• ડેટિંગમાં ખર્ચેલા નાણા પાછા આપવાની માગ

Tuesday 21st February 2017 14:33 EST
 

માત્ર એક ડેટ પર ગયાં પછી પોતાને રસ ન હોવાનું જણાવી આગળ વધવા સવિનય ઈનકાર કરનારી મહિલા સમક્ષ ડેટિંગ સમયે શરાબ પાછળ ખર્ચાયેલાં નાણામાં હિસ્સેદારી કરવાની સાથી પુરુષ દ્વારા વિનંતી કરવામાં આવી છે. ઓનલાઈન એપના ઉપયોગથી ૩૮ વર્ષીય ક્લોથ ડિઝાઈનર લ્યુસી બ્રાઉને સાથી પુરુષ શોધ્યો હતો. ડેટ નોર્મલ અને સ્વીટ હોવાનું સ્વીકારી ફરી મળવામાં રસ ન હોવાનું લ્યુસીએ ડેટિંગના સાથીને જણાવ્યું હતું. લ્યુસીએ આ ખર્ચમાં પોતાના હિસ્સે આવેલા ૪૨.૫૦ પાઉન્ડ ચૂકવી આપ્યાં હતાં.

• ચર્ચમાં મેરેજ બેન્સની જાહેરાત યથાવત

ચર્ચ ઓફ ઈંગ્લેન્ડે યુવાનોમાં લોકપ્રિયતા વધારવાના પ્રયાસમાં ચર્ચમાં વાચવામાં આવતી ભાવિ લગ્નોની જાહેરાતોની મધ્યકાલીન પરંપરા જાળવી રાખવા મતદાન થકી નિર્ણય લીધો છે. ચર્ચના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે આ પરંપરા બંધ કરાય તો નવા શ્રદ્ધાળુઓ આકર્ષાશે નહિ. છેક ૧૨૧૫થી ચાલતી પરંપરામાં લગ્ન માટે ત્રણ સર્વિસીસ અને તેમના માટે કરાતી પ્રાર્થામાં ભાવિ દંપતીના નામ મોટેથી વાચવાનો સમાવેશ થાય છે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના તાબા હેઠળના દેવળોમાં ૨૦૧૫માં ૪૫,૦૦૦થી ઓછાં લોકોએ લગ્ન કર્યાં હતાં.

• જાતીય આરોગ્યનો ટાઈમ બોમ્બ

કેટલીક સેકન્ડરી સ્કૂલ્સમાં સેક્સ એજ્યુકેશનનો અભાવ જાતીય આરોગ્ય માટે ટાઈમ બોમ્બ સમાન હોવાની ચેતવણી લોકલ ગવર્મેન્ટ એસોસિયેશને આપી છે. તેણે જણાવ્યું હતું કે દરેક શાળામાં બાળકોની વયના સંદર્ભે યોગ્ય પાઠ અભ્યાસક્રમમાં આવશ્યક છે. કાઉન્સિલ સંચાલિત સેકન્ડરી સ્કૂલ્સમાં સેક્સ એજ્યુકેશન અપાવું જ જોઈએ. જોકે, એકેડેમીઝ અને ફ્રી સ્કૂલ્સમાં તે ફરજિયાત નથી.

• હે ફીવરની ત્રણ વર્ષની સારવારનો લાભ

હે ફીવરથી બીમાર રહેતાં લોકો જો ત્રણ વર્ષ સુધી ગોળીઓ અથવા ઈન્જેક્શનની સારવાર લેવાનું રાખે તો લાંબા ગાળા સુધી આ તાવની એલર્જીથી મુક્ત રહી શકે તેમ ઈમ્પિરિયલ કોલેજ લંડનના નિષ્ણાતોએ જણાવ્યું છે. ત્રણ વર્ષની સારવાર તેમને પરાગરજની અસર સામે સુરક્ષિત બનાવે છે. એલર્જીનો સામનો કરવાના બે વર્ષના ઈમ્યુનોથેરાપી કોર્સથી લાંબા ગાળાનો લાભ મળતો નથી.

• ફૂટબોલ પણ મગજ માટે જોખમરુપ

બોક્સિંગની રમત મગજને ઈજા પહોંચાડે તેવી જોખમી છે. આવું જ જોખમ પ્રોફેશનલ ફૂટબોલર્સને નડી શકે તેવી ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. હેવીવેઈટ બોક્સરોને મગજનું નુકસાન સહન કરવું પડે છે તેવી જ સ્થિતિ વર્ષો સુધી માથા વડે ફૂટબોલને ફટકારવાથી સર્જાય છે. યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ જણાવ્યું હતું કે મગજને નુકસાન સ્મૃતિભ્રંશ અને અકાળે મોત લાવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter