મુસ્લિમ ઉગ્રવાદીઓ જેલમાં જ કેદીઓને ઉદ્દામવાદના પાઠ શીખવાડી હુમલાઓ માટે તેમની ભરતી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ પ્રિઝન્સ વોચડોગ દ્વારા કરાયો છે. જેલોમાં મુસ્લિમ ગેંગ્સનું પ્રભુત્વ વધી રહ્યું હોવા અંગે પ્રિઝન ગવર્નર્સ અને અધિકારીઓ ચિંતિત છે. ચીફ ઈન્સ્પેક્ટર ઓફ પ્રિઝન્સ નિક હાર્ડવિકે કહ્યું હતું કે ઉદ્દામવાદ કરતા વધુ મોટી સમસ્યા મુસ્લિમ ગેંગ્સના વધતા પ્રભુત્વની છે. જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવ જેલોમાં ઉદ્દામવાદ, ગેંગ્સ અને ગુનાકોરીની સમસ્યા હલ કરવા માગતા હોવાથી સ્કોટલેન્ડ યાર્ડના પૂર્વ કાઉન્ટર-ટેરરિઝમ વડા પીટર ક્લાર્કને હાર્ડવિકના સ્થાને નિયુક્ત કરાયા છે.
• દાયકામાં ૫૦૦ કેદી ભૂલથી જેલમુક્ત
ગત દાયકામાં સપ્તાહમાં સરેરાશ એક કેદીને બૂલથી જેલમાથી મુક્ત કરી દેવાયાના આંકડા માહિતી અધિકાર હેઠળ જાહેર કરાયા છે. ૧૦ વર્ષમાં ૫૦૫ કેદીઓને ભૂલમાં જ આઝાદ કરી દેવાયા હતા. માત્ર ૨૦૧૪-૧૫માં જ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સજા કરાયેલા અથવા શંકાસ્પદ ૪૮ ગુનેગારને ભૂલના લીધે જેલમાંથી આઝાદી મળી હતી. આ રીતે ૨૦૦૯-૧૦માં સૌથી વધુ ૬૮ કેદી મુક્ત થયા હતા અને ઓક્સફર્ડશાયરની બુલિંગ્ડન જેલ તો આ માટે કુખ્યાત ગણાય છે, જ્યાં ૨૦૧૩-૧૫ના ગાળામાં ૧૦ કેદીને આઝાદ કરાયા હતા.
• વજન ઘટાડવા છતાં વહેલાં મોતનું જોખમ
અગાઉ મેદસ્વી છતાં અત્યારે નોર્મલ વજન ધરાવતા લોકોને આગામી આઠ વર્ષમાં વહેલા મોતનું ૬૦ ટકાથી વધુ જોખમ રહે છે. નવા અભ્યાસ મુજબ ૫૦થી વધુ વય ધરાવતા લોકોનું હાલ નોર્મલ વજન હોય પરંતુ ભૂતકાળમાં સ્થૂળ હોય તેમનામાં રોગો તદ્દન નાબૂદ થઈ જતાં નથી. ડાયાબીટીસ અને હૃદયરોગના કારણે સ્થૂળ લોકોએ વજન ઘટાડવાની ફરજ પડે છે. આ રીતે વજન ઘટવાનો લાભ અવશ્ય મળે છે છતાં જોખમ રહે છે. પાછળથી વજન ઘટાડવાના બદલે પહેલાથી જ વજન વધે નહિ તેની તકેદારી રાખવી જોઈએ તેમ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વાનિયામાં સોશિયોલોજીના પ્રોફેસર સેમ્યુઅલ પ્રેસ્ટને અભ્યાસમાં ચેતવણી આપી છે.
• ચોરોએ પોસ્ટ ઓફિસ ઉડાવી
ATM ના ચોરોએ ચોથી જાન્યુઆરીએ બ્રિસ્ટલ નજીક ગ્રામીણ પોસ્ટ ઓફિસ ઉડાવી દીધી હતી. લોન્ગ એસ્ટન ખાતે વહેલી સવારે ૩.૩૦ કલાકે કેશ મશીનમાંથી નાણા બહાર કાઢવા કરાયેલા વિસ્ફોટથી દુકાનનો આગલો ભાગ પણ નાશ પામ્યો હતો. આ બિઝનેસના માલિક રજાઓ ગાળવા બહાર ગયેલા હતા. એક વર્ષમાં આ વિસ્તારમાં આ પ્રકારનો ૧૪મો હુમલો છે. મશીનમાંથી નાણા ચોરી જવાયા હતા. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ શકમંદ વ્યક્તિની ધરપકડ કરી હતી.
• ચેનલ ટનલ વટાવનારા માઈગ્રન્ટને રાજ્યાશ્રય
કેલેથી ચેનલ ટનલ ચાલતા વટાવી બ્રિટનમાં પહોંચી જનારા માઈગ્રન્ટ અબ્દુલ રહેમાન હારુનને રાજ્યાશ્રય આપી બ્રિટનમાં રહેવાની પરવાનગી આપી દેવાઈ છે. આફ્રિકન માઈગ્રન્ટ હારુન ભારે ઝડપથી ચાલતી ટ્રેનોથી બચીને ચેનલ ટનલ વટાવી બીજા છેડે પહોંચ્યો ત્યારે ગત ચોથી ઓગસ્ટે તેની ધરપકડ કરી લેવાઈ હતી. મૂળ સુદાનના હારુને કેલેથી ફોકસ્ટોન સુધી ૩૧ માઈલનું અંતર ચાલીને ૧૧ કલાકમાં વટાવ્યું હતું. રેલવેને અવરોધ સર્જવાના ગુનામાં તેને બે વર્ષની સજા થઈ શકે તેમ હતી. જોકે, હારુનને ૨૪ ડિસેમ્બરે નિર્વાસિતનો દરજ્જો અપાયો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતી. ધરપકડ પછી જેલમાં જ રખાયેલા હારુનને મુક્ત કરી દેવાયો હતો. તેના કેસની વધુ સુનાવણી ૧૮ જાન્યુઆરીએ થશે.
• પૂર્વ મુસ્લિમ હેડ ટીચર પર પ્રતિબંધ
બર્મિંગહામના કહેવાતા ટ્રોજન હોર્સ કૌભાંડમાં ગેરવર્તનનો આક્ષેપ ધરાવતા કટ્ટરવાદી પૂર્વ હેડ ટીચર જહાંગીર અકબરને શિક્ષણ આપવા સામે અચોક્કસ મુદત સુધી પ્રતિબંધિત કરાયા છે. જોકે, કન્ડક્ટ પેનલના ચુકાદા મુજબ જહાંગીર અકબર પાંચ વર્ષ પછી પ્રતિબંધ હટાવવા અરજી કરી શકે છે. સ્મોલ હીથમાં ઓલ્ડનો એકેડેમીના પૂર્વ કાર્યકારી વડા સામે શાળામાં ક્રિસમસની ઉજવણી નાબૂદ કરવા અને અન્ય ધાર્મિક માન્યતાઓ અંગે અસહિષ્ણુતા દાખવવાના પ્રયાસનો આક્ષેપ હતો. હાર્ડલાઈન મુસ્લિમ એજન્ડાને આગળ વધારવા ઈચ્છતા જૂથો દ્વારા બર્મિંગહામની કેટલીક સ્કૂલોમાં પ્રભુત્વ જમાવાયું હોવાનું મનાય છે.
• પાંચમાંથી એક વ્યક્તિને ડાયાબીટીસ
બ્રિટનમાં મધ્ય વયના લોકો માટે ડાયાબીટીસનો ટાઈમબોમ્બ ટીક-ટીક કરતો હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. NHSના આંકડા કહે છે કે પાંચ નિવૃત લોકોમાંથી એક વ્યક્તિ ડાયાબીટીસથી પીડાય છે. ચેરિટીઝ પણ જણાવે છે કે લાઈફસ્ટાઈલમાં ધરખમ પરિવર્તન લાવવા તાકીદે કાર્યવાહી નહિ કરાય તો નેશનલ હેલ્થ સર્વિસ આવી હાલત ધરાવનારાના બોજ હેઠળ કચડાતી રહેશે. NHSના આંકડા મુજબ ચાર મિલિયન લોકો ડાયાબીટીસથી પીડાય છે અને અસંખ્ય લોકો તેમને ડાયાબીટીસ હોવાનું જાણતાં પણ નથી.
• ડાયાબીટીસથી NHSને ૧૦ બિલિયનનો વાર્ષિક ખર્ચ
યુકેમાં ગત દાયકામાં ડાયાબીટીસના કેસીસમાં ૬૬ ટકાથી વધુ ઊછાળો જોવા મળ્યો છે. દર ૧૨માંથી એક પુખ્ત બ્રિટિશર ડાયાબીટીસથી પીડાય છે. બ્રિટનમાં ૪૦ લાખ લોકોને ડાયાબીટીસ હોવાના કારણે NHSને વાર્ષિક ૧૦ બિલિયન પાઉન્ડના ખર્ચનો બોજો સહન કરવો પડે છે. ગયા વર્ષે ૧૨૦,૦૦૦ લોકોને ડાયાબીટીસનું નિદાન કરવામાં આવ્યું હતું. ડાયાબીટીસના ૯૦ ટકા કેસ ટાઈપ-ટુના હોય છે, જે મુખ્યત્વે સ્થૂળતા અને લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલા હોય છે અને અટકાવી શકાય છે. ડાયાબીટીસના કારણે દર વર્ષે આશરે ૨૪,૦૦૦ લોકો અકાળે મોતને ભેટે છે.
• ટોરી સાંસદનું ચર્ચ સામે આક્રમક વલણ
મોનમાઉથના કન્ઝર્વેટિવ સાંસદ ડેવિડ ડેવિસે માઈગ્રન્ટ્સના મુદ્દે આર્ચબિશપ ઓફ કેન્ટરબરીની નવા વર્ષની હાકલ સંબંધે આક્રમક વલણ દર્શાવ્યું છે. તેમણે પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે,‘મુશ્કેલ નિર્ણયો જાતે લેવાના ન હોય ત્યારે સામૂહિક માઈગ્રેશન વિશે ચિંતા કરનારા દુષ્ટ રાજકારણીઓ અને ચોક્કસ અભિપ્રાયો ધરાવનારા વખોડવાનું કામ કેટલું સરસ અને પવિત્ર લાગતું હશે....’ ઉલ્લેખનીય છે કે આર્ચબિશપ ઓફ કેન્ટરબરીએ નવા વર્ષે લોકોને શરણાર્થીઓ પ્રત્યે વધુ આતિથ્યપૂર્ણ બનવાની હાકલ કરી હતી.

