મુસ્લિમ લેબર સાંસદ ટુલિપ સિદ્દીકે યુકેમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવેશ પર પ્રતિબંધની સંસદીય ચર્ચામાં તેની પ્રતિષ્ઠા ધૂળમાં મેળવી દેવાની પ્રતિજ્ઞા લીધી હતી. યુએસમાં પ્રમુખપદના રિપબ્લિકન ઉમેદવાર અને બિલિયોનેર ટ્રમ્પે યુએસમાં મુસ્લિમોનો પ્રવેશ પ્રતિબંધિત કરવાની જાહેર હિમાયત કરી હતી. જેના પગલે ઓનલાઈન પિટિશનમાં ૫૭૦,૦૦૦ સહીઓ થતાં કોમન્સ ગૃહમાં સાંસદોએ ૧૮ જાન્યુઆરી, સોમવારે ચર્ચા આરંભી છે. મોટા ભાગના સાંસદોએ ટ્રમ્પની ટીપ્પણીઓ વખોડી છે છતાં પ્રતિબંધની તરફેણ કરી ન હતી. વડા પ્રધાન કેમરને ટ્રમ્પના ઉચ્ચારણોને ‘વિભાજક, મૂર્ખતાપૂર્ણ અને નકામા’ ગણાવ્યા હતા પરંતુ યુકેમાં ટ્રમ્પના પ્રવેશ પર પ્રતિબંધની માગણી ફગાવી દીધી છે.
• ફેસબુક પરના મિત્રો પર ભરોસો રાખી ન શકાય
ફેસબુક પરના મિત્રોને પરિચિતોનું ગામ કહી શકાય કારણ કે સેંકડો મિત્રો હોવાં છતાં કટોકટીમાં ભરોસો રાખી શકાય તેવા મિત્રો ઘણા ઓછાં હોય છે. મોટા ભાગના લોકોના ચાર જ ગાઢ મિત્ર હોય છે. ફેસબુક કે સોશિયલ મીડિયામાં સેંકડો મિત્રો લોકપ્રિયતા વધારવાનો માર્ગ ગણાય છે. જોકે, ઓક્સફર્ડ યુનિવર્સિટીના નવા અભ્યાસ મુજબ ત્રણ ટકાથી પણ ઓછાં મિત્રો પર ભરોસો રાખી શકાય તેમ હોય છે. ગાઢ બંધન તો પરંપરાગત આમનેસામને સંપર્કથી જ જાળવી શકાય છે.
• ક્રિશ્ટિના એસ્ટ્રાડાને અપાતી માસિક રકમ પૂરતી હોવાનો દાવો
પૂર્વ પિરેલી કેલેન્ડર ગર્લ અને પૂર્વ પત્ની ક્રિશ્ટિના એસ્ટ્રાડાને અપાતી માસિક ૭૦,૦૦૦ પાઉન્ડની રકમ પૂરતી હોવાનો દાવો સાઉદી બિલિયોનેર ડો. વાલિદ જુફાલીએ હાઈ કોર્ટ સમક્ષ કર્યો છે. તેઓ પુત્રીના ખર્ચ પણ ભોગવે છે. ચાર બિલિયન પાઉન્ડના આસામી ડો. જુફાલીએ ક્રિશ્ટિનાની જાણ વિના જ સાઉદી અરેબિયામાં ડાઈવોર્સ મેળવેલા છે. હવે એસ્ટ્રાડાએ પૂર્વ પતિની સંપત્તિમાં મોટો હિસ્સો મેળવવા હાઈ કોર્ટમાં કાર્યવાહી કરી છે. બીજી તરફ, જુફાલીએ અરજી ફગાવવા પોતાની રાજદ્વારી ઈમ્યુનિટીની રજૂઆત કરી છે.
• બાળકોને સેક્સ એબ્યુઝની માહિતી આપો
શેડો હોમ મિનિસ્ટર સારાહ ચેમ્પિયને બાળકોને ચાર વર્ષની વયથી જાતીય શોષણના જોખમો વિશે માહિતગાર કરવા હાકલ કરી છે. પ્રાઈમરી સ્કૂલના પહેલા વર્ષથી જાતીય શોષણ સામે પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકાય તે પણ બાળકોને શીખવવું જોઈએ તેમ તેમણે કહ્યું હતું. સારાહે પોતાના મતક્ષેત્ર રોધરહામમાં સેક્સ એબ્યુઝ સામે અભિયાન ચલાવ્યું હતું. તેઓ નેશનલ સોસાયટી ફોર ધ પ્રીવેન્શન ઓફ ક્રુઆલિટી ટુ ચિલ્ડ્રન દ્વારા તૈયાર કરાયેલા નિયમો લાગુ કરવા સરકાર પર દબાણ કરી રહ્યાં છે.
• નવા સ્ટેટ પેન્શનથી યુવા વર્ગને નુકસાન
નવા ફ્લેટ રેટ સરકારી પેન્શનના પરિણામે ૪૩ વર્ષથી ઓછી વયના ઓછામાં ઓછાં ૧૬ મિલિયન વર્કર્સે ભારે નુકસાન સહન કરવું પડશે. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા સૌપ્રથમ જાહેર આંકડામાં સ્ટેટ પેન્શન્સમાં સુધારાના પરિણામે યુવા વર્ગને કેટલું નુકસાન જશે તે સ્પષ્ટ કરાયું છે. ૫૦થી ૬૯ વયજૂથના લોકોને સૌથી વધુ ફાયદો થશે તેમ પણ આ આંકડા જણાવે છે.
• હેરોઈન સ્મગલિંગના ગુનામાં સજા
આઈઝલવર્થ ક્રાઉન કોર્ટમાં ટ્રાયલના પગલે ખાલિદ મહમૂદને ૬૩૨,૭૦૦ પાઉન્ડના હેરોઈનના સ્મગલિંગના ગુનામાં પાંચ વર્ષ અને ત્રણ મહિનાની સજા કરવામાં આવી છે. બર્મિંગહામના ખાલિદ પાસેથી ૫.૫ કિલોગ્રામનો હેરોઈનનો જથ્થો ગયા વર્ષે ૨૪ નવેમ્બરે હીથ્રો એરપોર્ટ પરથી જપ્ત કરાયો હતો. તે લાહોરથી આવી રહ્યો હતો.
• પાંચ મિલિયન પેન્શનર્સ એનર્જી બિલથી પરેશાન
યુકેમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પાંચ મિલિયનથી વધુ પેન્શનર્સ એનર્જી કંપનીઓના ભારે બિલથી પરેશાન છે. એનર્જી કંપનીઓ પ્રોફિટથી ગરમાગરમ છે ત્યારે બિલ પોસાતા નહિ હોવાથી વૃદ્ધ પેન્શનરોએ ઠંડીમાં ઠુંઠવાવું પડે છે. ૬૫થી વધુ વયના અડધોઅડધ લોકોએ હીટિંગ વ્યવસ્થાનો ઉપયોગ ઘટાડી દેવો પડ્યો છે. આની સીધી અસર તેમના આરોગ્ય પર પણ પડી શકે છે.
• લગ્નકેદમાં ફસાયેલી મુસ્લિમ સ્ત્રીઓ
યુકેમાં બહુસાંસ્કૃતિકવાદના કારણે શરીઆ કાઉન્સિલ્સને પ્રોત્સાહન મળી રહ્યું છે. વધુ અને વધુ સ્ત્રીઓ અને બાળકો લગ્નની કેદમાં ફસાઈ ગયેલાં છે. સસેક્સ યુનિવર્સિટીના સીનિયર લેક્ચરર રુમી હાસને જણાવ્યું હતું કે સ્ત્રીઓ દ્વારા ઈસ્લામિક કાઉન્સિલોનો વધતો ઉપયોગ દર્શાવે છે કે તેઓ લગ્નમાં કેદ થઈ ગયેલી છે અને બ્રિટિશ સત્તાવાળાઓ તેને નજરઅંદાજ કરે છે. મોટી ભાગના બ્રિટિશરો ઈસ્લામિક સિદ્ધાંતોને પશ્ચિમ સાથે અસંગત માને છે.

