બ્રિટિશ ઈન્ટેલિજન્સ એજન્સીના જાસૂસોને નવા કાયદા હેઠળ સ્માર્ટફોન્સ અને કોમ્પ્યુટર્સ હેક કરવાની સત્તા પ્રાપ્ત થશે. જોકે, આના કારણે પ્રજાના પ્રાઈવસીના અધિકારોના મુદ્દે અભિયાન ચલાવતી સંસ્થાઓ સાથે સંઘર્ષ વધી જશે. MI5, MI6 અને GCHQને આગામી મહિને આવનારા નવા ઈન્વેસ્ટિગેટરી પાવર્સ બિલમાં વ્યાપક ઈલેકટ્રોનિક સર્વેલન્સ ક્ષમતા ધરાવતી સત્તા મળવાની છે. આ સત્તાથી ઈન્ટેલિજન્સ એજન્સીઓનો આત્મવિશ્વાસ ઘણો વધી જશે.
• કામ કરનારા લોકો કરતા પેન્શનરો પાસે વધુ રોકડ
સૌપ્રથમ વખત એવું બન્યું છે કે કામ કરતા લોકોની સરખામણીએ પેન્શનરો ઊંચી આવકનો આનંદ માણતા હોય. ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝ થિન્ક ટેન્કના અભ્યાસ અનુસાર ગત ત્રણ દાયકામાં વૃદ્ધ લોકોની સંપત્તિમાં આશ્ચર્યજનક વળાંક આવ્યો છે અને યુવાન પેઢીની સરખામણીએ દર સપ્તાહે તેમની પરિસ્થિતિ વધુ સારી બનતી જાય છે. સરેરાશ જોઈએ તો પેન્શનરો પાસે હાઉસિંગ કોસ્ટ્સ બાદ કર્યા પછી દર સપ્તાહે £૩૯૪ રોકડ રકમ રહે છે, જ્યારે કામ કરતી વસ્તીના લોકો પાસે સપ્તાહમાં £૩૮૫ રહે છે.
• હિંસક કેદીઓને ધ્યાનના પાઠ
ઈંગલેન્ડ અને વેલ્સની આઠ ટોપ સિક્યુરિટી જેલોમાં રખાયેલા ૬૦ જેટલા હિંસક કેદીઓને ધ્યાનના પાઠ શીખવાડાય છે. આ જોખમી કેદીઓનું મન શાંત બનાવવા ધ્યાનથી તાણ ઘટાડવાનું કામ થાય છે. ધ્યાનની ૨૪૦૦ વર્ષ જૂની બૌદ્ધ પરંપરાના ઉપયોગથી હિંસક કેદીઓના વર્તનમાં સુધારો થશે અને અન્ય કેદીઓ સાથે વધુ સારી રીતે હળીમળી શકશે તેવી આશા સેવાય છે. ધ્યાન ધરવાથી લોકો પોતાની લાગણીઓ પર કાબુ રાખી શકે છે તેમ જ સંબંધો સુધારી શકે અને એકાગ્રતામાં પણ વધારો થાય છે.
• મુસ્લિમ દંપતીને બાળકો સોંપવા આદેશ
ચાર નાના બાળકો સાથે ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાવા સીરિયા જવાનો પ્રયાસ કરનારા મુસ્લિમ દંપતી પાસેથી બાળકો છીનવી ન લેવાનો આદેશ ફેમિલી કોર્ટના જજ સર જેમ્સ મુન્બીએ આપ્યો છે. સર જેમ્સે જણાવ્યું હતું કે આસિફ મલિક અને સારા કરીમ તેમના ત્રણ નાના બાળકોના કલ્યાણ માટે જોખમરૂપ નથી. આ દંપતીની ગયા વર્ષે એપ્રિલમાં તુર્કી ખાતે ધરપકડ કરાઈ હતી અને બાળકોને કોર્ટની નિગરાણીમાં રખાયા હતા. તેમના પાસપોર્ટ પણ કરી દેવા ચુકાદામાં જણાવાયું છે.
• ચીની પ્રમુખનું મેન્ડેરિન ભાષામાં સ્વાગત
ચીનના પ્રમુખ જિન પિંગ અને તેમના પત્ની પેન્ગ લિયુઆનનું બ્રિટનમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. યુકેની સત્તાવાર મુલાકાતે આવેલા પ્રમુખ દંપતી સાથે એટલો મૈત્રીપૂર્ણ વ્યવહાર કરાયો હતો કે હોર્સ ગાર્ડ્સ પરેડ વેળાએ ઉચ્ચારોમાં મુશ્કેલી પડતી હોવાં છતાં ઓનર ગાર્ડ દ્વારા તેમની સાથે મેન્ડેરિન ભાષામાં વાત કરવામાં આવી હતી. ક્વીન અને ડ્યુક ઓફ એડિનબરાએ પ્રમુખ દંપતી માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.
• ટર્મ હોલીડેનો દંડ ત્રણ ગણો વધ્યો
શાળાની ટર્મ દરમિયાન બાળકોને વેકેશન ગાળવા લઈ જનારા પેરન્ટ્સને થતાં દંડની રકમ બે વર્ષમાં ત્રણ ગણી થઈ ગઈ છે. ગત શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ દરમિયાન બાળકોને પ્રવાસમાં લઈ જવા બદલ ઓછામાં ઓછી ૫૦,૪૧૪ પેનલ્ટી નોટિસો અપાઈ હતી, જેની તેની અગાઉના વર્ષની સરખામણીએ ૨૫ ટકા વધુ હતી. વર્ષ ૨૦૧૨-૧૩માં આ પેનલ્ટી નોટિસની સંખ્યા ૧૮,૪૮૪ હતી, જ્યારે વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૭૩ ટકાના વધારા સાથે ૪૦,૨૧૮ પેનલ્ટી નોટિસો અપાઈ હતી.