કાઉન્સિલોની ચૂંટણીઓમાં મત માગવા કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ડેવિડ કેમરનના નામે લખાયેલા પત્રોથી ચૂંટણી કાયદાઓનો ભંગ થયો છે કેમ તેની તપાસમાં પોલીસને સામેલ કરવામાં આવી છે. ટોરી પાર્ટીએ ખુલાસો કર્યો છે કે આ પત્રોનો ખર્ચ સ્થાનિક પ્રચારખર્ચ મર્યાદામાં આવતો નથી કારણકે તેમાં જે તે વિસ્તારના ટોરી ઉમેદવારનો ઉલ્લેખ કરાયો નથી. જોકે, તેમાં વિસ્તારનો ઉલ્લેખ કરાયો છે. ૨૦૧૫ની ચૂંટણીમાં પરાજિત પૂર્વ લિબરલ ડેમોક્રેટ સાંસદ સેન્ડર્સે પોલીસને જણાવ્યું હતું કે ટોરી પાર્ટી દ્વારા મોકલાયેલા પત્રોની સ્થાનિક પ્રચારખર્ચ તરીકે નોંધ કરાઈ નથી અને તેનાથી ખર્ચમર્યાદાનો ભંગ થયો હોઈ શકે છે.
• સ્કૂલમાં બીજા વિશ્વ યુદ્ધનો બોમ્બ મળી આવ્યો
બાથમાં લેન્સડાઉન રોડ પરની રોયલ હાઈ સ્કૂલમાં દ્વિતીય વિશ્વ યુદ્ધનો વણફૂટેલો બોમ્બ મળી આવતા સેંકડો લોકોને તે સ્થળેથી દૂર કરાયાં હતાં. ખોદકામ દરમિયાન શાળાના પ્લેગ્રાઉન્ડની સપાટીથી માત્ર એક મીટર નીચે ૫૦૦ રતલનો બોમ્બ મળી આવ્યો હતો. આસપાસના ૧,૦૦૦ જેટલાં ઘરમાં રહેતાં લોકોનું સ્થળાંતર બાથ રેસકોર્સમાં કરાયું હતું અને વાહનો માટે માર્ગ બંધ કરી દેવાયાં હતાં.
• સીરિયામાં બ્રિટિશ માતા અને પાંચ બાળકનો બચાવ
સીરિયાની રાજધાની રાક્કામાં લિવા થુવાર અલ-રાક્કા દ્વારા ISIS વિરોધી બચાવદરોડામાં બ્રિટિશ માતા અને તેના પાંચ સંતાનને સલામતીપૂર્વક રાક્કાની બહાર ખસેડી લેવાયા હતાં. આ પરિવારને અડધી રાત્રે બહાર કાઢી તુર્કીની સરહદ નજીક સલામત સ્થળે લવાયો હતો. આ સંસ્થાએ ઈસ્લામિક ત્રાસવાદી સંગઠનના કબજા હેઠળના શહેરમાંથી સંખ્યાબંધ લોકોને સલામત સ્થળે ખસેડ્યાં છે. આ મહિલાનું નામ અપાયું નથી, પરંતુ તે બ્રેડફર્ડની હોવાનું અને ગત વર્ષે પરિવાર સાથે સીરિયા નાસી ગયાનું મનાય છે.

