પોતાના ગ્રાન્ડચિલ્ડ્રનની દેખરેખ રાખતા વયોવૃદ્ધ લોકોની આવરદામાં પાંચ વર્ષ જેટલો વધારો થતો હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. આ તારણ પોતાના પરિવારમાં બાળકોની કાળજી રાખતાં ગ્રાન્ડપેરન્ટ્સને જ લાગુ પડતું નથી. સમાજસેવા નેટવર્ક સાથે જોડાયેલા અન્ય વૃદ્ધોની આવરદામાં પણ સરેરાશ ત્રણ વર્ષની વૃદ્ધિ થાય છે. ગ્રાન્ડચિલ્ડ્રનની કદી સારસંભાળ નહિ લેનારા વૃદ્ધોથી વિપરીત કદી કદી પણ આવી સહાય આપનારા ૭૦-૧૦૩ વયજૂથના ૫૦૦થી વધુ સ્વિસ અને જર્મન વૃદ્ધોને અભ્યાસમાં સાંકળી લેવાયા હતા.
• હતાશ પેન્શનર્સ હિંસક ગુનાખોરીના માર્ગે
જેલની વસ્તીમાં ૬૦થી વધુ વયના કેદીઓની સંખ્યા વધી રહી છે. પોલીસના આંકડા મુજબ વૃદ્ધો દ્વારા આચરાતા ગુનાઓમાં પેન્શનર્સ દ્વારા હિંસક ગુનાઓ અડધાથી પણ વધુ છે. ત્રણ વર્ષમાં હતાશ પેન્શનર્સ દ્વારા હિંસક ગુનાની સંખ્યા લગભગ બમણી થઈ છે. ક્રિમિનોલોજિસ્ટ રોબર્ટ ગ્રાએફ અનુસાર વૃદ્ધ થઈ જવાથી અને પાસે કામ ન રહેવાથી લોકોની હતાશા વધી જાય છે
• વૃદ્ધે ભૂલથી પત્નીને કચડી નાખી
જીપી પાસે પ્રીસ્ક્રિપ્શન લેવાં ગયેલી ૮૪ વર્ષીય પત્ની મેરી પાર્ક્સને તેના ૮૫ વર્ષીય પતિ વિલિયમ પાર્ક્સે ભૂલથી કચડી નાખી હતી. ડોક્ટરના કાર પાર્કિંગમાંથી કાર બહાર કાઢી પાછા જઈ રહેલા વિલિયમે ભૂલથી એક્સીલરેટર પેડલ દાબી દેતા કાર ઝડપથી પાછળ ગઈ હતી અને પત્ની સાથે અથડાઈ હતી. મેરીને ખોપરીમાં ફ્રેક્ચર અને મગજમાં બ્લીડિંગ સહિત જીવલેણ ઈજા થઈ હતી. મેરી સાથે ૬૪ વર્ષનું લગ્નજીવન ધરાવતા વિલિયમે ઈન્ક્વેસ્ટમાં કોરોનર સમક્ષ જણાવ્યું હતું કે શું થઈ રહ્યું છે તેની ખબર જ પડી નહિ.
• બ્રિટિશ સરકારના ૧,૦૦૦ લેપટોપ્સ ખોવાયાં
મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સનો સ્ટાફ રોજનું ઓછામાં ઓછું એક લેપટોપ ખોઈ નાખે છે. તેણે અત્યાર સુધીમાં ૭૫૯ લેપટોપ કે કોમ્પ્યુટર ખોવાની અને ૩૨ની ચોરીનો રિપોર્ટ કર્યો છે. આ ઉપરાંત, વિભાગે ઓક્ટોબર સુધીમાં ૩૨૮, સીડી, ડીવીડી અને યુએસબી ખોવાયાની નોંધ કરી છે. વર્ક અને પેન્શન્સ વિભાગે પણ ઓગસ્ટ સુધીમાં ૪૨ લેપટોપ કે કોમ્પ્યુટર અને આઠ યુએસબી, જ્યારે જુલાઈમાં જ નવરચિત બિઝનેસ, એનર્જી અને ઈન્ડસ્ટ્રિયલ વિભાગે જુલાઈ સુધીમાં છ લેપટોપ ખોવાયાનો રિપોર્ટ કર્યો છે. જનરલ ઈલેક્શન પછી સરકારની ઓછામાં ઓછી ૧,૦૦૦ આઈટમ ચોરાઈ કે ખોવાઈ છે. એન્વિરોનમેન્ટ વિભાગના ૧૨, ટ્રાન્સપોર્ટ વિભાગના સાત અને ટ્રેઝરી વિભાગના આઠ લેપટોપ ખોવાયાં કે ચોરાયાં છે. જોકે, અનેક વિભાગોએ માહિતી આપવાનું નકારતા આંકડો ઘણો ઊંચો હોઈ શકે છે.
• ૨૦ ટકા લોકો પ્રોપર્ટીની સીડી ચડવામાં સફળ
ગત ૨૦ વર્ષમાં પ્રોપર્ટીઝની ઊંચી કિંમતો અને વધતાં દેવાંના કારણે ઘર ખરીદવામાં ૨૫થી ઓછી વયના લોકોની સંખ્યા અડધી થઈ છે. હવે પાંચમાંથી એક વ્યક્તિ અથવા ૨૦ ટકા લોકો પ્રોપર્ટીની સીડી ચડવામાં સફળ થાય છે. ૧૯૯૬માં ઘરની માલિકી ધરાવતા આ વયજૂથના લોકો ૪૬ ટકા હતા. લોકલ ગવર્મેન્ટ એસોસિયેશન માટેના સર્વે અનુસાર ૩૫થી ઓછી વયના ૨૫ ટકા લોકો તેમના પેરન્ટ્સની સાથે રહે છે. હવે પ્રથમ વખત ઘર ખરીદવા માટે ૪૦,૦૦૦ પાઉન્ડની આવક અને ૨૫,૦૦૦ પાઉન્ડની ડિપોઝિટ સામાન્ય ગણાય છે.

