એરપોર્ટ પરથી ખરીદીની જીન અને ચોકલેટ જેવી વસ્તુઓ હવે સુપરમાર્કેટમાં અથવા ઓનલાઈન સસ્તી મળતી હોવાનું કન્ઝ્યુમર ગ્રૂપ Which? ને જણાયું હતું. ગઈ ૧૦ થી ૧૩ માર્ચ વચ્ચેના તેના પ્રાઈસચેકમાં પુરુષો માટેના યુ ડી ટોઈલેટ ‘ઈટર્નીટી’નો ભાવ બર્મિંગહામ વર્લ્ડ ડ્યૂટી ફ્રી ખાતે ૪૬ પાઉન્ડની સરખામણીમાં એમેઝોન પર ૨૫ પાઉન્ડ હતો. ટોબ્લેરોન બ્રિસ્ટોલ વર્લ્ડ ડ્યૂટી ફ્રી પર ૪ પાઉન્ડની સરખામણીમાં અસડામાં ૩ પાઉન્ડ હતો. ગ્રૂપ દ્વારા જણાવાયું હતું કે ગ્રાહકોને એરપોર્ટની શોપ્સ પરથી ખરીદીમાં બચત થઈ શકે પરંતુ, તેમણે પહેલા તેની તપાસ કરવી જોઈએ.
• ચેરિટીઝને ફરી પ્રજાનો વિશ્વાસ હાંસલ કરવા તાકીદ
ચેરિટીઝે પબ્લિક ટ્ર્સ્ટ પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે અને સંખ્યાબંધ કૌભાંડો પછી પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. સ્વૈચ્છિક સંસ્થાઓ ૨૦૦૮ની આર્થિક કટોકટીને લીધે તેમની આવકમાં થયેલા ઘટાડાને લીધે તેમજ જાહેર ખર્ચમાં કાપને લીધે તેમને મળતી પરંપરાગત ગ્રાન્ટ બંધ કરાતા ભારે દબાણનો સામનો કરી રહી છે. જોસેફ રોનટ્રી ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ જુલિયા અન્વિને જણાવ્યું હતું કે એક સર્વે મુજબ બીન સરકારી સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ ગયા વર્ષે ૪૬ ટકા હતો તે આ વર્ષે ઘટીને ૩૨ ટકા થયો છે.
• યુકે લાઈફ સાયન્સને NHSની કટોકટીથી જોખમ
NHS ને દર વર્ષે ૨૦ બિલિયન પાઉન્ડની વધારાની સહાય નહિ મળે તો દવા કંપનીઓ બ્રિટનમાં રોકાણ નહિ કરે તેવી ચેતવણી એસોસિએશન ઓફ ધ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી (ABPI)એ આપી હતી. NHSઉચ્ચ કક્ષામાં આવતી નથી. સંસ્થાના નવા પ્રમુખ લીસા એન્સને જણાવ્યું હતું કે NHSની તકલીફોથી બ્રિટનના લાઈફ સાયન્સ સેક્ટર સમક્ષ જોખમ ઉભું થયું છે.
• NUSના નવા પ્રમુખ શકીરાએ ડ્રગ ડિલર હોવાનું કબૂલ્યું
નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સના નવા પ્રમુખ ૨૮ વર્ષીય શકીરા માર્ટિંને સ્વીકાર્યું હતું કે તેઓ ડ્રગ ડિલર હતા અને ક્યારેય યુનિવર્સિટી ગયા ન હતા. અગાઉ જેરેમી કોર્બીન કરતાં પોતે વધુ ઉદામવાદી હોવાનો દાવો કરનારા શકીરાને બ્રાઈટનમાં NUS ની વાર્ષિક કોન્ફરન્સમાં પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
૧૬ વર્ષની વયે સાઉથ ઈસ્ટ લંડનનું પોતાનું ઘર છોડનારા શકીરાએ ડ્રગના વ્યવસાયમાં વ્યાપારિક કૌશલ્ય, ગુપ્તતા, ડેટાનું રક્ષણ, કસ્ટમર સર્વિસ અને ગણિત કેવી રીતે શીખ્યા તેની વાત કરી હતી. તે ડ્રગ વેચતા ન હતા પરંતુ, કુરિયર તરીકે કામ કરતા હતા.
• આવક ઉભી કરવા વિવિધ માર્ગોનું નામકરણ ?
ટૂંક સમયમાં મોરિસન્સ, માઈક્રોસોફ્ટ અથવા માન્ચેસ્ટર હેડ M1ને સ્પોન્સર કરી શકે તેવું બને. માર્ગોની જાળવણીના હેતુસર ભંડોળ ઉભું કરવા માટે મોટરવેના નામકરણના અધિકાર રોકાણકારોને આપવાનું AA ના વડા એડમન્ડ કિંગે સૂચન કર્યું હતું. માર્ગો પર એડવર્ટાઈઝિંગના બદલામાં કચરો એકત્ર કરવાના ખર્ચની ચૂકવણીમાં સુપરમાર્કેટ, સ્પોર્ટ્સ ટીમ અને ટેક કંપનીઓ જેવા બિઝનેસ મદદરૂપ થઈ શકે. બ્રિટનમાં ડ્રાઈવિંગ માટે લોકોને જે ભારે ચાર્જ ચૂકવવો પડે છે તેમાં ફેરફાર માટે કિંગનું આ સૂચન છે.

