બ્રિટનમાં ગત બે વર્ષ દરમિયાન ગેરકાયદે કામ કરતા બિન-ઈયુ વર્ક્સની ધરપકડ લગભગ અડધી થઈ છે. આ સમસ્યાના નિરાકરણની હોમ ઓફિસની વારંવારની ખાતરી છતાં, પરિસ્થિતિ સુધરી નથી. યુકેમાં અંદાજે ૧.૧ મિલિયન ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ રહેતાં હોવાં છતાં ૨૦૧૩માં ૮,૧૪૩ ગેરકાયદે વર્કર્સની ધરપકડ થઈ હતી તેની સામે ગયા વર્ષે માત્ર ૪,૮૧૪ વર્કર્સ પકડી લેવાયા હતા, જે ૪૧ ટકાનો ઘટાડો સૂચવે છે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે ૨૦૧૩-૧૪ના ગાળામાં ૩,૪૦૦ અને ૨૦૧૫-૧૬માં ૧,૨૯૫ ગેરકાયદે વર્કર્સને દેશનિકાલ કરવામાં આવ્યા છે. આ મુદ્દે મિનિસ્ટર્સની આકરી ટીકા કરવામાં આવી હતી.
• જીવલેણ ઈડિયોપથિક પલ્મોનરી ફાઈબ્રોસિસ રોગ
યુકેમાં લ્યુકેમિયા, બ્રેઈન અથવા જઠરના કેન્સર કરતા પણ વધુ મોત માટે જવાબદાર ફેફસાના રોગ ઈડિયોપથિક પલ્મોનરી ફાઈબ્રોસિસ (IPF)નો પંજો વિકરાળ બની રહ્યો છે. આ સાઈલન્ટ કિલર રોગ શેનાથી થાય છે તેની જાણકારી મળતી નથી ત્યારે ૩૨,૫૦૦ લોકોને તેની અસર થઈ છે. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે તેની સારવાર નહિ શોધાય તો એક દાયકામાં તે યુકેમાં સૌથી જીવલેણ પાંચ રોગમાં સ્થાન મેળવી લેશે. તેના પ્રાથમિક લક્ષણોને સામાન્ય શરદી કે ફ્લુ જેવાં ગણી લેવાય છે પરંતુ તેનાથી શ્વસનતંત્ર નિષ્ફળ બનતા મોત નીપજે છે. બ્રિટિશ લંગ ફાઉન્ડેશન અનુસાર બ્રિટિશરોનાં મોત માર્ગ અકસ્માતની સરખામણીએ IPFથી થવાની શક્યતા બમણી છે. આમ છતાં, પૂરતા ભંડોળના અભાવે IPF વિશે સંશોધન થતું નથી
• જીવલેણ બીમારીના બેનિફિટિસ માટે રીટેસ્ટિંગ નહિ
અતિ ગંભીર અને જીવલેણ બીમારી માટે બેનિફિટ્સનો દાવો કરનારાઓને રાહત આપવા ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા રીટેસ્ટિંગની જોગવાઈ રદ કરવામાં આવી છે. હાલ જીવલેણ બીમારી ધરાવતા બેનિફિટ્સ દાવેદારોએ દર છ મહિને તેઓ હજુ બીમાર હોવાનું સર્ટિફિકેટ આપવાનું રહે છે. જેમની બીમારીની હાલતમાં સુધારો થવાની શક્યતા નથી તેવા દાવેદારોને એમ્પ્લોયમેન્ટ સપોર્ટ એલાવન્સ સર્ટિફિકેટ વિના પણ ચાલુ રખાશે તેવી જાહેરાત સાથે DWP સેક્રેટરી ડેમિયન ગ્રીને આશા દર્શાવી હતી કે આ સુધારાથી જીવલેણ રોગગ્રસ્તો અને અસક્ષમોની ચિંતા અને નાણાકીય અસુરક્ષાનો અંત લાવી શકાશે.
• ફ્રી સ્કૂલના સ્થાપકને ફ્રોડ માટે જેલ
બ્રેડફર્ડમાં ફ્રી સ્કૂલ કિંગ્સ સાયન્સ એકેડેમીના સ્થાપક સાજિદ હુસૈન રઝાને સરકારી ગ્રાન્ટની હજારો પાઉન્ડની રકમો પોતાના બેન્ક એકાઉન્ટમાં નાખી ફ્રોડ આચરવા બદલ પાંચ વર્ષ જેલની સજા ફરમાવાઈ છે. લીડ્સ ક્રાઉન કોર્ટે રઝાની સાથે તેના પૂર્વ સ્ટાફ મેમ્બર દાઉદ ખાન અને શબાના હુસૈનને પણ અનુક્રમે ૧૪ મહિના અને પાંચ મહિનાની જેલસજા ફરમાવી હતી. આ ત્રિપુટીએ ૨૦૧૧માં સ્થાપિત કિંગ્સ સાયન્સ એકેડેમી માટે નવેમ્બર ૨૦૧૦થી ડિસેમ્બર ૨૦૧૩ સુધીના ગાળા માટે મેળવેલી રકમમાંથી કુલ ૬૯,૦૦૦ પાઉન્ડની છેતરપીંડી આચરી હતી. રઝા અને શબાના ભાઈ-બહેન છે, જ્યારે દાઉદ ખાન સ્કૂલના ફાઈનાન્સ ડિરેક્ટર હતા.
• સ્કોટલેન્ડ સજાતીય સંબંધો અંગે ઉદાર થયું
રુઢિચુસ્ત ગણાતો સ્કોટલેન્ડનો સમાજ સજાતીય સંબંધોના વલણમાં કુણો પડ્યાનો નિર્દેશ સ્કોટિશ સોશિયલ એટિટ્યુડ્સ સર્વેના પરિણામોએ આપ્યો છે. આ સર્વે દર ચાર-પાંચ વર્ષે પ્રસિદ્ધ કરાય છે. આવા સંબંધો ખોટા નથી તેવું માનનારાની સંખ્યા વર્ષ ૨૦૦૦માં ૨૯ ટકા હતી, જે ૨૦૧૫માં વધી ૫૯ ટકા થઈ છે. સ્કોટલેન્ડમાં લેસ્બિયન અને ગે લોકો અને વિશેષતઃ વયોવૃદ્ધ લોકોમાં આવા સંબંધો તરફનો પૂર્વગ્રહ ઘટ્યો છે પરંતુ, ટ્રાવેલર્સ સાથે આવા સંબંધો તેમજ બુરખા પહેરતી મુસ્લિમ સ્ત્રીઓ જેવા જૂથો પ્રત્યે પૂર્વગ્રહમાં ખાસ ફેર પડ્યો નથી. અશ્વેત કે એશિયન વ્યક્તિ સાથે ગાઢ સંબંધીના સજાતીય સંબંધથી દુઃખ થશે તેવો અભિપ્રાય પાંચ ટકાએ આપ્યો હતો.
• એડ મિલિબેન્ડે લેબર પાર્ટીને સત્તાથી દૂર ધકેલી
પૂર્વ ફોરેન સેક્રેટરી ડેવિડ મિલિબેન્ડે ન્યુ સ્ટેટ્સમેનના એક લેખમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેમના ભાઈ એડ મિલિબેન્ડે લેબર પાર્ટીને સત્તાથી દૂર ધકેલી હતી. પાર્ટીની મુશ્કેલીઓ માટે એક માત્ર જેરેમી કોર્બીન જવાબદાર નથી. ડેવિડ મિલિબેન્ડે લખ્યું છે કે બ્રેક્ઝિટ ડાબેરીઓની નબળાઈ દર્શાવે છે. ગત દસકામાં રાષ્ટ્રીય નિર્ણયપ્રક્રિયામાં લેબર પાર્ટીનો ઝોક શક્તિશાળી બહુમતીથી બીજા ક્રમના પ્રભાવમાં ફેરવાઈ જવાથી જ બ્રેક્ઝિટ શક્ય બન્યું છે. લેબર પાર્ટી કે પાર્લામેન્ટરી પ્રતિનિધિત્વ કરતા પણ ડાબેરી વિચારધારાનું ભાવિ વધુ મહત્ત્વપૂર્ણ છે.

