• જેહાદીઓ સાથે જોડાવાના પ્રયાસોની સજા

Wednesday 10th January 2018 05:53 EST
 

સીરિયામાં જેહાદીઓ સાથે જોડાવા સીરિયન દેખાવા માટે વધુ રેશમી બનાવવાનો પ્રયાસ કરનારા ૨૭ વર્ષીય મુસ્લિમ કન્વર્ટ ઈઝામેલ વોટસનને ઓલ્ડ બેઈલી કોર્ટે પાંચ વર્ષની જેલની સજા ફરમાવી હતી. તેના પ્રયાસોથી ચિંતિત તેની સગર્ભા પત્નીએ સત્તાવાળાને સચેત કર્યા હતા. ઈઝામેલ તુર્કી ગયો હતો અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવેન્ટ સંગઠન માટે હત્યા કરવાની તૈયારી પણ દર્શાવી હતી. તેણે સીરિયા જવા સરહદ ઓળંગવાનો પ્રયાસ કરતા તેને અટકાવી બ્રિટન પાછો મોકલી દેવાયો હતો.

કોકફાઈટિંગને ઉત્તેજન આપતી ગેંગ્સ

પ્રવાસીઓ અને બ્રિટિશ પાકિસ્તાનીઓ ‘કૂકડાયુદ્ધ’ને પ્રોત્સાહન આપી રહ્યા હોવાની ચેતવણી RSPCA દ્વારા અપાઈ છે. ઈસ્ટ લંડનના ઈલ્ફર્ડમાં કોકપિટ ચલાવવાના ગુનામાં પાંચ બ્રિટિશ પાકિસ્તાનીની ગેંગને દોષિત ઠરાવાઈ છે. ગેંગના સૂત્રધાર મોહમ્મદ અસાબને પ્રાણીઓ વિરુદ્ધ ક્રૂરતાના ગુનામાં ૨૨ સપ્તાહની સસ્પેન્ડેડ સજા ફરમાવાઈ હતી. એક ટીનેજર સહિત અન્ય ચારને ૨૦૦ કલાકની કોમ્યુનિટી કામગીરીની સજા અને અને ખર્ચ તરીકે ૧૫૦૦ પાઉન્ડનો દંડ ફરમાવાયો હતો. ‘કૂકડાયુદ્ધ’ની લોહિયાળ રમત પર આશરે ૨૦૦ વર્ષથી પ્રતિબંધ છે.

ક્રિસમસ જાતીય કામનાને ઉત્તેજનનો સમય

ક્રિસમસનો તહેવાર કદાચ માનવજાત માટે જાતીય કામનાને ઉત્તેજિત કરનારા અનેક પ્રસંગોમાં એક હોય તેમ મનાય છે. દર વર્ષે આ રજાઓની સીઝન પછીનાં નવ કે તેથી વધુ મહિના પછી લેબર વોર્ડ્સમાં કામગીરી વધી જતી હોવાનું નોંધાયું છે. સંશોધકોએ ૧૨૯ દેશમાં કરેલા સર્વેના પરિણામો જણાવે છે કે મોટા ભાગના ધાર્મિક તહેવારોના ગાળામાં સેક્સ અને પોર્નોગ્રાફીમાં રસ વધી જતો હોય છે.

નવા મકાનો લીઝહોલ્ડ ધોરણે નહિ વેચાય 

બાંધકામ ઉદ્યોગમાં સામંતશાહી રીતરસમોનો અંત લાવવાના પ્રયાસરુપે લીઝહોલ્ડ ધોરણે નવા ઘર-મકાન પર વેચવા સામે બિલ્ડર્સ પર પ્રતિબંધ લગાવાયો છે અને તળિયાના નવા ભાડાં પણ નિર્ધારિત કરવામાં આવશે. નવા બંધાયેલા ઘરને લીઝહોલ્ડ પર આપવાનું પ્રમાણ ૧૯૯૬થી ૨૦૧૫ના ગાળામાં ૨૨ ટકાથી વધી ૪૩ ટકાએ પહોંચ્યું હતું. સમગ્ર ઈંગલેન્ડમાં ૨૦૧૪-૧૫માં લીઝહોલ્ડ પરના ઘરની સંખ્યા ૧.૨ મિલિયન હતી તે વધીને ૧.૪ મિલિયન થઈ છે.

£.૬ બિલિયનના બેનિફિટ્સ પર કોઈ દાવા નહિ 

આશરે ૩૦૦,૦૦૦ બેરોજગાર અને તદ્દન ઓછું વેતન મેળવનારા લોકો દર સપ્તાહે ઓછામાં ઓછાં ૭૩ પાઉન્ડની નાણાકીય સહાય ગુમાવે છે તેમ ધ રેઝોલ્યુશન ફાઉન્ડેશનનો અભ્યાસ જણાવે છે. ફાઉન્ડેશનની થિન્ક ટેંકે જણાવ્યું હતું કે ભૂલી જવાયેલા બેરોજગાર જૂથો બેનિફિટ્સ ક્લેઈમ કરતાં નથી. આ લોકોમાં ૫૫-૬૪ વયજૂથનાં વૃદ્ધો અને ખાસ કરીને મહિલાઓ તેમજ યુવાન પુરુષોનો સમાવેશ થાય છે. કેટલાક લોકો થોડાં જ કલાક કામ કરે છે પરંતુ, બેકાર હોવાનું ભથ્થું મેળવી શકે તેમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter