• જરૂરતમંદ લોકોને મદદ કરવા ક્વીનનો અનુરોધ

Wednesday 16th March 2016 06:33 EDT
 

કોમનવેલ્થના વ઼ડા તરીકે સભ્ય દેશોને વાર્ષિક સંદેશામાં ક્વીને જરૂરતમંદ અને વંચિત રહી ગયેલા લોકોને મદદ કરવા અનુરોધ કર્યો છે. વેસ્ટમિન્સ્ટર એબે ખાતે યોજાયેલી વાર્ષિક કોમનવેલ્થ ડે સર્વિસમાં તેમનો આ પ્રિ-રેકોર્ડેડ સંદેશો રજૂ કરાયો હતો. આ પ્રસંગે ડ્યુક ઓફ એડિનબરા, ડચેસ ઓફ કેમ્બ્રીજ, પ્રિન્સ હેરી તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

બેકારી માટે માઈગ્રન્ટસને દોષ ન દેશો

પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર ટોની બ્લેરે બેકારી માટે માઈગ્રન્ટસને દોષ ન દેવા બ્રિટિશ કામદારોને સલાહ આપી છે. તેમણે કામદારોને આધુનિક જગતમાં કાર્યક્ષમ બનવા સારું શિક્ષણ મેળવવા જણાવ્યું હતું. માઈગ્રેશન મુદ્દે વધુ પડતો રોષ એ પૂર્વગ્રહ અને વેતનને મર્યાદિત રાખવા માટે સરળ પ્રતિભાવ હોવાની ચેતવણી આપી હતી. પોલેન્ડ અને હંગેરીથી આવતા માઈગ્રન્ટસ પર નિયંત્રણો ન લાદવાના નિર્ણય બદલ ભૂતકાળમાં તેમની ખૂબ ટીકા થઈ હતી.

બાળકોને મગફળી ખવડાવવાથી એલર્જી અટકે

બાળકોને સપ્તાહમાં ઓછામાં ઓછું ત્રણ વખત મગફળી ખવડાવાય તો ભાવિ નટ્સ એલર્જી સામે તેને રક્ષણ મળે. આશરે ૫૦માંથી એક બાળક નટ્સ એલર્જીથી પીડાય છે. કિંગ્સ કોલેજ લંડનના સંશોધકો નાની વયે મગફળી ખાવાથી જીવલેણ એલર્જી સામે રક્ષણ મળે કે કેમ તે અંગે ૧૦ વર્ષથી વધુની વયના સેંકડો બાળકોનો અભ્યાસ કરે છે. બાળકને પહેલા જ વર્ષે નિયમિત મગફળી ખવડાવાય તો તે છ વર્ષનું થાય ત્યાં સુધીમાં પ્રતિકાર શક્તિનો પૂરતો સંગ્રહ થાય છે.

યુવાનો ગેપ યર્સ પર સમય વેડફે છે

વિશ્વની સૌથી મોટી એડવર્ટાઈઝીંગ કંપનીઓ પૈકીની એક WPPના ચીફ એક્ઝીક્યુટીવ સર માર્ટિન સોરેલે યુનિવર્સિટીના અભ્યાસ પહેલા ગેપ યર્સ લેવાની યુવાનોની ફેશનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે મુસાફરીમાં વીતાવેલો સમય વ્યર્થ ગણાય છે, કારણ કે ઘણી વખત પ્રવાસનું આયોજન અયોગ્ય હોય છે.

ચિત્તભ્રમના સામનામાં બ્લૂબેરી ગુણકારી

સ્વાસ્થ્યવર્ધક ગુણોને લીધે સુપરફ્રૂટ તરીકે ઓળખાતી બ્લૂબેરી ચિત્તભ્રમના રોગ સામેની લડવામાં મદદરૂપ હોવાનું નવા સંશોધનમાં જણાવાયું છે. હ્રદયરોગ અને કેન્સરનું જોખમ ઘટાડનાર બેરીનું સેવન અલ્ઝાઈમર સામે અક્સીર નીવડી શકે. સંશોધકો મુજબ આ ફળમાં વિપુલ માત્રામાં એન્ટિઓક્સિડન્ટસ હોવાથી તે સામાન્ય ચિત્તભ્રમની વધતી જતી ગંભીર અસરને અટકાવી શકે છે. આ અભ્યાસ જેમની યાદશક્તિ થોડી જતી રહી હોય અને અલ્ઝાઈમર થવાનું જોખમ હોય તેવા ૬૮ અને તેથી વધુ વર્ષની વયના ૪૭ લોકો પર કરાયો હતો.

અતિ સુરક્ષિત જેલો પર મુસ્લિમ ગુનેગારોનું નિયંત્રણ

બ્રિટિશ જેલોમાં ઉદ્દામવાદી મુસ્લિમ ગુનેગારો અન્ય કેદીઓ પર દાદાગીરી કરીને ઈસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની આશંકા વચ્ચે બ્રિટનની અતિ સુરક્ષિત જેલ પર ફરજ બજાવતા ગાર્ડસે જેલ પરનો અંકુશ ગુમાવ્યાની ચેતવણી સીનિયર બેરિસ્ટર રૂપર્ટ પેર્ડોએ ઉચ્ચારી છે. મુસ્લિમ કેદીઓ દ્વારા સર્જાયેલા ભયજનક વાતાવરણને લીધે કેદીઓને અતિ સુરક્ષિત બેલ્માર્શ જેલમાં મોકલી દેવાવાનો ભય વ્યાપી ગયો છે. કોઈ ધાકધમકી ન આપી શકે તે માટે થેમ્સમીડ જેલમાં કેદીઓને લોકડાઉનમાં રખાયા છે.

બેનિફિટ્સ કૌભાંડમાં દંપતી જેલમાં

૧.૬ મિલિયન પાઉન્ડના બેનિફિટ્સમેળવવામાટે બાંગલાદેશી લોકોને ઈટાલીથી બ્રિટન મોકલનાર દંપતીને જેલભેગું કરી દેવાયું છે. ચૌધરી મુયીદ અને અસ્મા ખાનમે કામદારો બેનિફિટ્સનો દાવો કરી શકે તે માટે બોગસ કંપનીઓ બનાવી હતી. ઈલ્ફર્ડ, ઈસેક્સના મુયીદને બનાવટી ફાઈલો રજૂ કરવાના કાવતરા બદલ સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટે ગુનેગાર ઠેરવ્યો હતો. તેની પત્ની તેમજ હબીબુર રહેમાનને દસ્તાવેજો પૂરા પાડવા બદલ દોષિત ઠરાવાયાં હતાં. તેમને આવતા મહિને સજા સંભળાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter