પૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને વિશ્વના સૌથી મોટા ઈન્વેસ્ટમેન્ટ બિઝનેસમાંના એક પિમકોમાં વેલ્થ ક્રીએશન એડવાઈઝરની નવી ભૂમિકા સ્વીકારી છે. બ્રાઉનની ઓફિસે જણાવ્યું હતું કે આ હોદ્દાથી તેમને અંગત લાભ થવાનો નથી. કેલિફોર્નિયાસ્થિત એસેટ મેનેજમેન્ટ કંપની પિમકો જર્મનીની મોટી વીમા કંપની એલિઆન્ઝનો હિસ્સો છે. બ્રાઉનના પૂર્વ સહાયક અને મિનિસ્ટર એડ બોલ્સના ભાઈ એન્ડ્રયુ બોલ્સ પિમકોમાં ગ્લોબલ ફિક્સ્ડ ઈન્કમ માટેના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર છે.
• લોર્ડ જેનર ટ્રાયલનો સામનો કરવા અક્ષમ
ઓલ્ડ બેઈલી કોર્ટના સીનિયર જજે ૫૦ વર્ષ જૂના યૌનશોષણના સંખ્યાબંધ આરોપોનો સામનો કરવાની ટ્રાયલ માટે ૮૭ વર્ષીય ઉમરાવ લોર્ડ જેનર અક્ષમ હોવાનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ ઓપનશોએ લેબર પાર્ટીના પૂર્વ નેતા ગંભીર સ્મૃતિભંશ કે ડિમેન્શિયાથી પીડાતા હોવાના વિસ્તૃત રિપોર્ટ્સને ધ્યાનમાં લીધા હતા. લોર્ડ જેનરની માનસિક હાલત અતિ નબળી હોવાનું ચાર મનોચિકિત્સક અને મનોવિજ્ઞાનીએ જણાવ્યું હતું.
• મુસ્લિમ પ્રવાસીને કોચમાંથી ઉતારી દેવાયો
સાથી મહિલા પ્રવાસીએ ડ્રાઈવરને ફરિયાદ કર્યા પછી એક મુસ્લિમ પુરુષને ત્રીજી ડિસેમ્બરે લંડન તરફ જતાં નેશનલ એક્સપ્રેસ કોચમાંથી ઉતારી દેવાયો હતો. અન્ય પ્રવાસીઓએ કહ્યું હતું કે આ પુરુષના કારણે તેઓ અસ્વસ્થતા અનુભવતા હતા. નેશનલ એક્સપ્રેસ દ્વારા તે વ્યક્તિને ધર્મના કારણે કોચમાંથી ઉતારી દેવાયાનું સ્પષ્ટપણે નકાર્યું હતું. તેના સામાનના લીધે વિવાદ સર્જાયો હતો. જોકે, યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલની વિદ્યાર્થિની રેબેકા માકિન્ડેએ આ ઘટના ઈસ્લામોફોબિક હોવાની ફરિયાદ ટ્વિટર પર કરી હતી.
• ગ્રાહકોએ ચાકુ સાથેના અપરાધીને પકડ્યો
એબિંગ્ડનમાં ડિસ્કાઉન્ટ સ્ટોર પાઉન્ડલેન્ડની શાખામાં એક ગ્રાહક પર કિચન ચાકુથી ઘા નાખનારા અપરાધીને અન્ય ગ્રાહકોએ હિંમત દર્શાવી પકડી લીધો હતો. મહિલા પોલીસ ઓફિસરે ૩૬ વર્ષીય અપરાધીને ટેસર લગાવી નિઃશસ્ત્ર કર્યા પછી ધરપકડ કરી હતી. હુમલો કરાયેલા ગ્રાહકનું હોસ્પિટલમાં મોત થતા પોલીસે હત્યાનો ગુનો લગાવ્યો હતો. પાઉન્ડલેન્ડના સીઈઓ જિમ મેક્કાર્થીએ ગ્રાહક પર હુમલાની આ ઘટના સંદર્ભે આઘાત વ્યક્ત કર્યો હતો.

