યુકેના એક્સિડન્ટ એન્ડ ઈમર્જન્સી વિબાગો પરનું દબાણ હળવું કરવાના પ્રયાસ તરીકે જીપી ડોક્ટર્સને સાંજ અને વીકેન્ડ એપોઈન્ટમેન્ટ માટે પ્રતિ કલાક ૧૦૦ પાઉન્ડ ચુકવવામાં આવે છે. આરોગ્ય સેવાના વડાઓ કહે છે કે ડોક્ટર્સને વધારાની શિફ્ટ્સમાં કામ કરવા સમજાવવામાં તકલીફ પડી રહી છે. સાત દિવસની NHS કામગીરીના અમલ માટેની યોજના હેઠળ તેમને આ દર ઓફર કરવામાં આવે છે. સાંજ અને વીકેન્ડની પાઈલોટ કામગીરી માટે મિનિસ્ટર્સ દ્વારા ૧૫૦ મિલિયન પાઉન્ડ ફાળવવામાં આવ્યા છે.
• સગર્ભાવસ્થામાં લિકોરાઈસથી બાળકના આઈક્યુને જોખમ
જે સ્ત્રીઓ સગર્ભાવસ્થા દરમિયાન લિકોરાઈસ પ્લાન્ટના મૂળિયામાંથી બનાવાતી કેન્ડીનું સેવન કરે છે તેના બાળકના આઈક્યુ નીચે રહેવાનું જોખમ હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. લિકોરાઈસ પ્લાન્ટમાં ગ્લાયસિરિઝિન નામનું રસાયણ હોય છે, જે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું વિભાજન કરતા શરીરને અટકાવે છે. આ સંયોજનના ઔષધકીય લાભ હોવાં છતાં સંશોધકોએ ચિંતા વ્યક્ત કરી છે કે વિકાસ પામતા ભ્રૂણને તેના કારણે નુકસાન થઈ શકે છે.
• વૃદ્ધા છ મહિના હોસ્પિટલમાં પડી રહી
યોગ્ય નર્સિંગ હોમની સગવડ ન કરી શકાવાથી ૮૯ વર્ષની ડિમેન્શિયાગ્રસ્ત મહિલા આઈરિશ સિબ્લીએ છ મહિના સુધી હોસ્પિટલમાં ફસાઈ રહેવું પડ્યું હતુ. આ ઘટના અંગે NHS સત્તાવાળાએ તેમની માફી માગી હતી. કોઈ પણ જરૂર વિના આઈરિશને બ્રિસ્ટોલ રોયલ ઈન્ફર્મરીની પથારીમાં રાખવા પાછળ હેલ્થ સર્વિસને અંદાજે ૮૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થયો હતો.
• પોટેટોથી પડોશીની હત્યા
પડોશી સાથેના ઝગડામાં તેની હત્યાના ગુનામાં ડેનિયલ બર્જીસને એક્સટર ક્રાઉન કોર્ટ દ્વારા જેલની સજા કરાઈ છે. આ હત્યામાં તેણે બટાકાનો ઉપયોગ કર્યો હતો. ડેનિયલે ન્યુલીન, કોર્નવેલમાં માઈકલ હોર્નરના ઘરની વેન્ટિંગ પાઈપને બટાકાથી બ્લોક કરી દીધી હતી. આ પછી, બારણાના લોક્સને સુપર ગ્લુથી બંધ કરી નાખ્યું હતું. આના પરિણામે, ઘરમાં પેદા થયેલો કાર્બન મોનોક્સાઈડ બહાર ન જવાથી તેના ઝેરથી ૪૮ વર્ષીય હોર્નરનું મોત નીપજ્યું હતું.

