સ્વીડિશ બળાત્કારના મુદ્દે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજની પૂછપરછ ઈક્વેડોરના લંડન દૂતાવાસમાં સ્વીડિશ ચીફ પ્રોસીક્યુટર ઈન્ગ્રીડ ઈસ્ગ્રેન અને પોલીસ ઈન્વેસ્ટિગેટરની હાજરીમાં ૧૭ ઓકટોબરે કરવામાં આવશે. આ સાથે અસાંજેએ લંડનમાં ઈક્વેડોર એમ્બેસીમાં શરણ લીધા પછી ચાર વર્ષની મડાગાંઠનો અંત આવ્યો છે. ઈક્વેડોરના પ્રોસીક્યુટર આ પૂછપરછના તારણોનો રિપોર્ટ સ્વીડિશ સરકારને સુપરત કરશે. અસાંજ સામે ૨૦૧૦માં બળાત્કારના આક્ષેપ છે. સ્વીડન આ તપાસ પડતી મૂકે તો પણ બ્રિટનમાં જામીન શરતોનો ભંગ કરવા બદલ અસાંજની ધરપકડ થઈ શકે છે.
• ઈબોલા નર્સ પૌલિન ગેરવર્તનના મુદ્દે નિર્દોષ
એડિનબરાની નર્સિંગ એન્ડ મિડવાઈફરી કાઉન્સિલે ઈબોલા વાયરસનો ચેપ લાગ્યા પછી યુકે આવી જનારી નર્સ પૌલિન કેફર્કીને પ્રોફેશનલ અપ્રામાણિકતા અને ગેરવર્તનના મુદ્દે નિર્દોષ ઠરાવી છે. વેસ્ટ આફ્રિકાના સીએકા લિઓનમાં વોલન્ટરી કાર્ય કરતી વેળાએ પૌલિનને ૨૦૧૪માં આ જીવલેણ રોગનો ચેપ લાગ્યો હતો. તેણે હીથ્રો એરપોર્ટ પર ઊંચુ શારીરિક તાપમાન હોવાં છતાં ખોટુ તાપમાન નોંધાવ્યું હોવાનું આક્ષેપ તેના પર હતો. ઈબોલાના ચેપના કારણે તેની માનસિક ક્ષમતા પર અસર થઈ હોવાનું નિષ્ણાત તારણ પેનલે સ્વીકાર્યું હતું. પૌલિન બે વખત મોતની નજીક પહોંચી ગઈ હતી.
• ઓછાં વેતન અંગે કેર વર્ક્સનો કાનૂની દાવો
કોન્ટ્રાક્ટર સેવાકેર દ્વારા નોર્થ લંડનના હેરિંગે બરોમાં ૧૭ કેરસ્ટાફને પ્રતિ કલાક ૬.૭૦ પાઉન્ડ રાષ્ટ્રીય લઘુતમ વેતનના અડધાથી પણ ઓછું પ્રતિ કલાક ૩.૨૭ પાઉન્ડ વેતન ચુકવાયું હોવાના દાવા સાથે સૌથી મોટો કાનૂની ક્લેઈમ એમ્પ્લો઼યમેન્ટ ટ્રિબ્યુનલમાં કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓ પાસે ૨૪ કલાક કામ લેવાય છે તેવો આક્ષેપ પણ કરાયો છે. સેવાકેર દ્વારા અપાયેલી છ વર્ષની પેસ્લિપ પણ દાવામાં રજૂ કરાઈ છે. આક્ષેપો નકારનારી સેવાકેર ઈંગ્લેન્ડની વિવિધ સ્થાનિક ઓથોરિટીઓ સાથે દર સપ્તાહે ૯,૬૦૦ લોકોને સંભાળ અને આધાર પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. જોકે, હાલ હેરિંગે બરો સાથે તેનો કરાર નથી.

