• ડિઝલના ભાવ હજુ ઘટી શકે છે

Tuesday 11th August 2015 05:11 EDT
 

કારમાં ડિઝલ ભરાવવાનો ખર્ચ જુલાઈ મહિનામાં ૩ પાઉન્ડ જેટલો ઘટ્યો હતો અને આ મહિનામાં હજુ ઘટી શકે છે. જેના પરિણામે એવરેજ સાઈઝની કાર માટે ૨.૫ પાઉન્ડનો વધુ લાભ મળશે. RAC ના અભ્યાસ અનુસાર જુલાઈમાં પ્રતિ લીટર સરેરાશ પાંચ પેન્સનો ઘટાડો થયો હતો. પેટ્રોલના ભાવની સરખામણીએ ડિઝલની કિંમત ૧૫ વર્ષમાં પ્રથમ વખત નીચી ગઈ છે. ગયા મહિને મોરિસન્સ, ટેસ્કો અને સેઈન્સબરી સહિતના સુપરમાર્કેટ્સ દ્વારા અચાનક ભાવકાપ મૂકાયો હતો.

• ટ્રેનમાં મહિલાને અણછાજતો સ્પર્શ

સેન્ટ્રલ લાઈન ટ્રેનમાં એક પુરુષે ૪૦ વર્ષીય મહિલાને અણછાજતો સ્પર્શ કર્યાની ઘટના પછી બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે તે પુરુષની સીસીટીવી તસ્વીરો જારી કરી છે. ૧૯ મેની આ ઘટનામાં અચાનક સ્પર્શથી ચોંકેલી મહિલાએ બૂમ પાડતાં પુરુષ અટકી ગયો હતો અને સેન્ટ પોલ ખાતે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. તે હોલબર્નથી ટ્રેનમાં ચડ્યો હતો. પોલીસ આ વ્યક્તિની પૂછપરછ કરવા માગે છે અને તેને ઓળખવામાં મદદની અપીલ કરી છે.

• પ્રોફેશનલ શિક્ષણ લીધા વિના જ ડ્રાઈવિંગ

એક સર્વે અનુસાર ગત બે વર્ષમાં સંપૂર્ણ લાઈસન્સ મેળવનારા ૨૦૦૦થી વધુ શીખાઉ વાહનચાલકોમાંથી માત્ર ૨૫ ટકાએ ડ્રાઈવિંગ શીખવા માટે પ્રોફેશનલ મદદ મેળવી હતી. આના કારણે નવા ડ્રાઈવરો જીવલેણ અકસ્માત કરે તેનું જોખમ વધી ગયું છે. અડધોઅડધ વ્યક્તિને તેમના સગાંએ ડ્રાઈવિંગ શીખવ્યું હતું, જ્યારે ૨૮ ટકાને મિત્ર દ્વારા શિક્ષણ અપાયું હતું. ગયા વર્ષે ડ્રાઈવિંગની પરીક્ષા આપવા દરમિયાન જ ૪૦૦થી વધુ લોકોએ અકસ્માત સર્જ્યો હતો. ૧૩ ખરાબ ડ્રાઈવર પરીક્ષામાં ૩૦મી વખત નિષ્ફળ રહ્યા હતા.

• નળના પાણીને ઉકાળીને પીવાની ચેતવણી

લેન્કેશાયરમાં બીમારી અને ડાયરિયા કરી શકે તેવા માઈક્રોસ્કોપિક જંતુઓથી દુષિત નળના પાણી અંગેની ચેતવણી યુનાઈટેડ યુટિલિટીઝ દ્વારા અપાયા પછી બોટલબંધ પાણીની ખરીદી વધી ગઈ છે. કંપનીએ ગ્રાહકોને પીવા, રાંધવા અને દાંત સાફ કરવા માટે ઉકાળેલાં પાણીનો જ ઉપયોગ કરવાની સલાહ આપી છે. કંપનીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આ જીવાણું જણાયાં હતા. લેન્કેશાયરના લોકોએ માન્ચેસ્ટર અને લિવરપૂલ જેવા સ્થળોએથી આવતાં મિત્રો અને સગાંને બોટલબંધ પાણી લાવવા જણાવ્યું છે.

• સામાજિક સંભાળ તૂટી પડવાના આરે છે

અશક્ત અને વૃદ્ધો સાથે દુર્વ્યવહારના રોજિંદા ૧૫૦થી વધુ આક્ષેપના પગલે એડલ્ટ સોશિયલ કેરના ચીફ ઈન્સ્પેક્ટરે ભારે બોજા હેઠળ સામાજિક સંભાળ તૂટી પડવાના આરે આવી હોવાની ચેતવણી આપી છે. એન્ડ્રીઆ સટક્લીફે જણાવ્યું હતું કે નાણાકીય કાપના કારણે સંભાળ લેનારાં પણ દબાણ હેઠળ છે. તેમને વધારે કામ કરવું પડે છે અને તેમના કાર્યની દરકાર લેવાતી ન હોવાની લાગણીના કારણે તેઓ કાર્યને મહત્ત્વનું ગણતા નથી.

• શિક્ષકને ચાકુ મારવા બદલ ૧૧ વર્ષ ડિટેન્શન

બ્રેડફર્ડ ક્રાઉન કોર્ટે ડિક્સન્સ કિંગ્સ એકેડેમી ખાતે વર્ગમાં શિક્ષક વિન્સેન્ટ ઉઝામોહને પેટમાં ચાકુ મારનારા ૧૪ વર્ષની વિદ્યાર્થીને ૧૧ વર્ષ યુથ ડિટેન્શનમાં રાખવા આદેશ કર્યો છે. ૧૧ જૂનની આ ઘટનામાં કિશોરે ગુનાની કબૂલાત કરી હતી. તેણે સાયન્સ વર્ગ શરૂ થવાની સાથે અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં ૫૦ વર્ષીય શિક્ષક પર હુમલો કર્યો હતો. તેણે ફેસબુક પર પોતાના કૃત્યની બડાશ પણ મારી હતી. મોબાઈલ ફોન સંબંધિત વિવાદમાં આ હુમલો કરાયાનું મનાય છે.

• મેકડોનાલ્ડ્સ દ્વારા યુકેમાં ટેબલ સર્વિસની ઓફર

અપમાર્કેટ બર્ગર ચેઈન્સની સ્પર્ધાને ખાળવા માટે ફાસ્ટ ફૂડ જાયન્ટ મેકડોનાલ્ડ્સ દ્વારા યુકેમાં સૌપ્રથમ વખત ટેબલ સર્વિસની ઓફર કરાશે. ડાઈનર્સ ટેબ્લેટ કોમ્પ્યુટર ધરાવતા સ્ટાફ મેમ્બરને પોતાનો ઓર્ડર આપી શકશે અથવા ટેબર પર રખાયેલા ડિજિટલ કીઓસ્ક મારફત સીધો ઓર્ડર આપી શકશે. મેકડોનાલ્ડ્સ દ્વારા ગ્રેટર માન્ચેસ્ટરની મોટ્રામ ખાતેની બ્રાન્ચમાં આ સર્વિસ ટ્રાયલ લેવાઈ રહી છે અને યુકેમાં વધુ ૧૧ સ્થળોએ ટ્રાયલનું વિસ્તરણ કરાશે.

• યુવા વર્ગ પણ ડિમેન્શીઆનો શિકાર

ડિમેન્શીઆ અથવા સ્મૃતિભ્રંશની સ્થિતિ ખતરનાક ગતિએ આગળ વધી રહી હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. ૨૦ વર્ષ અગાઉ ડિમેન્શીઆ મોટા ભાગે વૃદ્ધાવસ્થામાં સહન કરવી પડતી બાબત હતી, પરંતુ હવે યુવા વર્ગ પણ સ્મૃતિભ્રંશનો શિકાર બની રહ્યો છે. વિજ્ઞાનીઓ કહે છે કે આના માટે એરક્રાફ્ટ્સ અને કાર્સથી ફેલાતાં પ્રદુષણ અને જંતુનાશકોનો વ્યાપક વપરાશ સહિતના પર્યાવરણીય પરિબળો કારણભૂત હોઈ શકે છે.

• સ્ટોપ એન્ડ સર્ચના રેકોર્ડ્સ ઓનલાઈન મૂકાશે

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં દરેક નેબરહુડમાં કરાતી સ્ટોપ એન્ડ સર્ચની વિગતો હવે ઈન્ટરનેટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. આવી તપાસ ક્યાં, ક્યારે અને શા માટે થઈ તેમ જ તપાસ હેઠળની વ્યક્તિની વય અને વંશીયતા અને ઓફિસરોને તપાસમાં કશું શંકાસ્પદ મળ્યું હતું કે કેમ તે લોકો જાણી શકશે. પોલીસ દ્વારા કરાતી સ્ટોપ એન્ડ સર્ચ તપાસમાં ૨૫ ટકાથી વધુ તપાસ ગેરકાનૂની હોવાના ઈન્સ્પેક્ટોરેટ ઓફ કોન્સ્ટેબ્યુલરીના રિપોર્ટના પગલે આ નિર્ણય લેવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter