• જિના મિલરે નવી કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી

Saturday 04th March 2017 07:17 EST
 

થેરેસા સરકાર આખરી બ્રેક્ઝિટ સમજૂતી પર ‘અર્થપૂર્ણ મતદાન’ની ખાતરી ન આપે તો નવી કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આર્ટિકલ-૫૦ના કેસ માટે જવાબદાર બિઝનેસવુમન જિના મિલરે આપી છે. લોર્ડસ હાઉસમાં બ્રેક્ઝિટ બિલનો પ્રથમ પરાજય થયા પછી આ ચેતવણી આવી છે. હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા કરાયેલા સુધારા નિષ્ળ જાય અથવા હાઉસ ઓફ કોમન્સ દ્વારા તેનો પરાજય કરાય તેવા સંજોગોમાં નવા કાનૂની પડકારનો સામનો કરવો પડશે. મિલરે કહ્યું હતું કે સરકારે એક વખત કાયદાની અવગણના કરવાનો પ્રયાસ કર્યો છે. બીજી વખતની ભૂલ ભારે પડશે.

• લેબર પાર્ટીએ ૨૬,૦૦૦ સભ્ય ગુમાવ્યા

લેબર પાર્ટીની કુલ સભ્ય સંખ્યા જુલાઈ ૨૦૧૬માં ૫૫૪,૦૦૦ હતી, જે ઘટીને ૫૨૮,૧૮૦ થઈ છે. આમ, પાર્ટીએ ૨૬,૦૦૦ જેટલા સભ્યો ગુમાવ્યા છે. લીક થયેલા ડેટા અનુસાર લેબર પાર્ટીએ ૨૦૧૫ની સામાન્ય ચૂંટણી પછી પક્ષમાં જોડાયેલા સભ્યોમાંથી મોટા પાયે સભ્યો ગુમાવ્યા છે અને ૭,૦૦૦ સભ્યોએ તો કોર્બીને બ્રેક્ઝિટ બિલને સમર્થન કરવાનો આદેશ સાંસદોને આપ્યો તે પછી પાર્ટી છોડી છે. ટાઈમ્સ દ્વારા જાહેર આંકડા અનુસાર સભ્યોના રાજીનામાની સંખ્યા ગત છ વર્ષની કુલ સંખ્યા કરતા વધુ છે. મધ્ય ડિસેમ્બર પછી તો ૧૫,૪૬૫ સભ્યોએ પક્ષ છોડ્યો હતો.

• બ્રેક્ઝિટ બિલ મુદ્દે પીછેહઠનો ઈનકાર

થેરેસા સરકારે સ્પષ્ટ કર્યું છે કે આર્ટિકલ-૫૦ આરંભવાના બિલમાં કોઈ ફેરફાર નહિ થાય. બીજી તરફ, બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે ઈયુ નાગરિકોના હેલ્થકેર અને પેન્શન સહિતના અધિકારોના મુદ્દે સમજૂતીની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોર્ડ્સમાં પરાજય છતાં ઈયુ નાગરિકોના ભાવિ દરજ્જા મુદ્દે સરકાર ઝૂકવાનો ઈરાદો ધરાવતી નથી. બિલને પસાર કરાવવા વડા પ્રધાન થેરેસા મે છૂટછાટ જાહેર કરે તેવી ધારણા નથી. બિલ કોઈ સુધારા વિના જ પસાર થવું જોઈએ તેમ વડા પ્રધાને કહ્યું જ છે.

• ૯૧૦,૦૦૦ વર્કર્સના ઝીરો-અવર કોન્ટ્રાક્ટ

યુકેમાં ઝીરો-અવર કોન્ટ્રાક્ટ ધરાવતાં વર્કર્સની સંખ્યા વિક્રમી ૯૧૦,૦૦૦ થઈ છે. જોકે, નિષ્ણાતો માને છે કે ઈયુ છોડવાના યુકેના નિર્ણય પછી આ સંખ્યામાં વધારાની શક્યતા જણાતી નથી. વર્ષ ૨૦૧૬ના આખરી ત્રણ મહિનામાં ઝીરો-અવર કોન્ટ્રાક્ટ ધરાવતાં વર્કર્સની સંખ્યામાં વર્ષ ૨૦૧૫ના આ જ સમયગાળાની સરખામણીએ ૧૦૦,૦૦૦થી વધુ અથવા ૧૩ ટકાનો વધારો જોવાયો હતો. ઝીરો-અવર કોન્ટ્રાક્ટમાં લોકોને કામકાજના લઘુતમ કલાકોની કોઈ ખાતરી અપાતી નથી. રીટેઈલર્સ, રેસ્ટોરાં, લેઈઝર કંપનીઓ અને હોટેલ્સ દ્વારા આવા કોન્ટ્રાક્ટ કરાય છે. બ્રિટનના સૌથી મોટા યુનિયન યુનાઈટ દ્વારા ઝીરો-અવર કોન્ટ્રાક્ટ પર પ્રતિબંધ લગાવવા માગણી કરાઈ છે.

• ગ્રાહકોએ બચાવેલી પબ સર્વશ્રેષ્ઠ

નોર્થ યોર્કશાયરના ગામડાની નાની પબ ધ જ્યોર્જ એન્ડ ડ્રેગોનને યુકેમાં સર્વશ્રેષ્ઠ હોવાનું બહુમાન અપાયું છે. રસપ્રદ વાત એ છે કે હડ્સવેલની આ પબ ૨૦૦૮ની મંદીમાં તેના માલિકોએ દેવાળું કાઢતા બંધ કરી દેવાઈ હતી પરંતુ, પબના નિયમિત ગ્રાહકોએ ૨૨૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરી તેની ખરીદી અને નવસજાવટ કરવા કો-ઓપરેટિવ મંડળી બનાવી હતી અને ૨૦૧૦માં તેને ખુલ્લી મૂકી હતી. ધ કેમ્પેઈન ફોર રીઅલ એલ (Camra) દ્વારા આ પબને નેશનલ પબ ઓફ ધ યરનું સન્માન આપ્યું હતું. પબના ૨૦૫ શેરહોલ્ડર્સમાં પૂર્વ સ્થાનિક સાંસદ, ટોરી કેબિનેટ મિનિસ્ટર અને હવે આજીવન લોર્ડ વિલિયમ હેગ પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter