વેમ્બલીમાં રહેતા ટોરી બેકબેન્ચર બોબ બ્લેકમેન દ્વારા ખોટી રીતે કરાયેલા માઈલેજ ખર્ચાના ક્લેઈમ્સમાં £૧,૦૦૦થી વધુ પરત ચુકવવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ઈન્ડીપેન્ડન્ટ પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીની તપાસમાં જણાયું હતું કે હેરો ઈસ્ટના સાંસદે ૭૦૦થી વધુ અચોક્કસ દાવા રજૂ કર્યા હતા. તેમણે પ્રવાસના ખોટાં માઈલેજ દર્શાવ્યા હોવાનું Ipsaના હંગામી તારણો જણાવે છે. તેમને આ અંગે ૨૦૧૧થી ચેતવણી અપાય છે. જોકે, બ્લેકમેને આ તારણો સ્વીકાર્યા નથી.
• ઈમિગ્રેશન કૌભાંડ બદલ સોલિસિટરને જેલઃ
ઝામ્બ્રાનો પ્રકારની ૧૯૪ બનાવટી વિઝા એપ્લિકેશન્સ રજૂ કરવા બદલ સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે સાઉથ વૂડફોર્ડના સોલિસિટર ઓસ્માન સાદિકને છ વર્ષની જેલની સજા ફરમાવી છે.
સાદિક બ્રિટિશ સ્પોન્સરની જાણ વિના જ તેના સ્પોન્સર લેટરમાં અન્ય અરજદારોને પણ સામેલ કરતો હતો અને અરજદાર દીઠ ૮૦૦થી ૨૭૦૦ પાઉન્ડ સુધીની રકમ વસુલતો હતો. તેણે હોમ ઓફિસની નિયત ૫૫ પાઉન્ડની ફીના બદલે અરજદારો પાસેથી ૬૫૫ પાઉન્ડ વસૂલ્યા હતા. હોમ ઓફિસના ઈન્વેસ્ટિગેટર્સે જૂન ૨૦૧૪માં સાદિકની ધરપકડ કરી હતી.
• યુકેમાં ૨૦૧૪માં યહુદીવિરોધ ચરમસીમા પર
લંડનઃ કોમ્યુનિટી સિક્યુરિટી ટ્રસ્ટના રિપોર્ટ અનુસાર ૨૦૧૪માં યુકેમાં યહુદીવિરોધ વિક્રમી સ્તર પર પહોંચ્યો હતો. બ્રિટનની જ્યુઈશ કોમ્યુનિટીને સુરક્ષા પૂરી પાડતાં અને એન્ટિસેમેટિઝમ પર નજર રાખતાં ટ્રસ્ટનો રિપોર્ટ કહે છે કે ૨૦૧૪માં યહુદીવિરોધની ઘટનાઓ બમણાથી પણ વધી ૧,૧૬૮ના આંકડે પહોંચી હતી.
• વેપારી સામે ઝેરી ઢીંગલીઓ વેચવાનો પ્રતિબંધઃ
ઝેરી DEHP રસાયણ સાથેની ઢીંગલીઓનો સંગ્રહ કરનારા ઈલ્ફોર્ડના વેપારી રશિદ સૂલેમાન સામે તેવી ઢીંગલીઓ વેચવા પ્રતિબંધ લગાવાયો છે. તેને આ ગુના બદલ £૧,૫૦૦નો દંડ પણ કરાયો હતો. ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ અધિકારીઓને તેના સ્ટોલમાંથી ઝેરી રસાયણ ધરાવતી ૨૧ ઢંગલી મળી આવી હતી. ગયા વર્ષે એક અખબારના રિપોર્ટરે આવી ઢીંગલી ખરીદી ત્યારે રશિદે તેને તેમાં ઝેર હોવાનું જાણતો નહિ હોવાનું જણાવ્યું હતું.
• રોધરહામ કાઉન્સિલે બાળયૌનશોષણને નજરઅંદાજ કર્યું
રોધરહામ બાળયૌનશોષણ કૌભાંડમાં સ્થાનિક લેબર કાઉન્સિલે એશિયન ગેન્ગ્સ દ્વારા ૧૬ વર્ષ સુધી બાળ શોષણને નજરઅંદાજ કર્યું હોવાનું સનસનાટીપૂર્ણ રિપોર્ટમાં કહેવાયું છે. રાજકીય કારણોસર અને સતત ઈનકારના પરિણામે ૧,૪૦૦થી વધુ અસલામત બાળાઓ એશિયન પાકિસ્તાની પુરુષોની ગેંગ્સનો શિકાર બનતી ગઈ હતી. પૂર્વ વિક્ટિમ્સ કમિશનર લૂઈ કેસીના રિપોર્ટમાં કાઉન્સિલની નિષ્ફળતાઓઓ ઉઘાડી પાડવા ઉપરાંત, કૌભાંડને છાવરવાના અને વ્હીસલ બ્લોઅર્સને ચૂપ કરી દેવાયાના આક્ષેપોમાં કરવામાં આવ્યાં છે.
• ગેરી ગ્લિટર સામે જાતીય શોષણના વધુ આરોપો લાગી શકે છે
પૂર્વ ગ્લામ રોક સ્ટાર ગેરી ગ્લિટર ઉર્ફ પોલ ગેડનું મૃત્યુ જેલમાં જ થાય તેવાં સંજોગો ઉભાં થયાં છે. છેક ૧૯૭૦ના દાયકામાં બાળ યૌનશોષણના ગુનાઓમાં દોષી ઠરાવાયેલા ૭૦ વર્ષીય પોલ ગેડને વધુ ત્રણ યુવાન છોકરીના જાતીય શોષણના આરોપોનો સામનો કરવો પડશે તેમ પોલીસે જણાવ્યું છે. સધર્ક ક્રાઉન કોર્ટ તેને ૨૭ ફેબ્રુઆરીએ સજા જાહેર કરશે અને તેને મહત્તમ આજીવન કારાવાસની સજા થવાની સંભાવના છે. તેને અગાઉ ૨૦૦૬માં બાળકો સાથે દુર્વ્યવહાર બદલ વિયેતનામમાં પણ સજા કરાઈ હતી.
• ૨૫ પુરુષો સામે બાળકો પર બળાત્કાર સહિતના આરોપ
૧૬ વર્ષથી નાના બાળકોને જાતીય શોષણ માટે લલચાવવા, જાતીય પ્રવૃત્તિ, બળાત્કાર અને યુકેમાં તેમની હેરફેર સહિતના આરોપો માટે ૨૫ પુરુષો ૧૨ ફેબ્રુઆરીએ હેલિફેક્સ, વેસ્ટ યોર્કશાયરના મેજિસ્ટ્રેટ્સની કોર્ટમાં હાજર થશે. ૨૩થી ૪૨ વર્ષની વયના આ પુરુષોમાં મોટા ભાગનાએ પાંચથી વધુ વર્ષ સુધી એક જ બાળક પર દુરાચાર કર્યો હતો.
• માર્ગ અકસ્માતોમાં વધેલા મોત માટે કારના ઉપકરણો જવાબદાર
બ્રિટનના માર્ગો પર ગત ૧૨ મહિનામાં અકસ્માતોમાં વધેલા મોત અને ગંભીર ઈજાની ઘટનામાં ચાર ટકાનો વધારો થયો છે. હેન્ડ્સ-ફ્રી ફોન્સ તથા કારમાં જીપીએસ સાધનો અને ડિજિટલ મ્યુઝિક સિસ્ટમના વળગણના પરિણામે અકસ્માતોની સંખ્યા વધી છે. મોત અને ગંભીર ઈજાનો આંકડો ૨૫,૦૦૦ની નજીક પહોંચી ગયો છે. ટેકનોલોજિકલ ખલેલના લીધે વાહનચાલકોનું ધ્યાન એકાગ્ર રહેતું નથી.
• બ્રેન્ટના કાઉન્સિલર જોખમી ડ્રાઈવિંગ માટે દોષિત
બ્રેન્ટના સ્ટોનબ્રિજ કાઉન્સિલર ઝફર વાન કાવાલા જોખમી અને વાસ્તવિક શારીરિક ઈજા પહોંચાડે તેવા ડ્રાઈવિંગ માટે દોષિત જણાયા છે. બ્રેન્ટના સ્ત્રી કાઉન્સિલર પર હુમલા સંદર્ભે ૩૪ વર્ષના કાવાલાને હેરો ક્રાઉન કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને તેમને ૨૭ ફેબ્રુઆરીએ સજા જાહેર કરાશે. ગયા વર્ષે જૂનમાં બન્ને વચ્ચે બોલાચાલી પછી કાવાલાએ કાર હંકારી હતી અને સ્ત્રી કાઉન્સિલર તેના બોનેટ પર આવી ગઈ હતી. આ પછી પણ કાવાલાએ કાર હંકારે રાખી હતી.
• ફેસબુક પર સગીર વિદ્યાર્થિનીને સેક્સ માટે લલચાવી
કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરીના સમર્થક મનસૂર મિયાએ સોશિયલ સાઈટ ફેસબુક પર શાળાની સગીર વિદ્યાર્થિનીને લલચાવ્યાની કબૂલાત કરી છે. કિલ્બર્નના મનસૂરે ૨૦૧૩ના નવેમ્બરમાં ૧૫ વર્ષીય બાળાને સેક્સ માટે કેન્ટની હોટેલમાં આવવા જણાવ્યું હતું. શાળાએ વિદ્યાર્થિની અને મનસૂર વચ્ચે ઓનલાઈન સંપર્કનો રિપોર્ટ બાળાની માતાને પહોંચાડ્યો હતો. પોલીસે મનસૂરને જામીન આપ્યા છે અને ૨૬ ફેબ્રુઆરીએ તેને સજા કરવામાં આવશે.
• £૫૦ મિલિયનના મનીલોન્ડરિંગની ઘટનામાં ધરપકડ
આશરે £૫૦ મિલિયનના મનીલોન્ડરિંગની શંકામાં કિંગ્સબરીની એક સહિત ૧૧ વ્યક્તિની ધરપકડ કરાયા પછી ૩૦ જૂન સુધી જામીન અપાયા હતા. રેવન્યુ અને કસ્ટ્મ્સ વિભાગના માનવા અનુસાર લાખો પાઉન્ડના આલ્કોહોલ અને વેટ કૌભાંડમાં £૫૦ મિલિયનના મનીલોન્ડરિંગનો સમાવેશ થાય છે. લંડન, બર્કશાયર, સરે, ઈસ્ટ સસેક્સ અને બકિંગહામશાયરમાં ૧૧ નિવાસી અને આઠ બિઝનેસ સ્થળોએ પડાયેલાં દરોડાઓમાં કોમ્પ્યુટર્સ, £૪૦૦,૦૦૦ની રોકડ તેમ જ દસ્તાવેજો જપ્ત કરાયા હતા.