
લેન્કેશાયરમાં ૧૮મા જન્મદિવસે ઓસ્કાર્સ વાઈન બાર એન્ડ બિસ્ટ્રોમાં મિત્રો સાથે ગયેલી ગેબી સ્કાનલોનને સ્મોકિંગ લિક્વિડ નાઈટ્રોજન કોકટેલ આપવા બદલ બારને પ્રેસ્ટન ક્રાઉ કોર્ટે £૧૦૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. ઓક્ટોબર, ૨૦૧૨ની ઘટનામાં આ પીણું પીવાના કારણે યુવતીની હોજરી એટલી બળી ગઈ હતી કે તેને દૂર કરવાની ફરજ પડી હતી. તેણે ત્રણ સપ્તાહ હોસ્પિટલમાં ગાળવા પડ્યા હતા. હજુ પણ મિસ સ્કાનલોનને બળતરાની ફરિયાદ રહે છે. લિક્વિડ નાઈટ્રોજન પીણું જોખમી છે કે કેમ તેના વિશે બાર દ્વારા કોઈ સલામતી પગલાં લેવાયાં ન હતાં.
• મોડેલ નાદિયા ફાંસો ખાધેલી હાલતમાં મળી
માન્ચેસ્ટરની મોડેલ અને એક સંતાનની ૨૪ વર્ષીય માતા નાદિયા મેનાઝ તેના ઓલ્ધામ ખાતેના મકાનમાં ફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવી હતી. નાદિયાએ પરિવાર દ્વારા એરેન્જ્ડ લગ્ન માટે તેના પર દબાણ કરવામાં આવે નહિ તેવો કોર્ટ આદેશ પાંચ મહિના અગાઉ મેળવ્યો હતો. ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું કે તેણે ઈસ્લામિક વિધિથી ઉમર રસૂલ સાથે લગ્ન કર્યાં હતાં, જે ઈંગ્લિશ કાયદા હેઠળ માન્ય રખાયા ન હતા. પરિવાર પણ તેના પતિથી નારાજ હતો. પરિવારે તેમની પુત્રીની હત્યા કરાઈ હોવાનો દાવો કર્યો હતો.
• ઓક્સફર્ડ સ્ટ્રીટ દ્વારા ઈન્ડો-બ્રિટિશ ફેર
લંડનની ઓક્સફર્ડ સ્ટ્રીટ દ્વારા ૨૧-૨૩ સપ્ટેમ્બર દરમિયાન યુકેનો પ્રથમ ઈન્ડો-બ્રિટિશ ફેર યોજાયો હતો. ટ્રાવેલિસ્ટાના સ્થાપક અક્ષુણા બક્ષીએ જણાવ્યા મુજબ સૌથી નવતર ફ્યુઝન ફેશન, ક્રાફ્ટ્સ અને કલ્ચરના આ કાર્યક્રમમાં યુકેના ૫૫ પ્રતિભાશાળી ડિઝાઈનરોએ ભાગ લીધો હતો. તેમાં ટેક્સ્ટાઈલ્સ, ફેશન, જ્વેલરી, કળા અને હસ્તકલાના ભારતીય, એશિયન, બોહો, ટ્રાઈબલ, જિપ્સી અને બ્રિટિશ નમૂનાઓ પ્રદર્શિત કરાયા હતા. વિવિધ રાષ્ટ્રીયતા અને વંશીયતાના લોકોએ મેળાનો લાભ લીધો હતો.
• રોજગારીના સ્તરમાં વધારો
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડા અનુસાર જુલાઈ સુધીના ત્રણ મહિનાના ગાળામાં રોજગારીના સ્તરમાં ૪૨,૦૦૦નો વધારો થયો છે. આમ રોજગારી દરમાં ૭૩.૫ ટકાનો વધારો થઈ કુલ રોજગારી ૩૧.૩ મિલિયનના આંકડે પહોંચી છે. ગયા વર્ષની સરખામણીએ કામ કરતા લોકોની સંખ્યામાં ૪૧૩,૦૦૦નો વધારો થયો છે, જેમાં ૫૨,૦૦૦ લોકો પાર્ટ-ટાઈમ અને ૩૬૧,૦૦૦ લોકો પૂર્ણકાલીન કામમાં જોડાયેલાં છે. આ ઉપરાંત, બોનસીસને બાકાત રાખતા સરેરાશ સાપ્તાહિક વેતનોમાં પણ ૨.૯ ટકાનો વધારો જોવા મળ્યો છે.