સેક્સ સિલેક્શન પછી ગર્ભપાત કરવાના મુદ્દે ડોક્ટર પલાનિપ્પન રાજમોહન પરથી સસ્પેન્શન ઉઠાવી લેવાયું છે. ધ મેડિકલ પ્રેક્ટિસનર્સ ટ્રાઈબ્યુનલ સર્વિસે ગત ઓક્ટોબરમાં બર્મિંગહામના એજબાસ્ટનમાં કાલથોર્પ ક્લિનિકમાં કામ કરતા ડોક્ટર પર ત્રણ મહિનાનું સસ્પેન્શન લગાવ્યું હતું. ડોક્ટરે રીવ્યુ હીઅરિંગમાં જણાવ્યું હતું કે તેમણે પેશન્ટના હિતમાં સલાહ આપી હતી. હવે તેઓ પ્રેક્ટિસ કરી શકશે, પરંતુ તેમના પબ્લિક રેકોર્ડ પર પ્રતિબંધ યથાવત રહેશે. ૨૦૧૨માં અંડરકવર રિપોર્ટ્સ દ્વારા સગર્ભા મહિલાઓનેદેશના અલગ અલગ નવ ક્લિનિક્સમાં લઈ જવાઈ હતી. આ તપાસના પરિણામે રેગ્યુલેટર્સ દ્વારા ડો. રાજમોહનના વર્તન અંગે ઈન્ક્વાયરી ચલાવાઈ હતી.
• અડધોઅડધ સગર્ભાઓ મેદસ્વી
પોતાની પ્રથમ મેટરનિટી એપોઈન્ટમેન્ટ માટે હાજર થતી સગર્ભા સ્ત્રીઓમાં અડધોઅડધ મેદસ્વી અથવા વધુ વજન ધરાવતી હોવાનું નવા અભ્યાસે જણાવ્યું છે. હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈન્ફોર્મેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ઓક્ટોબરમાં પ્રથમ એપોઈન્ટમેન્ટ માટે ગયેલી સગર્બાઓમાંથી ૧૯ ટકા મેદસ્વી હતી, જ્યારે ૨૬ ટકાનું વજન વધુપડતું હતું. નોર્થ ઓફ ઈંગ્લેન્ડની સગર્ભાઓમાં ઓબેસિટીનું પ્રમાણ સૌથી ઊંચુ હતું, જ્યારે લંડનમાં સૌથી ઓછું હતું. પ્રેગનન્સીમાં ઓબેસિટીના લીધે ગર્ભાવસ્થાના ડાયાબિટીસ અને પ્રી- ઈક્લેમ્પસીઆનું જોખમ વધી જાય છે.
• હીટ એન્ડ રન કેસમાં ત્રણ વ્યક્તિની ધરપકડ
ગ્રેટર માન્ચેસ્ટરમાં સોમવાર ૨૯ ફેબ્રુઆરીએ એસ્ટન અંડર-લાયને ખાતેની હમઝા મસ્જિદમાં સાંજની નમાજ પછી બહાર જઈ રહેલા ૧૧ વર્ષના બાળક શાહ ઝઈબ હુસૈન સાથે વાહનની અથડામણ- હીટ એન્ડ રન કેસમાં ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. કાર સાથે અકસ્માત પછી હોસ્પિટલમાં લઈ જવાયેલા બાળકનું થોડાં સમય પછી મોત નીપજ્યું હતું. બે વ્યક્તિ સામેથી પોલીસની શરણે આવી હતી. એક વ્યક્તિ શરાબ અથવા ડ્રગ્સના નશામાં તેજ ગતિએ કાર ચલાવતી હોવાનું કહેવાય છે. પોલીસે ત્રણેની પૂછપરછ કરવા સાથે સાક્ષીઓને માહિતી આપવા આગળ આવવાનો અનુરોધ કર્યો હતો.

