ડોલ્બી સરાઉન્ડ સાઉન્ડના શોધક અને સાઉન્ડ ટેકનોલોજી નિષ્ણાત રે ડોલ્બીની એસ્ટેટના વહીવટકારો દ્વારા કેમ્બ્રિજ યુનિવર્સિટીની પેમબ્રોક કોલેજને ૩૪.૯ મિલિયન પાઉન્ડનું જંગી દાન જાહેર કરાયું છે. ૨૦૧૩માં ૮૦ વર્ષની વયે મૃત્યુ પામેલા ડોલ્બીએ ૧૯૬૧માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી ડીગ્રી મેળવી હતી. તેઓ પેમબ્રોક કોલેજમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થી અને રીસર્ચ ફેલો હતા. તેમણે ડોલ્બી લેબોરેટરીઝની સ્થાપના અને ક્રાંતિકારી ડોલ્બી સાઉન્ડ સિસ્ટમની શોધ કરી હતી. ૫૦થી વધુ અમેરિકન પેટન્ટ્સ ધરાવતા ડોલ્બીને ૧૯૮૭માં OBE એનાયત કરાયો હતો.
• તાતા પાસેથી નોકરીની મગાતી ખાતરી
યુકેમાં મંદીના વાદળોમાં ઘેરાયેલાં સ્ટીલ પ્લાન્ટ્સ બંધ થઈ રહ્યાં છે ત્યારે જેગુઆર લેન્ડ રોવરના કામદારોએ તાતા પાસે તેમની નોકરીઓની સલામતીની ખાતરી માગી છે. તાતા ગ્રૂપ તેનો સ્ટીલ બિઝનેસ વેચવા માગે છે તેવી અટકળો મધ્યે નોકરીઓ પર સર્જાયેલા જોખમથી આ ચિંતા ફેલાઈ છે. કાર પ્લાન્ટના કામદારોએ તાતા ગ્રૂપના ચેરમેન સાયરસ મિસ્ત્રીને પત્ર લખી વધુ છટણી નહિ કરાય અને કંપની દ્વારા ઉત્પાદિત સ્ટીલનો ઉપયોગ જેગુઆર અને લેન્ડ રોવર કાર્સના ઉત્પાદનમાં લેવાશે તેવી માગણી કરી છે.
• કચરો પણ તમને જોતો હોઈ શકે
કચરો કે પસ્તી નાખતા પહેલા બે વખત વિચાર કરશો, કદાચ તેની તમારા પર નજર હોઈ શકે. ન્યૂકેસલ યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસ અનુસાર જો ચોપાનિયામાં નજર રાખતી આંખો છપાયેલી હોય તો તેને જમીન પર ફેંકવાની લોકોની વૃત્તિમાં બે તૃતીઆંશ જેટલો ઘટાડો થાય છે. અગાઉના અભ્યાસોમાં પણ જણાયું હતું કે નજર રાખતી આંખોના પોસ્ટર્સના લીધે બાઈક્સની ચોરી અને કચરો ફેંકાવામાં ઘટાડો નોંધાયો હતો.
• સાંસદને દ્વેષપૂર્ણ સંદેશા મોકલ્યા
ક્રેગ વોલેસ ઉર્ફ મુહમ્મદ મુજાહિદ ઈસ્લામ સામે ફેસબુક પર સાંસદને ‘દ્વેષપૂર્ણ સંદેશા’ મોકલવાનો આરોપ લગાવાયો છે. તેને સોમવારે લંડનમાં હેન્ડોન મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. તેણે ગુનાની કબૂલાત કર્યા પછી કસ્ટડીમાં મોકલાયો હતો. હવે ૩૦ ડિસેમ્બરે વિલ્સડેન મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કરાશે. હાઉસ ઓફ કોમન્સમાં સીરિયા પર બોમ્બમારાનું મતદાન થયા પછીના દિવસે ૨૩ વર્ષીય વોલેસે શેડો ફોરેન સેક્રેટરી હિલેરી બેનને ફેસબુક પર ‘વોર ક્રિમિનલ’ અને ‘ટેરરિસ્ટ’ ગણાવ્યા હતા. તેણે અન્ય સાંસદને પણ ‘દ્વેષપૂર્ણ સંદેશા’ મોકલ્યા હતા.
• આઈએસનો ફંડરેઈઝર યુકેથી નાસી છુટ્યો
ઈસ્લામિક સ્ટેટ માટે ભંડોળ ઉઘરાવતો મોહમ્મદ ખાલેદ યુકેથી સીરિયામાં તેના જેહાદી સાથીઓ સાથે જોડાવા નાસી છુટવામાં સફળ રહ્યો છે. તે નવ બનાવટી ઓળખનો ઉપયોગ કરતો હતો અને માનવતાવાદી ભંડોળ જેહાદીઓને પુરી પાડતો હતો. વેસ્ટ લંડનમાં રહેતા ખાલેદને કડક કાઉન્ટર-ટેરરિઝમ ઓર્ડર હેઠળ રખાયો હતો અને તેની મિલકતો સ્થગિત કરી દેવાઈ હતી. ખાલેદ નાસી છુટતા બ્રિટિશ સરહદો પર અંકુશ રાખવાની સત્તાવાળાઓની ક્ષમતા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે.
• બ્રિટન હવે ક્રિશ્ચિયન દેશ રહ્યો નથી
આધુનિક સમાજમાં ધર્મના સ્થાન વિશે મહત્ત્વપૂર્ણ ઈન્ક્વાયરીમાં નિવૃત્ત જજ બેરોનેસ બટલર-સ્લોસ અને ધાર્મિક નેતાઓના બનેલા કમિશને બ્રિટન હવે ક્રિશ્ચિયન દેશ રહ્યો નહિ હોવાનું સ્પષ્ટ કર્યું છે. બ્રિટને તે ક્રિશ્ચિયન દેશ છે તે રીતે વર્તવાનું બંધ કરવું જોઈએ. જોકે, બે વર્ષના કમિશનના તારણોની ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ અને મિનિસ્ટર્સ દ્વારા આકરી ટીકા કરાઈ છે. કમિશનના સભ્યોએ બ્રિટનના જાહેર જીવનને પદ્ધતિસર બિનખ્રિસ્તી બનાવવાની હાકલ કરી છે.
•તાતા સ્કનથોર્પ સ્ટીલ પ્લાન્ટ વેચવાના આરે
તાતા ગ્રુપ તેના ઐતિહાસિક સ્કનથોર્પ સ્ટીલ પ્લાન્ટ અને દેશભરમાં તેની નાની સાઈટ્સ મોટા ઈન્વેસ્ટરને સોંપવાના સોદા તરફ આગળ વધી રહ્યું છે. આ સોદાના પરિણામે હજારો બ્રિટિશ નોકરીઓ બચી જશે. માંદી કંપનીઓને બચાવવામાં નિષ્ણાત ગ્રેબુલ, એન્ડલેસ સહિત અનેક ફંડ્સ તાતાના લિંકનશાયર સ્ટીલ પ્લાન્ટને ખરીદવાની હોડમાં છે. જો સોદો પાર નહિ પડે તો તાતા કંપની તેની કામગીરી બંધ કરી તબક્કાવાર મિલકતો વેચી શકે છે.
• વિદ્યાર્થીને ત્રાસવાદી કહી શિક્ષક મુશ્કેલીમાં
રોધરહામની ક્લિફ્ટન કોમ્યુનિટી સ્કૂલમાં ૧૪ વર્ષીય વિદ્યાર્થી અમન ઘનીને ત્રાસવાદી કહેનારા શિક્ષકને પોલીસ તપાસ હેઠળ મૂકાયા છે. ક્લાસના અન્ય વિદ્યાર્થીઓના કહેવા મુજબ શિક્ષકે ઘનીને ‘સ્ટોપ ટોકિંગ, યુ ટેરરિસ્ટ’ કહ્યું હતું. આ ઉપરાંત, એશિયન પેરન્ટ્સને બાળકો ઉછેરતાં આવડતું ન હોવાનું પણ કહ્યું હતું. શાળાએ આરંભમાં રોધરહામ કાઉન્સિલને તપાસ કરવા જણાવ્યું હતું પરંતુ હવે સાઉથ યોર્કશાયર પોલીસે તપાસ આદરી છે. ફ્રાન્સમાં પેરિસ હુમલા પછી યુકેમાં ઈસ્લામોફોબિક શોષણના ૧૬૪ દાવા કરાયા છે.
• Ukipએ ગેરરીતિનો આક્ષેપ પાછો ખેંચ્યો
ઓલ્ધામ વેસ્ટ અને રોયટનની પેટાચૂંટણીમાં લેબર પાર્ટીના જિમ મેકમોહનનો વિજય પોસ્ટલ વોટ્સની ગેરરીતિના લીધે થયો હોવાના નાઈજેલ ફરાજના આક્ષેપમાં Ukipએ પીછેહઠ કરી છે. પરિણામ જાહેર થયાની ગણતરીની પળોમાં ફરાજે ચૂંટણીની ગેરરીતિના પુરાવા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે પાછળથી પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે પુરાવા ઘણા મજબૂત જણાશે તો જ તેઓ પોલીસ સમક્ષ જશે. લેબર પાર્ટીએ ફરાજના આક્ષેપોને ‘દ્રાક્ષ ખાટી હોવા’ સાથે સરખાવ્યા હતા.