સૌથી લોકપ્રિય ડિરેક્ટરી ઈન્ક્વાયરી કોલ સર્વિસ 118 118એ કોલનો દર પ્રતિ મિનિટ વધારીને ઓછામાં ઓછો ૮.૯૮ પાઉન્ડ કર્યો હતો. આ વધારો ૨૦૦૨થી અત્યાર સુધીમાં ૨૨૦૦ ટકાનો છે. ચાર સૌથી મોટી 118 કંપનીઓ -118 118, BT, Yell Maureen ૪૫ સેકન્ડના કોલ માટે ૫.૫૦ પાઉન્ડ ચાર્જ વસૂલે છે. 118 પર કોલની વધારાની એક મિનિટ માટે બીજા ૪.૪૯ પાઉન્ડ લેવાય છે.
• ટેલ્કમ પાવડરના કેસમાં ૮૫ મિલિયન પાઉન્ડનું વળતર
જ્હોનસન એન્ડ જ્હોનસન બેબી પાવડરના ઉપયોગથી કેન્સર થયું હોવાના આક્ષેપ સાથેના એક કેસમાં વર્જિનિયાની ૬૨ વર્ષીય મહિલા લુઈસ સ્લેમ્પને સેન્ટ લુઈસ જ્યૂરીએ ૮૫ મિલિયન પાઉન્ડનું વળતર ચૂકવવા આદેસ કર્યો હતો. અગાઉ આવા જ કેસોમાં સેન્ટ લુઈસની અગાઉની જ્યૂરીએ કુલ ૧૫૨ મિલિયન પાઉન્ડનું વળતર મંજૂર રાખ્યું હતું. ૨૦૧૨માં સ્લેમ્પને અંડાશયનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેમણે ૪૦ વર્ષથી આ પાઉડરના ઉપયોગ લીધે કેન્સર થયાનો આક્ષેપ કર્યો હતો.
• અંતિમ દિવસોમાં દંપતીના બેડ પાસે રખાયા
પત્નીના જીવનના છેલ્લાં દિવસોમાં પતિ સાથે રહી શકે તે માટે રોયલ બોલ્ટન હોસ્પિટલમાં એક દંપતીના બેડ એકબીજાની સાથે રખાયા છે. કેન્સરની સારવાર લઈ રહેલી ૮૭ વર્ષીય પત્ની બીટ્રીસને હૂંફ મળે તે માટે ૯૦ વર્ષીય પતિ બર્ટ વ્હાઈટહેડનો બેડ તેમની પાસે રખાયો છે. ૬૭ વર્ષ અગાઉ પરણેલા આ બન્ને બાળપણના સાથી છે. તેમને થોડા દિવસ અગાઉ જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
• સ્ટાફ ફ્રી છે કે નહીં તે લાઈટથી જાણી શકાશે
હવે ઓફિસમાં કર્મચારી બીઝી છે કે ફ્રી તે ડેસ્કટોપ પરની લાઈટ દ્વારા જાણી શકાશે. આ સિસ્ટમને લીધે ઉત્પાદકતા વધશે. કર્મચારી કોમ્પ્યુટર પર કામમાં વ્યસ્ત હશે ત્યારે એટલે કે તેના કિબોર્ડ અને માઉસની એક્ટિવિટી વધારે હશે ત્યારે લાલ લાઈટ થશે. તે લાઈટ ગ્રીન હશે ત્યારે સાથી કર્મચારીઓ તે કર્મચારીનો સંપર્ક સાધી શકશે.
• વડીલોની જૂની માન્યતાઓથી બાળકોને જોખમ
વડીલો તેમની વર્ષો જૂની માન્યતાઓને લીધે અજાણતા જ બાળકોને જોખમમાં મૂકી દેતા હોવાનું અભ્યાસમાં જણાયું હતું. ૭૦૦ ગ્રાન્ડપેરન્ટ્સના સર્વેમાં બાળકોની સલામતીને જોખમમાં મૂકવાની બાબતમાં સારવાર માટેની જૂની પેઢીની આરોગ્યસંભાળની વર્ષો જૂની ખોટી માન્યતાઓને દોષિત ગણાવવામાં આવી હતી.

