• ચેકોનું ક્લીઅરિંગ માત્ર ૨૪ કલાકમાં

Monday 27th March 2017 12:33 EDT
 

બ્રિટનમાં ક્લીઅરિંગ સિસ્ટમ સંભાળતી ચેક એન્ડ ક્રેડિટ ક્લીઅરિંગ કંપની (C&CCC)ના જણાવ્યા મુજબ આગામી ઓક્ટોબરના અંતથી ચેકોનું ક્લીઅરિંગ છ વર્કિંગ દિવસને બદલે માત્ર એક જ દિવસમાં થઈ જશે. ચેકની હેરફેર અને પ્રોસેસને બદલે હવે ડિજીટલ ફોટોગ્રાફ આધારિત સિસ્ટમનો ઉપયોગ થશે અને આ કામ માટે ખાતાધારકોને તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો વિકલ્પ અપાશે. ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ રેડફર્ડે જણાવ્યું હતું કે ૨૦૧૮ના અંત સુધીમાં નવી ટેક્નોલોજીના ઉપયોગથી તમામ ચેકનું ક્લીઅરિંગ કરાશે.

• તરૂણીઓમાં સગર્ભાવસ્થાનું પ્રમાણ ઘટ્યું

હવે તરૂણીઓ પોતાનો અભ્યાસ પૂરો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવાથી તેમના સગર્ભાવસ્થાના પ્રમાણમાં વિક્રમજનક ઘટાડો નોંધાયો છે. ઘણી સ્કૂલોમાં સુધારા સાથેના સેક્સ એજ્યુકેશને મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું મનાય છે. જોકે, તેની જોગવાઈમાં ખામીને લીધે કેટલાંક વિસ્તારોમાં સગર્ભાવસ્થાનો દર વધ્યો હોવાનો દાવો કરાયો હતો. અગાઉના વર્ષની સરખામણીએ ૨૦૧૫માં ૧૮ વર્ષથી ઓછી વયની પ્રસુતાઓમાં ૧૦ ટકાનો ઘટાડો થયો હતો. આ દર ૧૫-૧૭ વયજૂથની તરૂણીઓમાં ૧૯૯૦માં પ્રતિ ૧૦૦૦ વિદ્યાર્થિનીએ ૪૦ હતો તે ઘટીને ૨૧ થયો હતો.

• થેમ્સ વોટર કંપનીને £૨૦ મિલિયનનો જંગી દંડ

આઈલ્સબરી ક્રાઉન કોર્ટના જજ ફ્રાન્સીસ શેરીડને થેમ્સ વોટર કંપનીને થેમ્સ નદીમાં ૧.૪ બિલિયન રો સુએજ ઠાલવવા બદલ ૨૦ મિલિયન પાઉન્ડનો વિક્રમી દંડ ફટકાર્યો હતો. ૨૦૧૩ અને ૨૦૧૪માં કંપનીએ પ્રોસેસ કર્યા વિનાનો ખરાબ કચરો ઓક્સફર્ડશાયર અને બકિંગહામશાયર વિસ્તારમાં નદીમાં ઠાલવ્યો હતો તેને લીધે લોકો બીમાર પડી ગયા હતા અને હજારો માછલી મૃત્યુ પામી હતી. જજે કંપનીની વર્તણુંકને અશોભનીય ગણાવતા જણાવ્યું હતું કે કંપની દ્વારા કરાયેલું ઉલ્લંઘન નિવારી શકાય તેમ હતું અને મેનેજરોએ ચેતવણીની અવગણના કરી હતી.

• સ્કૂલોમાં એથનીક સેગ્રીગેશનની સ્થિતિ ચિંતાજનક

ચેલેન્જ ચેરિટી અને ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિટી કોહેસન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ ચારમાંથી એક કરતાં વધુ પ્રાઈમરી સ્કૂલ અને પાંચમાંથી બે સેકન્ડરી સ્કૂલને ‘એથનીકલી સેગ્રીગેટેડ’ની શ્રેણીમાં મૂકવામાં આવી છે. સંબંધિત સ્કૂલમાં વંશીય લઘુમતીનું પ્રમાણ નજીકની દસ સ્કૂલોની સરેરાશથી બમણું અથવા અડધું હોય તો તેને ‘સેગ્રીગેટેડ’ ગણાય છે. અભ્યાસમાં નોર્થ લંડનમાં બાર્નેટ, વેસ્ટ યોર્કશાયરમાં પીટરબરો, બ્લેકબર્ન અને કીર્કલીઝને સ્કૂલ સેગ્રીગેશન હોટસ્પોટ તરીકે તારવાયા છે અને કેટલાંક વિસ્તારોમાં છેલ્લાં પાંચ વર્ષમાં સ્થિતિ કથળી હોવાનું જણાવાયું છે.

• ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના ઈતિહાસના ત્રીજા અશ્વેત બિશપ ડોર્ગુ

૨૦ કરતાં વધુ વર્ષના સમયગાળામાં ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના પ્રથમ અશ્વેત રેવરન્ડ વોયિન કેરોવેઈ ડોર્ગુએ જણાવ્યું હતું કે તેઓ નાઈજીરીયાથી બ્રિટન એક મિશનરી તરીકે આધ્યાત્મિક રીતે પછાત દેશમાં આવ્યા છે. ૫૮ વર્ષીય ડોર્ગુને તાજેતરમાં વુલીચના બિશપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ૧૯૯૬માં બિશપ બનેલા જહોન સેન્ટામુ પછીના પ્રથમ અને ચર્ચના ઈતિહાસના ત્રીજા અશ્વેત બિશપ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter