ફ્રેન્ચ સેલેબ્રિટી મેગેઝિન ‘ક્લોઝર’ દ્વારા ડચેસ ઓફ કેમ્બ્રિજના સૂર્યસ્નાન કરતાં ટોપલેસ ફોટોગ્રાફ પ્રસિદ્ધ કરવાના કેસમાં ફ્રાન્સની કોર્ટે ડ્યૂક અને ડચેસને ૯૨,૦૦૦ પાઉન્ડનું નુકસાની વળતર ચુકવવા મેગેઝિનને આદેશ કર્યો હતો. ડ્યૂક અને ડચેસે કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને તેમના માટે આ કિસ્સો બંધ થયો હોવાની પ્રતિક્રિયા આપી હતી. શાહી દંપતીએ મેગેઝિન સામે પ્રાઈવસીના ભંગ બદલ ઉદાહરણીય પગલું લેવાય તે માટે ૧.૪ મિલિયન પાઉન્ડના વળતરની માગણી કરી હતી. પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન ૨૦૧૨માં ફ્રાન્સમાં પેરિસની મુલાકાતે ગયાં હતાં ત્યારે ફોટોગ્રાફર્સે તેમની અંગત પળોની તસવીરો ઝડપી હતી.
• બ્રિટનનું ઈકોનોમિક મોડેલ નિષ્ફળ
કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ જણાવ્યું છે કે બ્રિટનમાં મૂડીવાદ ભાંગી તૂટ્યો છે અને તેમાં તાકીદે સુધારાની આવશ્યકતા છે કારણકે યુવા વર્ગ તેમના માબાપની સરખામણીએ ખરાબ હાલતમાં મૂકાયો છે. બાળકો દેશના સૌથી વધુ ધનવાન અને સૌથી ગરીબ વિસ્તારો વચ્ચે ખાઈ વધી રહી છે તેવા વિશ્વમાં ઉછરશે. દેશનું ભાંગી ચુકેલું આર્થિક મોડેલ યુવા પેઢીઓને પાછળ ધકેલી રહ્યું છે તેમ પણ આર્ચબિશપે જણાવ્યું હતું.
• ચાર બ્રિટિશ સૈનિકો નીઓ-નાઝી હોવાની શંકા
નીઓ-નાઝી ગ્રૂપ નેશનલ એક્શન સાથે સંકળાયેલા હોવાની શંકાએ પડાયેલા દરોડામાં ચાર બ્રિટિશ સૈનિક અને એક નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. ગત વર્ષે લેબર સાંસદ જો કોક્સની હત્યાના પગલે અતિ જમણેરી નેશનલ એક્શન ગ્રૂપ પર ત્રાસવાદી કૃત્યોને પ્રોત્સાહન આપવાના કારણોસર ડિસેમ્બરમાં પ્રતિબંધ લગાવાયો હતો. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે ચાર શંકમંદને ઝડપ્યા હતા જ્યારે રોયલ મિલિટરી પોલીસે એક શકમંદને સાયપ્રસમાંથી ઝડપ્યો હતો. આ પ્રતિબંધિત જૂથની બેઠકો ગુપ્તપણે ચાલે છે અને તેના પૂર્વ સભ્યોએ માર્ચ મહિનામાં યુદ્ધ ટ્રેનિંગમાં પણ ભાગ લીધો હોવાનું બહાર આવ્યું હતું.
• સરકારી શાળામાં ભણેલા મેડિકલ સ્ટુડન્ટ્સનો વધુ સારો દેખાવ
ખાનગી શાળાઓમાં અભ્યાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં આવેલા વિદ્યાર્થીઓની સરખામણીએ સરકારી શાળામાં ભણેલા મેડિકલ સ્ટુડન્ટ્સ વધુ સારો દેખાવ કરતા હોવાનું યુનિવર્સિટી ઓફ એબરડીનના એક અભ્યાસમાં જણાવાયું છે. ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ એન્ટ્રી ટેસ્ટ્સમાં વધુ સારો સ્કોર કરતા હોય છે. વિદ્યાર્થીઓના સેકન્ડરી સ્કૂલના ગ્રેડ્સ, તેમણે અભ્યાસ કરેલી શાળાઓ અને સમગ્ર મેડિકલ અભ્યાસ દરમિયાન તેમના દેખાવ વચ્ચેના સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરતો આ અભ્યાસ યુકેમાં સર્વપ્રથમ છે.
• ડ્રગ્સ ગેન્ગના ચાર સભ્યને જેલની સજા
હેરોઈન નેટવર્કના સંચાલન માટે મિલિટરીના ગુપ્ત સંકેતો સાથેના મોબાઈલ ફોન્સનો ઉપયોગ કરનારી ગેન્ગના ચાર સભ્યને માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે જેલની સજા ફરમાવી છે. ઓલ્ધામના મોહમ્મદ જબ્બારને ૧૫ વર્ષ, માન્ચેસ્ટરના મોહમ્મદ રફિકને ૧૪ વર્ષ અને છ મહિના, માન્ચેસ્ટરના જોનાથન ક્લોર્લીને ૭ વર્ષ અને ગ્લાસગોના જેરેમી કુરાનને ૧૨ વર્ષ જેલની સજા કરાઈ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં તેમની પાસેથી ૨.૫ કિલો હેરોઈન પકડાયું હતું. મોહમ્મદ જબ્બાર સહિતના અપરાધીઓએ તેઓ સોનાના સિંહાસન પર બેસીને પોતાના ‘પરાક્રમો’ વિશે રમૂજ કરતા હોય તેવી તસવીરો ઓનલાઈન પોસ્ટ કરી હતી.

