પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરન કોર્નવોલમાં ૨ મિલિયન પાઉન્ડનું હોલિડે હોમ ખરીદશે. તેમના પ્રોપર્ટી પોર્ટફોલિયોમાં અગાઉથી ઓક્સફર્ડશાયર રિટ્રીટમાં ૩.૬ મિલિયન પાઉન્ડના નોટિંગહિલ હાઉસ અને ૨૫,૦૦૦ પાઉન્ડની કિંમતની શેફર્ડ્સ હટનો સામેલ છે. કેમરન હોદ્દા પર હતા ત્યારે તેઓ કોર્નવોલમાં નિયમિતપણે રજાઓ માણતા હતા.
• એમ્બ્યુલન્સની રાહ જોતી યુવતીનું મૃત્યુ
યુનિવર્સિટીની ૨૦ વર્ષીય વિદ્યાર્થિની કેથરીન રિચમન્ડની તબિયત કથળી તે જ સમયે તેના વિસ્તારની ૧૩માંથી છ એમ્બ્યુલન્સનો સ્ટાફ બ્રેક પર હોવાથી તેનું મૃત્યુ થયું હતું. કેથરીનની બરોળમાં તકલીફ હતી. પરંતુ, તેમાં કોઈ ઈમરજન્સી ન હોવાનું કહીને બે વખત તેની અવગણના કરીને એમ્બ્યુલન્સને અન્ય સ્થળે મોકલી દેવાઈ હતી. પછી તેને જ્યારે હોસ્પિટલ લઈ જવાતી હતી ત્યારે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તાકીદે ઓપરેશન કરવા છતાં તેને બચાવી શકાઈ ન હતી.
• પોલીસને ઝેર આપનાર કેમિસ્ટની હકાલપટ્ટી
કેમિકલ પોઈઝનીંગને લીધે સાત પોલીસ અધિકારીને હોસ્પિટલે ખસેડવાની ઘટનાના કેન્દ્રમાં રહેલા ૩૪ વર્ષીય કંપની ડિરેક્ટર હામીદ એહમદી નેજાદને ગેરવર્તણુંક બદલ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પાણીચું પકડાવી દેવાયું હતું. પોલીસે વહેલી સવારે તેના ઘરે દરોડો પાડ્યા પછી તેની ધરપકડ કરાઈ હતી. તેના પર ઈરાદાપૂર્વક ઝેર આપવાનો અને સાક્ષીને ધમકી આપવાનો આરોપ છે. ઓક્સફર્ડ મેજિસ્ટ્રેટ કોર્ટે તેને કસ્ટડીમાં મોકલ્યો હતો અને તેને ૮ ડિસેમ્બરે ઓક્સફર્ડ ક્રાઉન કોર્ટમાં રજૂ કરાશે.
• સ્ટુડન્ટ નર્સ સાથે જાતીય ગેરવર્તણુંકનો આરોપ
વુલ્વરહેમ્પટનની ન્યુ ક્રોસ હોસ્પિટલમાં નાઈટ શીફ્ટ દરમિયાન ફરજ પરની મહિલા સહકર્મચારીને ઔપચારિક રીતે ભેટતી વખતે જાતીય ઉત્તેજના જગાવી હોવાનો A&Eના ૩૦ વર્ષીય ડોક્ટર મોહમ્દ યાસીન પર આરોપ મૂકાયો હતો. જોકે, માન્ચેસ્ટરમાં જનરલ મેડિકલ કાઉન્સિલ ટ્રિબ્યુનલ સમક્ષ તેમણે દાવો કર્યો હતો કે તેમના ગજવામાં રહેલા મોબાઈલ ફોનને લીધે સ્ટુડન્ટ નર્સને તેવું લાગ્યું હશે.
• વિકાસદર નવ મહિનાની ઉંચી સપાટીએ
બેરોજગારીનો ઓછો દર અને વધતી માગને લીધે અર્થતંત્રમાં તેજી આવતા લોઈડ્ઝ પરચેઝિગ મેનજર્સ ઈન્ડેક્સ (PMI) પ્રમાણે વિકાસદર ઓક્ટોબરમાં નવ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. સમગ્ર દેશમાં વિકાસદર વધી રહ્યો છે. વેલ્સમાં PMI સ્કોર વધીને ૫૮.૬ અને નોર્થવેસ્ટ ઈંગ્લેન્ડમાં ૫૭.૯ નોંધાયો હતો
• બ્રિટન ૨૦૨૯ સુધીમાં ધૂમ્રપાન મુક્ત બનશે
બ્રિટન આગામી ૨૦૨૯ સુધીમાં ધૂમ્રપાન મુક્ત બનશે. આ વર્ષે ૧૦૦,૦૦૦ નવી વેપર સાથે ઈ-સિગારેટ્સની લોકપ્રિયતા વધવાને લીધે ધૂમ્રપાનમાં ઘટાડો નોંધાયો હતો. હવે યુકેના દર સાત પુખ્તમાંથી માત્ર એક જ ધૂમ્રપાન કરે છે અને આગામી દાયકામાં ધૂમ્રપાન કરનારાની સંખ્યામાં ધરખમ ઘટાડો થવાનું નિષ્ણાતો માને છે.

