ડ્યુક ઓફ એડિનબરા ૯૪ વર્ષની વયે પણ નિવૃત્ત થવાની નિશાની દેખાડતા નથી એટલું જ નહિ, શાહી પરિવારની યુવા પેઢીની સરખામણીએ તેઓ વધુ કામગરા છે. યુકેમાં ૨૦૧૫માં તેમણે યુવા પેઢીની સરખામણીએ વધ સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેઓ આગામી જૂનમાં ૯૫ વર્ષના થશે ત્યારે તેમણે ઘરઆંગણે ૨૧૭ કાર્યક્રમોમાં અને એપ્રિલમાં ૯૦ વર્ષના થનારા રાણીએ ૩૦૬ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. બીજી તરફ, ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ તથા પ્રિન્સ હેરીએ સંયુક્તપણે ૧૯૮ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રિન્સ ચાર્લ્સે ઘરઆંગણે ૩૮૦ અને વિદેશમાં ૧૪૭ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પ્રિન્સેસ રોયલે ઘરઆંગણે ૪૫૬ અને વિદેશમાં ૮૮ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
• સાંસદ સિમોન ડાન્ઝક સસ્પેન્ડ
લેબર પાર્ટીએ ૧૭ વર્ષની વિદ્યાર્થીની સોફીના હોલિહાનને અસભ્ય ટેક્સ્ટ સંદેશા મોકલવા બદલ રોશડેલના ૪૯ વર્ષીય સાંસદ સિમોન ડાન્ઝેકને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. તેમની સામે પક્ષની નેશનલ એક્ઝીક્યુટિવ કમિટી દ્વારા તપાસ હાથ ધરાશે.ડાન્ઝેકે ટ્વીટર પર પોતાને મૂર્ખ ગણાવી માફી માગવા સાથે કહ્યું હતું કે તેમનું વર્તન અયોગ્ય હતું. ઉલ્લેખનીય છે કે ડાન્ઝેક પોતાને બાળશોષણવિરોધી ગણાવે છે.
• મિલિબેન્ડને ૪૦૭,૦૦૦ પાઉન્ડથી વધુ ચુકવણી
પૂર્વ ફોરેન સેક્રેટરી અને ઈન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીના વડા ડેવિડ મિલિબેન્ડને ચેરિટીના વહીવટ માટે વાર્ષિક ૪૦૭,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ અથવા પ્રતિ કલાક ૩૦૭ ડોલર ચુકવાય છે. આ ચેરિટીને બ્રિટિશ એઈડ બજેટમાંથી લાખો પાઉન્ડ આપવામાં આવે છે. ઈન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટી બિનનફાકારી સંસ્થા છે અને તેનો દાવો છે કે તેની આવકમાંથી ૯૦ ટકાથી વધુ રકમ નિર્વાસિતો અને આશા ખોઈ ચુકેલાઓ માટે જ અપાય છે.
• ઈમિગ્રેશન સૌથી મોટી ચિંતા
બ્રિટિશરો માટે સૌથી મોટી ચિંતાનો વિષય ઈમિગ્રેશન છે. ધ ટાઈમ્સ/યુગવ પોલના તારણો મુજબ ૧૦માંથી છ બ્રિટિશ નાગરિક દેશ સમક્ષની ત્રણ મોટી ચિંતામાં ઈમિગ્રેશન, એસાઈલમને સ્થાન આપે છે. ત્રીજા ક્રમે હેલ્થ છે, જેને ૧૦માંથી ચાર નાગરિક ચિંતાજનક ગણાવે છે. ૩૫ ટકા માટે અર્થતંત્ર, ૨૭ ટકા માટે યુરોપ અને ૧૨ ટકા માટે પર્યાવરણ ચિંતાનો વિષય છે. આ મત યુકેના પૂર અગાઉ લેવાયો હતો. આગામી ૧૨ મહિનામાં અંગત નાણાકીય સ્થિતિ સારી થવાની આશા ૨૦ ટકા લોકો રાખે છે અને સ્થિતિ ખરાબ થશે તેમ માનનારા ૨૫ ટકા છે
• લેક્ચરર પર જીવલેણ હુમલો
લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનમાં કાર્યરત લેક્ચરર ડો. જેરોન એન્સિન્ક પર તેમના ઘરની બહાર જ ચાકુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ૨૯ ડિસેમ્બરના આ હુમલામાં લેક્ચરરને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયા હતા. આ અંગે વુલિચના ફેમી ટિમચાંગ નાન્ડાપ સામે હત્યાનો આરોપ લગાવાયો છે. ધોળા દિવસે હુમલો કર્યા પછી હુમલાખોરે પોતાને જ મારી નાખવાની ધમકી આપી હતી. નાન્ડાપને હાઈબરી મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ શુક્રવારે હાજર કરાયા પછી કસ્ટડીમાં મોકલાયો હતો. તેને સોમવારે વિડિયો લિન્ક દ્વારા બેઈલી કોર્ટ સમક્ષ હાજર કરાયો બતો અને તેની વધુ કસ્ટડી ૨૨ માર્ચ સુધી મંજૂર કરાઈ હતી.
• હોસ્પિટલ બોસીસના પગારમાં ધરખમ વધારો
NHS હોસ્પિટલ્સના ચીફ એક્ઝીક્યુટિવ્ઝને ધરખમ વેતનવધારો આપવામાં આવ્યો છે, જે નર્સના વાર્ષિક વેતન કરતા પણ વધુ છે. કેટલીક હોસ્પિટલ્સના વડાઓના વેતનમાં ૩૫,૦૦૦ પાઉન્ડથી વધુ વધારો મળ્યો છે. એક્ઝીક્યુટિવ્ઝ માટે સર્વોચ્ચ વાર્ષિક કમાણી ૩૪૦,૦૦૦ પાઉન્ડની થઈ હતી. સીનિયર મેનેજર્સના વેતન સ્થગિત રાખવાની સરકારની ખાતરી છતાં ૪૦ ટકા હોસ્પિટલ ટ્રસ્ટે ૨૦૧૪-૧૫માં ચીફ એક્ઝીક્યુટિવ્ઝના પગારમાં ઓછામાં ઓછાં ૫,૦૦૦ પાઉન્ડ વધારી આપ્યા હતા.
• ખાનગી પોલીસ દળ રાખવાની ફરજ
હિંસક લૂંટફાટની ઘટનાઓ પછી લોકોએ સલામતી માટે ખનગી પોલીસ રાખવી પડે તેવી હાલત થઈ છે. નોર્થવેસ્ટ લંડનના હેમ્પસ્ટીડના રહેવાસીઓએ ખાનગી પોલીસ દળ માટે વાર્ષિક ૩,૦૦૦ પાઉન્ડ આપવાનો નિર્ણય લીધો છે. આ રીતે એકત્ર ભંડોળમાંથી એક વર્ષ સુધી એક સાર્જન્ટ અને બે કોન્સ્ટેબલના પગાર સહિતના ખર્ચ પૂરા કરાશે. આ સબર્બમાં યુકેમાં અન્ય કોઈ વિસ્તાર કરતા વધુ મિલિયોનર્સ રહે છે. રહેવાસીઓનું કહેવું છે કે ૨૦૧૩માં પોલીસ સ્ટેશન બંધ કરાયા પછી હેમ્પસ્ટીડમાં હિંસક ગુનાખોરી વધી છે.
• હાઉસ ઓફ કોમન્સના નવા સાર્જન્ટ એટ આર્મ્સ
હાઉસ ઓફ કોમન્સના નવા સાર્જન્ટ એટ આર્મ્સ તરીકે કમાલ અલ-હાજીની નિમણૂક કરાઈ છે. કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવતા કમાલ અલ-હાજી સાંસદોની સલામતીનું ધ્યાન રાખશે. આ અગાઉ તેઓ મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસમાં સિક્યુરિટી મેનેજર હતા. ફિલોસોફીના ચાહક મોરોક્કન અલ-હાજીએ ‘ધ હેલ્પ ઓફ અલ્લાહ’ નામે જીવનચરિત્ર લખ્યું છે અને આ ભૂમિકામાં પ્રથમ બિનગોરા અધિકારી છે. તેઓ ૬૦૦ વર્ષથી ચાલતા આ હોદ્દામાં ૮૦,૦૦૦ પાઉન્ડનું વેતન મેળવશે.
• પાશ્ચાત્ય આહારથી સ્તન કેન્સરનું જોખમ
હળવાં પીણાં, કેચપ, સીરીઅલ બાર્સ અને બિસ્કિટ સહિતના ખાદ્યપદાર્થોમાંથી પ્રાપ્ત ખાંડ બ્રેસ્ટ કેન્સરનું જોખમ લાવી શકે તેવી ચેતવણી સંશોધકોએ આપી છે. ખાંડનું વધુ પ્રમાણ ધરાવતા પાશ્ચાત્ય આહારથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે અને તે કેન્સર ફેફસામાં પણ ફેલાઈ શકે તેવી શક્યતા નવા અભ્યાસમાં દર્શાવાઈ છે. ઊંદરોને સુક્રોઝ સાથેનો આહાર અપાયા પછી તેમનામાં ટ્યુમર્સનું પ્રમાણ અને કેન્સરના ફેલાવાની સ્થિતિ જણાઈ હતી. દિવસમાં એક પીણું પીવાથી સ્તન કેન્સરના જોખમમાં ૧૫ ટકાનો વધારો થતો હોવાનું અભ્યાસે જણાવ્યું છે.

