ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે એક મહિલાની સંમતિ વિના તેની અંગત વિગતોનો ઉપયોગ પોલીસ ટ્રેનિંગ સેશન્સમાં કરવા બદલ ૭૫,૦૦૦ પાઉન્ડ વળતર તરીકે ચુકવ્યાં છે. ડોમેસ્ટિક એબ્યુઝની શિકાર આ મહિલાએ તેની સંવેદનશીલ અને અંગત વિગતો જાહેર થવાથી માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હોવાના કારણોસર કાનૂની કાર્યવાહી કરી હતી. પ્રાઈવસી કેસમાં બ્રિટિશ પોલીસ દ્વારા આ સૌથી વધુ વળતર ચુકવાયું છે. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે આ મહિલાની માફી પણ માગી હતી અને ભવિષ્યમાં આમ ન થાય તે માટે પગલાં પણ લીધાં છે.
• અસાન્જેની પૂછપરછ ઈક્વેડોરની લંડન એમ્બેસીમાં કરાશે
વિકીલીક્સના સ્થાપક જુલિયન અસાન્જેની પૂછપરછ ઈક્વેડોરની લંડન એમ્બેસીમાં કરવા સહમતિ સધાઈ છે. જોકે, તેની તારીખ નિશ્ચિત કરાઈ નથી. સ્વીડિશ તપાસકર્તાઓ બળાત્કારના આક્ષેપ અંગે અસાન્જેની પૂછપરછ કરવા માગે છે. અસાન્જેએ આક્ષેપનો ઈનકાર કર્યો છે. તેણે કહ્યું હતું કે જો તેને પૂછપરછ માટે સ્વીડન લઈ જવાશે તો ત્યાંથી વિકીલીક્સ મુદ્દે યુએસ મોકલી દેવાય તેવો ભય છે. ચાર કરતા વધુ વર્ષથી ઈક્વેડોરની લંડન એમ્બેસીમાં રહેતા અસાન્જેને ઈક્વેડોર સરકારે રાજકીય આશ્રય આપ્યો છે.
• જેલોમાં ગેરકાયદે મોબાઈલ્સનો ઉપયોગ રોકવાની સત્તા
ઈંગલેન્ડ અને વેલ્સની જેલોમાં રહીને પણ અપરાધીઓ ગેરકાયદે મોબાઈલ ફોન્સ દ્વારા હત્યા, ડ્રગ્સ અને શસ્ત્રોની હેરફેર સહિતના ક્રિમિનલ ઓપરેશન્સ ચલાવે છે. આ પ્રવૃત્તિ અટકાવવા મોબાઈલ નેટવર્ક ઓપરેટરોના હેન્ડસેટને બ્લેકલિસ્ટ કરી સિમ કાર્ડ્સ ડિસકનેક્ટ કરાવવવાની નવી સત્તા જેલ સત્તાવાળાને મળી છે. કેદીઓ દ્વારા મોબાઈલનો ઉપયોગ પ્રતિબંધિત હોવાં છતાં તેનો અમલ કરાવી શકાતો નથી. ગત વર્ષે જેલોમાંથી ૧૫,૦૦૦થી વધુ મોબાઈલ ફોન્સ અને સિમ કાર્ડ્સ જપ્ત કરાયા હતા.
• કોર્ટમાં જજ અને આરોપી વચ્ચે બોલાચાલી
જાતિવાદી અસામાજિક વર્તન અંગેના આદેશનો ભંગ કરનારા જ્હોન હેન્નિગને ચેમ્સફર્ડ ક્રાઉન કોર્ટમાં તેને સજા સંભળાવનારા જજ પેટ્રિસિયા લિન્ચ સામે અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. જોકે, જજે તેની જ ભાષામાં બોલી આરોપીની બોલતી બંધ કરી દીધી હતી. હેન્નિગને ૨૦૧૦માં અશ્વેત મહિલા અને તેના બે બાળકો સામે જાતિવાદી ભાષાનો ઉપયોગ કર્યો હતો. કોર્ટે તેને ૧૮ મહિનાની સજા ફરમાવી હતી. તેને અગાઉ પણ ડ્રગ્સ અને શસ્ત્રો રાખવા તેમજ હુમલાઓના આરોપોમાં સજાઓ થઈ હતી. જોકે,કોર્ટમાં આરોપી સામે અભદ્દ ભાષાના ઉપયોગ કરવા બદલ જજ વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે.
• બાળ યૌનશોષણમાં પાદરીને ૧૨ વર્ષની જેલ
કેથોલિક પાદરી અને ચિલ્ડ્રન્સ હોમના ૬૬ વર્ષીય પૂર્વ વર્કર ફિલિપ ટેમ્પલને ૧૯૭૦ના દાયકામાં ૧૩ નાના બાળકો સાથે જાતીય દુર્વ્યવહાર કરવાના ગુનામાં વુલીચ ક્રાઉન કોર્ટે ૧૨ વર્ષની જેલની સજા ફરમાવી છે. ટેમ્પલ સામે ૧૯૯૮ અને ૧૯૯૯માં પણ ટ્રાયલ ચલાવાઈ હતી, પરંતુ જ્યુરી કોઈ ચુકાદો આપી ન શકતા તેને છોડી દેવાયો હતો. જજ ક્રિસ્ટોફર હેરે ભૂતકાળમાં ન્યાય ન થવા બદલ ટેમ્પલનો શિકાર બનેલા એક પીડિતની માફી પણ માગી હતી.

