વોલ્વો કંપની માત્ર પેટ્રોલ અથવા ડીઝલથી ચાલતા વાહનોનું ઉત્પાદન બંધ કરનારી પ્રથમ કંપની બની હતી. યુકેમાં ગયા વર્ષે ૪૭,૦૦૦ કારનું વેચાણ કરનાર વોલ્વોએ જણાવ્યું હતું કે બેટરીથી ચાલતી કારનો યુગ આવી ગયો છે અને બે વર્ષમાં તેના નવા તમામ મોડલો ઈલેક્ટ્રીક અથવા હાઈબ્રીડ હશે. મોટર ઈન્ડસ્ટ્રીના આંકડા મુજબ યુકેમાં છેલ્લા ૧૨ મહિનામાં ૨૭૫ ટકાના વધારા સાથે નવી ૫૯,૦૦૦ ગ્રીન કારનું વેચાણ થયું હતું. પેટ્રોલ કારના વેચાણમાં ૫.૨ ટકાનો વધારો જ્યારે ડીઝલ કારના વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
• કોર્બીને ત્રણ સાંસદોનો શેડો કેબિનેટમાં સમાવેશ કર્યો
જેરેમી કોર્બીને લેબર પાર્ટીના નવા ચૂંટાયેલા ત્રણ સાંસદનો તેમની શેડો કેબિનેટમાં સમાવેશ કર્યો હતો. ૨૫ દિવસ અગાઉ ચૂંટાયેલા આ ત્રણ સાંસદોમાં પોલ સ્વેનીને શેડો સ્કોટલેન્ડ ઓફિસ, અફઝલ ખાનને હોમ એફેર્સ અને એનેલીસ ડોડ્સને ટ્રેઝરી ટીમમાં સ્થાન અપાયું હતું. કોર્બીને જણાવ્યું હતું કે તેમની નવી શેડો કેબિનેટ એ બાબતનો પૂરાવો છે કે લેબર પાર્ટી ફક્ત વિપક્ષ નથી, પરંતુ, હવે પછીની સરકાર છે.
• મગજની કાર્યદક્ષતા માટે વિસ્મૃતિ પણ સારી છે
હવેથી તમે તમારી ચાવીઓ આડીઅવળી જગ્યાએ મૂકી દો અથવા વેડિંગ એનિવર્સરી ભૂલી જાવ તો તેના માટે તમારી વૃદ્ધાવસ્થાને દોષ દેશો નહીં. તેનો દોષ કોષોની ક્ષણભંગુરતા માટે મગજની વિક્સિત વ્યવસ્થાને આપજો. યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના બ્લેક રિચાર્ડસે જણાવ્યું હતું કે ભૂતકાળના અનુભવોની વિગતો ભૂલી જવી તે બુદ્ધિશાળી હોવાની મહત્ત્વની બાબત છે. મગજની કાર્યદક્ષતા માટે જેમ સમૃતિ સારી છે તેટલી જ વિસ્મૃતિ પણ સારી છે.
• આઠ લાખથી વધુ બાળકોને માનસિક સ્વાસ્થ્યની સમસ્યા
દેશમાં ૫થી ૧૭ની વયના આઠ લાખથી વધુ બાળકો માનસિક સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય છે. ચીલ્ડ્રન્સ કમિશનર ફોર ઈંગ્લેન્ડના અભ્યાસ મુજબ લગભગ બે લાખ બાળકો કોઈક રીતે દુર્વ્યવહાર કરે છે. એક મિલિયન બાળકો વિકલાંગ છે અને ૧.૪ મિલિયન લાંબા સમયથી બીમાર, વિકલાંગ અથવા અશક્ત છે. લગભગ ૫,૮૦,૦૦૦ બાળકોને સરકાર સહાય પૂરી પાડે છે અથવા તો તેમનું ભરણપોષણ કરે છે.
• ૮૦ ટકા ગ્રેજ્યુએટ્સ સ્ટુડન્ટ લોન ભરપાઈ નહીં કરી શકે
નવી ટ્યુશન ફી સિસ્ટમ હેઠળ ૧૦માંથી ૮ એટલે કે ૮૦ ટકા ગ્રેજ્યુએટ તેમની સ્ટુડન્ટ લોન ક્યારેય સંપૂર્ણપણે ભરપાઈ કરી નહીં શકે. અગાઉની ફી સિસ્ટમમાં આ ટકાવારી ૪૧.૫ હતી. ગ્રેજ્યુએટ થયા પછી સરેરાશ વિદ્યાર્થીએ વ્યાજ સાથે લોન પેટે ૫૦,૮૦૦ પાઉન્ડની રકમ ચૂકવવાની થાય છે. ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝ (IFS)એ ચેતવણી આપી છે કે આ સિસ્ટમમાં ઘણી સમસ્યાઓ છે. તેના સંશોધનમાં જણાયું હતું કે ઘણાં વિદ્યાર્થીઓ ૫૦ની ઉંમરે પહોંચ્યા હશે ત્યારે પણ સ્ટુડન્ટ લોન ભરતા હશે.

