નેશનલ સ્ટેટિસ્ટિક્સની માહિતી મુજબ દેશમાં ૧૩.૭ મિલિયન એટલે કે કુલ પરિવારો પૈકી અડધાથી વધુ પરિવારે જેટલી રકમનો ટેક્સ ચૂકવ્યો હોય તેનાથી વધુના બેનિફિટ્સ સરકાર તરફથી મેળવે છે. ૧૦માંથી ૮ નિવૃત્ત પરિવાર જેટલો ટેક્સ ચૂકવ્યો હતો તેનાથી વધુ રકમના બેનિફિટ્સ મેળવે છે. તેમાં વેલ્ફેર પેમેન્ટ્સ, સ્ટેટ પેન્શન, NHS અને શિક્ષણનો સમાવેશ થાય છે. ૨૦ વર્ષ અગાઉ સરકારી લાભો પર આધારિત લોકોની ટકાવારી ૪૪ હતી તે ૨૦૧૦માં વધીને ૫૩.૫ ટકા થઈ હતી. જોકે, ત્યાર પછી તે ઘટીને ૫૦.૫ ટકા થઈ છે.
• શરીર સૌષ્ઠવ વધારતી ટેબ્લેટની શોધ
વૈજ્ઞાનિકોએ એવી ટેબ્લેટ વિક્સાવી છે જે જીમમાં એક્સરસાઈઝ કરવાથી શરીર સૌષ્ઠવ વધારવા જેટલી જ લાભદાયક થાય છે. આ દવા ટૂંક સમયમાં માર્કેટમાં આવી જશે. શરીરમાં પ્રોટિન માયોસ્ટેટિન બનતું અટકાવવાથી સ્નાયુની ચરબી વધે છે. તેનાથી સ્થૂળતા પણ ઘટે છે. સાથે સાથે હૃદય અને કિડનીની સ્વસ્થતા પણ વધે છે. આ સંશોધન ઉંદર પર કરવામાં આવ્યું હતું. જોકે, માનવ પર પણ તે અસરકારક પૂરવાર થશે તેવું સંશોધકો માની રહ્યા છે.
• વિધવાને પતિનો કેસ લડવામાં કાનૂની સહાયનો ઈનકાર
ઘરઆંગણે હત્યા કરાયેલા ૪૧ વર્ષીય લેક્ચરર જેરોન એન્સિંકની ૩૭ વર્ષીય વિધવા નાદજા એન્સિંક- ટૈકને તેનો કેસ લડવામાં કાનૂની સહાયનો ઈનકાર કરાયો હતો. ગત ડિસેમ્બર, ૨૦૧૫માં બનાવના દિવસે એન્સિંક તેમના ઘરે પુત્રીજન્મના પોસ્ટ કાર્ડ પોસ્ટ કરવા ઘરની બહાર નીકળ્યા ત્યારે જ ૨૩ વર્ષીય ફેમી નન્દપે છૂરાથી હુમલો કર્યો હતો. થોડા દિવસ પહેલા નન્દપને નાઈફ અને હુમલાના આરોપમાંથી મુક્ત કરાયો હતો. તેની સામે અપીલ કરવા નાદજાએ વકીલની ફી ચૂકવવા ક્રાઉડ ફંડિંગ પેજ શરૂ કર્યું હતું.
• પાઉન્ડ તૂટતા લશ્કરી સરંજામની ખરીદીને ભારે ફટકો
પાઉન્ડના દરમાં બોલાયેલા કડાકાને લીધે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ (MoD)ના બજેટમાં ગાબડું પડતા લશ્કરને આગામી દસ વર્ષમાં ૧૭૮ બિલિયન પાઉન્ડના ખર્ચે નવા ફાઈટર જેટ, યુદ્ધજહાજ અને અન્ય લશ્કરી સાધનો આપવાની યોજના જોખમાઈ છે. હવે તેની ખરીદી થઈ શકશે નહીં તેવી ચેતવણી પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સાંસદોએ આપી હતી. પાઉન્ડમાં સુધારો નહિ થાય તો MoDને ૫ બિલિયન પાઉન્ડની ઘટ પડશે. ખાસ કરીને F-35B સ્ટીલ્થ ફાઈટર્સ અને વિમાનવિરોધી P-8 પોસૈડન સબમરિનની ખરીદીને ફટકો પડશે.

