દેશના સૌથી સીનિયર જજીસમાં સ્થાન ધરાવતા જસ્ટિસ મોસ્ટીનને એક કેસમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જસ્ટિસ મોસ્ટીને બે નિર્ણયો એવા લીદા હતા કે તેને કોર્ટ ઓફ અપીલમાં સફળ પડકાર અપાયો હતો. તેમના ચુકાદાઓથી કરદાતાના નાણાની મોટી રકમો ખોટી રીતે ખર્ચાઈ હતી. સિવિલ જસ્ટિસના વડા લોર્ડ ડાયસને કહ્યું હતું કે આ કેસનો ઈતિહાસ કમનસીબ રહ્યો છે.
• ભારતીય રેસ્ટોરાંમાં ગેરકાયદે વર્કરો પકડાયા
બર્મિંગહામમાં પોલીસ અને ઈમિગ્રેશન સત્તાવાળા દ્વારા ભારતીય રેસ્ટોરાં ટીપુ સુલતાન પર દરોડા પછી ત્યાં ગેરકાયદે કામ કરતા હોવાની શંકાથી એક ભારતીય અને ચાર પાકિસ્તાની વર્કરની ધરપકડ થઈ હતી. સ્ટાફને બ્રિટનમાં રહેવા અને કામ કરવાના કાયદેસર અધિકારો વિશે પૂછપરછ કરાઈ હતી. પાંચ ગેરકાયદે વ્યક્તિને કામ અપાયાના ગુનામાં રેસ્ટોરાંને £૮૦,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે. ભારતીયને દેશનિકાલ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી.
• એજિનકોર્ટ યુદ્ધની ૬૦૦મી જયંતીએ £૫નો સિક્કો
ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે એજિનકોર્ટ યુદ્ધની ૬૦૦મી જયંતીએ રોયલ મિન્ટ દ્વારા પાંચ પાઉન્ડની કિંમતના સિક્કા બહાર પાડવામાં આવ્યા છે. ફ્રાન્સના એજિનકોર્ટ ખાતે ૧૪૧૫માં થયેલું આ યુદ્ધ ‘૧૦૦ વર્ષના યુદ્ધ’ તરીકે પ્રખ્યાત છે, જેમાં કિંગ હેન્રી પાંચમાની બ્રિટિશ સેનાએ જ્વલંત વિજય હાંસલ કર્યો હતો.
• એન્જાઈના એટેક પછી પાર્કિંગ ટિકિટનો એટેક
બર્મિંગહામમાં એન્જાઈના એટેક આવ્યા પછી ડબલ યલો લાઈન્સ પર રોકાયેલા ડેવ હેન્ડ્સને પાર્કિંગ ટિકિટનો એટેક સહન કરવો પડ્યો હતો. ચાર હાર્ટ એટેક સહન કરી ચુકેલા ડેવ હેન્ડ્સે કહ્યું હતું કે તેઓ ડોક્ટરના આદેશનું પાલન કરી મદદ મેળવવા કાર છોડીને ગયા હતા. તેઓ એક કલાક પછી પાછા ફર્યા ત્યારે તેમની નજરે £૩૫ની પેનલ્ટી નોટિસ પડી હતી. સમયસર પેનલ્ટી નહિ ભરાતા દંડ વધારી £૭૦ કરી દેવાયો હતો.
• પૂર્વ બિશપ બાળ યૌનશોષણખોર હતા
ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના સન્માનીય પાદરીઓમાં સ્થાન ધરાવતા અને ચિચેસ્ટરના પૂર્વ બિશપ જ્યોર્જ બેલ બાળકોનું યૌનશોષણ કરતા હતા તેવો ઘટસ્ફોટ ચર્ચ દ્વારા કરાયો છે. તેમના ૧૯૫૮માં મૃત્યુના લગભગ છ દાયકા પછી ચર્ચે જણાવ્યું હોવાનું કહેવાય છે કે ૧૯૪૦-૫૦ના દાયકામાં તેમણે એક બાળકનું શોષણ કર્યુ હતું. તેમનો શિકાર બનેલો અનામી બાળક અત્યારે ૭૦થી વધુ વયનો છે, જેની માફી માગવા ઉપરાંત ચર્ચ દ્વારા વળતર પણ અપાયું છે.
• વંશીય અપમાન બદલ મહિલાની ધરપકડ
નોર્થ વેસ્ટ લંડનની બસમાં બે મુસ્લિમ મહિલાનું વંશીય અપમાન કરવા બદલ એક ૩૬ વર્ષીય મહિલાની ધરપકડ કરી કસ્ટડીમાં લેવાઈ હતી. મંગળવાર, ૧૩ ઓક્ટોબરની આ ઘટનામાં અપમાનગ્રસ્ત એક મહિલા ઉમા લીનાએ કહ્યું હતું કે તે મારી સામે ચીસો પાડીને શું બોલતી હતી તે મને ખબર પડતી ન હતી. તે સગર્ભા હોવા છતાં ઊભી રહી હતી અને કોઈ તેની મદદે ન આવ્યું તેથી લીનાને દુઃખ થયું હતું. આ ઘટનામાં વધુ તપાસ ચાલી રહી છે.
• યહુદીવિરોધી સંદેશા બદલ શિક્ષિક પ્રતિબંધિત
સાઉથ લંડનના શિક્ષક મહમુદુલ ચૌધરીને યહુદીવિરોધી સંદેશા બદલ ઈંગ્લેન્ડની તમામ શાળાઓમાં અચોક્કસ મુદત માટે પ્રતિબંધિત કરવામાં આવેલ છે. તેણે ફેસબુક પર હિટલરનું ચિત્ર મૂકી તે સાચો હોવાનું જણાવ્યું હતું. યહુદી વિદ્યાર્થીએ આ ચિત્ર અને સંદેશાની ફરિયાદ કરી હતી. ફેબ્રુઆરી ૨૦૧૫માં ચૌધરીએ જાતિવાદી ઉશ્કેરણીના અપશબ્દોના દુરુપયોગની કબૂલાત કરતા તેને દોષિત ઠરાવી દંડ પણ કરાયો હતો. તેને નેશનલ કોલેજ ફોર ટીચિંગ એન્ડ લીડરશિપમાં પણ પ્રતિબંધિત કરાયો છે.
• ફીમેલ જેનિટલ મ્યુટિલેશનનું રિપોર્ટિંગ ફરજિયાત
સરકારે ૩૧ ઓક્ટોબરથી ફીમેલ જેનિટલ મ્યુટિલેશન (FGM)ના રિપોર્ટિંગને ફરજિયાત બનાવ્યું છે. આ સાથે પ્રોફેશનલ્સને તેમની નવી ફરજમાં મદદ માટે માર્ગદર્શિકા પણ પ્રસિદ્ધ કરી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હેલ્થ અને સોશિયલ કેર પ્રોફેશનલ્સ અને શિક્ષકોએ કોઈ પણ રીતે તેમની જાણમાં આવેલા ૧૮થી નાની વયની બાળાઓના કેસીસ ફરજિયાત પોલીસને જણાવવાના રહેશે.

