• ડિસેબિલિટી પેમેન્ટ્સ આપવાનું ટાળી નાણા બચાવાશે

Wednesday 01st March 2017 06:59 EST
 

ડિમેન્શિયાગ્રસ્ત સહિત ૧૫૦,૦૦૦થી વધુ લોકોને ડિસેબિલિટી પેમેન્ટ્સ આપવાનું ટાળીને થેરેસા મે સરકાર બિલિયન્સ પાઉન્ડ બચાવવા માગે છે. અક્ષમ લોકોને તેમની લિવિંગ કોર્ટમાં મદદરૂપ બનતા પર્સનલ ઈન્ડીપેન્ડન્સ પેમેન્ટ્સના અધિકાર સંબંધે બે ટ્રિબ્યુનલ ચુકાદા ઉલટાવવા મિનિસ્ટર્સ ઈમર્જન્સી ખરડો લાવી રહ્યા છે. જો કાયદામાં ફેરફાર ન થાય તો ચાન્સેલર હેમન્ડે બજેટમાં પાંચ વર્ષમાં વધારાના ૩.૭ બિલિયન પાઉન્ડની જોગવાઈ કરવી પડશે.

• કેનાબિસ રિંગના લીડરને જેલ

સાઉથ ઈસ્ટ લંડનમાં ૧૯૯૩માં સ્ટીફન લોરેન્સને જીવલેણ ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારનારી રેસિસ્ટ ગેન્ગના લીડર નીલ એકોર્ટને ચાર મિલિયન પાઉન્ડ મૂલ્યના કેનાબિસનો જથ્થો પૂરો પાડવાના ગુનામાં છ વર્ષની જેલની સજા ફરમાવાઈ છે. નોર્થઈસ્ટ ઈંગ્લેન્ડમાં નશીલા પદાર્થોના ફેલાવા માટે એકોર્ટે કુરિયર્સનો ઉપયોગ કર્યો હતો.

• બીબીસી ધાર્મિક કાર્યક્રમોના બ્રિટિશ ઈન્ચાર્જ

બીબીસી દ્વારા ધાર્મિક ટેલિવિઝન પ્રોગ્રામ્સ માટે બીજા મુસ્લિમ એક્ઝિક્યુટિવ ફાતિમા સેલારિઆની નિમણૂક કરી છે. આ નોકરી ખ્રિસ્તીને મળવી જોઈએ તેમ માનનારા વર્ગે આ નિર્ણયની ભારે ટીકા કરી છે. બીબીસી એડિટર ફાતિમાએ રિયાલિટી શો ‘મુસ્લિમ્સ લાઈક અસ’ તેમજ ઉદ્દામવાદ વિશે અનેક કાર્યક્રમ તૈયાર કરેલાં છે. એથિક્સ અને રીલિજિયન માટેના કમિશનિંગ એડિટર તરીકે ફાતિમા સોન્ગ્સ ઓફ પ્રેઈઝ સહિત બીબીસીના તમામ ધાર્મિક વિષયોની ઈન્ચાર્જ રહેશે.

• ઉપવાસથી ટાઈપ-ટુ ડાયાબિટીસનો ઉપચાર

સમયાંતરે ઉપવાસ કરવાથી ટાઈપ-ટુ ડાયાબિટીસનો ઉપચાર થઈ શકે તેમ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે. તેમના કહેવા અનુસાર ઉપવાસ જેવો આહાર લોકોને ડાયાબિટીસની ગોળીઓથી મુક્ત કરી શકે છે. આ ડાયેટમાં લોકો પાંચ દિવસ સુધી તેમની સામાન્ય કેલરીના ત્રીજા ભાગની કેલરી આપતો ખોરાક લે છે. આ પછીના ૨૫ દિવસ તેઓ સામાન્ય ભોજન લેતાં રહે છે. યુકેમાં ૩૦ લાખ લોકો ટાઈપ-ટુ ડાયાબિટીસ ધરાવે છે

• પેરન્ટ્સ બાળકોને લર્નિંગ ડિફિકલ્ટીઝનું નિદાન કરાવવા તૈયાર

પોતાના બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે તે માટે કેટલાક પેરન્ટ્સ તેમના બાળકોને લર્નિંગ ડિફિકલ્ટીઝ હોવાનું નિદાન કરાવવા પર ભાર મૂકતા હોવાનું શિક્ષકોના સર્વેમાં બહાર આવ્યું છે. બાળકોને ખાસ શૈક્ષણિક જરૂરિયાત હોવાનું ખોટું નિદાન થતું હોવાનું ૫૭ ટકા શિક્ષકો માને છે, જ્યારે ૭૨ ટકા શિક્ષકો માને છે કે થોડી ઘણી પણ અસર લાગતી હોય તો પેરન્ટ્સ તેમના બાળકોને લર્નિંગ ડિફિકલ્ટીઝનું લેબલ લગાવી દેવાનું દબાણ કરે છે.

• સારા વિદ્યાર્થીને વહેલા ઘેર જવાની છૂટ

એસેક્સના કેન્વે આઈલેન્ડની સ્કૂલ ધ કેસલ વ્યૂમાં નવી સિસ્ટમ અપનાવાઈ છે. શાળાના તોફાની છોકરાઓની સરખામણીએ સારું વર્તન કરતા વિદ્યાર્થીઓને ૧૦ મિનિટ વહેલા ઘેર જવાની પરવાનગી મળશે. સારા વિદ્યાર્થીને બપોરના ૨.૫૦ કલાકે ઘેર જવા દેવાશે, જ્યારે બાકીના વિદ્યાર્થીને શાળા છૂટવાનો ઘંટ વાગે ત્યારે બપોરે ૩.૦૦ કલાક સુધી રાહ જોવી પડશે. એકેડેમી ટ્રસ્ટની આ શાળામાં ૧૧-૧૬ વયજૂથના આશરે ૧,૧૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

• ખિસકોલીના વંધ્યીકરણને પ્રિન્સ ઓફ વેલ્સનું સમર્થન

મૂળ લાલ ખિસકોલીના રક્ષણ માટે ભૂખરી ખિસકોલીઓના વંધ્યીકરણની સરકારની યોજનાને પ્રિન્સ ઓફ વેલ્સએ સમર્થન આપ્યું છે. ભૂખરી ખિસકોલીઓ લાલ ખિસકોલી માટે જીવલેણ નીવડી શકે તેવા સ્ક્વીરલપોક્સ વાઈરસનું વહન કરી શકે છે. તે પહોળાં પાંદડાવાળા વૃક્ષોને નુક્સાન પહોંચાડવા માટે પણ જાણીતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter