અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં વધારાના ૬૦૦,૦૦૦ ઘર અને બિઝનેસીસને ૪૪૦ મિલિયન પાઉન્ડ ખર્ચીને સુપરફાસ્ટ બ્રોડબેન્ડ સુવિધા આપવામાં આવશે. યુકેની ૧૦ લાખ પ્રોપર્ટી આ સુવિધાથી વંચિત છે. બ્રિટિશ ટેલિકોમ દ્વારા વર્ષોના ભારે વિલંબના પગલે તેની પાસેથી ૨૯૨ મિલિયન પાઉન્ડ પાછા મેળવાયા છે. યુકેના ૯૦ ટકાથી વધુને હવે 24Mbps સુપરફાસ્ટ બ્રોડબેન્ડ મળશે અને ૨૦૨૦ સુધીમાં આ ટકાવારી ૯૭ ટકાની થશે, જે ૨૦૨૦માં ૪૫ ટકાની હતી. સુપરફાસ્ટ બ્રોડબેન્ડ સુવિધાથી પરિવારો એક સાથે અનેક ટેલિવિઝન પર કાર્યક્રમો નિહાળી શકશે તેમજ પેરન્ટ્સ દ્વારા ઓનલાઈન બેન્કિંગ અને શોપિંગ કરવાની સાથે બાળકો હોમવર્ક પણ કરી શકશે.
• સૌથી ભ્રષ્ટાચારી દેશોને બ્રિટિશ સહાયમાં વધારો
વિશ્વના સૌથી ભ્રષ્ટાચારી ૨૦ દેશોને બ્રિટિશ સહાયમાં એક વર્ષમાં ૩૦ ટકાનો વધારો થયો છે. સહાયના નાણા ત્રાસવાદીઓના હાથમાં જઈ શકે તેવી ચેતવણીઓ છતાં તેમને ૧.૩ બિલિયન પાઉન્ડની સહાય અપાઈ છે. યુકેના ૧૨.૨ બિલિયન પાઉન્ડના વિદેશી સહાય ભંડાળમાંથી વર્ષ ૨૦૧૫માં અફઘાનિસ્તાનને સહાય ૫૦ ટકા વધી ૩૦૦ મિલિયન પાઉન્ડ, અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા સોમાલિયાને ૧૨૦ મિલિયન પાઉન્ડથી વધુ, નાઈજિરિયાને ૧૧ ટકા વધારા સાથે ૨૬૩ મિલિયન પાઉન્ડ, પાકિસ્તાનને ૪૦.૬ ટકાના વધારા સાથે ૩૭૪ મિલિયન પાઉન્ડ ઈરાકને સહાય ૪૪.૩ ટકા વધી ૫૫.૪ મિલિયન પાઉન્ડ, સાઉથ સુદાનને ૨૫ ટકા વધી ૨૦૮ મિલિયન પાઉન્ડ, મ્યાંમારને ૫૫.૪ ટકા વધી ૧૧૪ મિલિયન પાઉન્ડ સહાય અપાઈ છે.
• ખાસ સલાહકારો પરનો ખર્ચ નજીવો ઘટ્યો
થેરેસા મે સરકારે સ્પેશિયલ એડવાઈઝર્સની સંખ્યા ૯૫થી ઘટાડી ૮૩ કરી છે અને તેમના પાછળના ખર્ચમાં ૫૦૦,૦૦૦ પાઉન્ડનો ઘટાડો થયો છે. થેરેસાએ કહ્યું હતું કે તેમની ટીમ પાછળ વાર્ષિક ૭.૯ મિલિયન ખર્ચ કરાશે. નંબર ૧૦માં તેમના ૩૨ સ્પેશિયલ એડવાઈઝર્સ છે. કેમરને પણ આટલા સલાહકાર રાખ્યા હતા. પૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નના નવ સલાહકાર હતા, જ્યારે ફિલિપ હેમન્ડના પાંચ સલાહકાર છે.
• યુકેએ કાર એક્સપોર્ટનો વિક્રમ કર્યો
નબળા પાઉન્ડ અને ઈયુમાં વેચાણના સહારે બ્રિટિશ ફેક્ટરીઓ ૧૧ મહિનામાં ૧.૨૫ મિલિયનથી વધુ કારની નિકાસ કરી શકી છે. બ્રિટિશ બનાવટના વાહનોની માગને પહોંચી વળવા ફેક્ટરીઓ દ્વારા વધુ શિફ્ટ્સ અને ઓવરટાઈમ કરાવાયા હતા. યુકે કાર ઈન્ડસ્ટ્રીનું કુલ કાર પ્રોડક્શન ૧૯૯૯ પથી પહેલી વખત ૧૧ મહિનામાં ૯.૬ ટકા વધીને ૧.૬ મિલિયન યુનિટથી વધુ થયું હતુ. નવેમ્બરમાં ૧૭૦,૦૦૦ વાહનોનું ઉત્પાદન થયું હતું, જે ૧૭ વર્ષમાં સૌથી ઊંચું છે. યુકેના અર્થતંત્રમાં ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીની ૭૧.૬ બિલિયન પાઉન્ડથી વધુ ટર્નઓવર સાથે મહત્ત્વની ભૂમિકા છે.

