યુકેમાં ૨૦ લાખથી વધુ લોકોને જુગારના વ્યસની તરીકે જોવાઈ રહ્યાં છે. યુકેમાં જુગાર ઈન્ડસ્ટ્રી પર નિયંત્રણ રાખનારા અને લાઈસન્સ આપનારી સંસ્થા ગેમ્બલિંગ કમિશને એકત્ર કરેલા ડેટા મુજબ ૬૩ ટકા પુખ્ત બ્રિટિશ લોકો ગત વર્ષમાં જુગાર રમ્યાં હતાં. જુગારીઓનો ૧.૪ ટકા હિસ્સો એટલે કે ૪૦૦,૦૦૦ લોકોને સમસ્યારુપ જુગારી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. આ લોકો યુકેની કુલ વસ્તીના ૦.૮ ટકા થાય છે. કમિશન અનુસાર યુકેમાં ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમાણ વધી રહ્યું છે.
• રક્ષક પોલીસ જ ભક્ષક બન્યા
બર્મિંગહામના પોલીસ કોન્સ્ટેબલ વાહિદ ઉસમાન અને તહસિબ માજિદને ડ્રગ્સની ચોરી અને તેને પછી વેચી નાખવાના ગુનામાં કોર્ટે દોષિત ઠરાવ્યા છે. આ બે પોલીસ અધિકારી સહિત સાત સભ્યની ગેન્ગે ડ્રગ્સ કુરિયરને અટકાવી તેની ડ્રગ્સ ચોરવા અને બજારમાં વેચી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. આ તમામ આરોપીને ઓક્ટોબરમાં સજા ફરમાવાશે તેમ વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું છે.
• પાવર નેટવર્ક માટે સમસ્યારુપ વૂડપેકર
વૂડપેકર પક્ષી દેશની પાવર નેટવર્ક માટે સમસ્યારુપ બની રહ્યું છે. ગુજરાતીમાં લક્કડખોદ તરીકે ઓળખાતું વૂડપેકર પક્ષી ટેલિગ્રાફના થાંભલાઓ કોચી ખાય છે. ઈંગ્લેન્ડના પુર્વ અને દક્ષિણપૂર્વ વિસ્તારોમાં ઈલેક્ટ્રિસિટીનું વિતરણ કરતા યુકે પાવર નેટવર્ક્સના જણાવ્યા અનુસાર આ પક્ષીઓએ ગયા વર્ષે કેન્ટ અને ઈસ્ટ એંગ્લિઆ વિસ્તારોમાં લાકડાના ૬,૦૦૦ ખાંભલાને નુકસાન પહોંચાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત ૨૦ વર્ષમાં મોટા ટપકાં ધરાવતા વૂડપેકર પક્ષીની વસ્તીમાં ૧૩૬ ટકાનો અને લીલા રંગના વૂડપેકર્સમાં ૩૧ ટકાનો વધારો થયો છે.
• પાઈપ બોમ્બના કાવતરાંખોરને ૧૮ વર્ષની જેલ
વિમાનમાં પાઈપ બોમ્બનું સ્મગલિંગ કરવાના પ્રયાસ કરનારા ૪૩ વર્ષીય નદીમ મુહમ્મદને માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટની જ્યુરીએ દોષિત ઠરાવ્યા પછી કોર્ટે તેને ૧૮ વર્ષ જેલની સજા ફરમાવી હતી. માન્ચેસ્ટર એરપોર્ટથી ઈટાલીના બેરગામો જતી ફ્લાઈટમાં નદીમે ૩૦ જાન્યુઆરીએ ક્રુડ વિસ્ફોટક સાધન લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ સાધનમાં બેટરી, ખીલીઓનો સમાવેશ થતો હતો. એરપોર્ટ સ્ટાફ અને પોલીસને ખાસ વાંધાજનક ન જણાતા તેને જવા દેવાયો હતો પરંતુ, તેની એક સપ્તાહ પછી ધરપકડ થઈ હતી. ગ્રેટર માન્ચેસ્ટરના રહેવાસી નદીમે તેના સામાનમાં કોઈ આ સાધન મૂકી ગયાની દલીલો કરી હતી.

