રોધરહામ અને રોચડેલની માફક ક્રિમિનલ ગેંગ દ્વારા ડ્રગની હેરાફેરીમાં હજારો બાળકો અને તરૂણોનો ઉપયોગ થઈ રહ્યો છે. બાળકોના શોષણને પહોંચી વળવા પ્રથમ વખત મોડર્ન સ્લેવરી લોનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમાં કેટલાક તો માત્ર ૧૨ વર્ષના છે. નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) માને છે કે શહેરની ગેંગો દ્વારા ડ્રગ્સ અને રોકડની મોટા પ્રમાણમાં હેરફેર થાય છે
• પાંચમાંથી એક મહિલા ક્યારેય માતા નહીં બની શકે
સંતાનવિહોણી અને કદીયે માતૃત્વ ધારણ નહીં કરી શકતી મહિલાઓની સંખ્યા એક પેઢીમાં બમણી થઈ હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) દ્વારા જણાવાયું હતું. દર પાંચમાંથી એક મહિલા ક્યારેય માતૃત્વ ધારણ કરી શકતી નથી. ONS ના માનવા મુજબ મહિલા ૪૫ વર્ષની વય સુધી માતૃત્વ ધારણ કરી શકે છે. અગાઉની પેઢીમાં આ દર માત્ર ૯ ટકા હતો.
• વાણી સ્વાતંત્ર્ય પર કાપ નહીં - માઈકલ બાર્બર
ઓફિસ ફોર સ્ટુડન્ટના નવા ચેરમેન સર માઈકલ બાર્બરે વાણી સ્વાતંત્ર્ય પર કાપ મૂકવાનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને અસ્વસ્થતાની અનુભૂતિ કરાવવી જોઈએ. હાયર એજ્યુકેશનના નવા રેગ્યુલેટર બાર્બરે પોતાના પીઅરની લાગણી દુભાશે તેવા ભયથી ડિબેટને મર્યાદિત રાખવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને તેમ ન કરવા ચેતવણી આપી હતી.
• મદ્રેસા અને સન્ડે સ્કૂલનું નિયમન જરૂરી
ટ્રોજન હોર્સ કૌભાંડ પછી બર્મિંગહામની સ્કૂલોમાં સરકાર દ્વારા મોકલવામાં આવેલા સિટી કાઉન્સિલના ડિરેક્ટર ફોર ચીલ્ડ્રન કોલિન ડાયમન્ડે જણાવ્યું હતું કે મદ્રેસા અને સન્ડે સ્કૂલોનું નિયમન થાય તે જરૂરી છે.
• ૧૦૦ બિલિયન ડોલરનીઅંગત સંપત્તિનો એમેઝોનના બોસનો વિક્રમ
એમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ આધુનિક ઈતિહાસમાં ૧૦૦ બિલિયન ડોલર (૭૫ બિલિયન પાઉન્ડ) ની વ્યક્તિગત સંપત્તિ ધરાવનારા પ્રથમ વ્યક્તિ બન્યા હતા. બ્લેક ફ્રાઈડે સેલ્સમાં ભારે વધારાની અપેક્ષાએ કંપનીના શેરના ભાવ ૨.૬ ટકા વધીને વિક્રમી ૧,૧૮૬ ડોલર પર પહોંચતા તેઓ આ આંકે પહોંચ્યા હતા.
• વિદ્યાર્થિનીઓએ ટોપ ગ્રેડ મેળવવા વધુ મોક ટેસ્ટની જરૂર
A લેવલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ નવા કોર્સની પદ્ધતિઓથી વાકેફ થવા માટે વધુ મોક ટેસ્ટ આપવી જોઈએ તેમ શિક્ષણવિદોનું માનવું છે. A લેવલના નવા કોર્સના પ્રથમ વર્ષમાં માત્ર છોકરીઓની સ્વતંત્ર સ્કૂલોના પરિણામો પર ભારે અસર પડી હતી. સ્કૂલ ગાઈડ ૨૦૧૮ મુજબ ૧૫ પ્રાઈવેટ સ્કૂલમાંથી ૧૨ માત્ર છોકરીઓ માટેની હતી.
• બર્મિંગહામમાં બીન વર્કરોની હડતાળનો અંત
બર્મિંગહામમાં બીન વર્કરોની હડતાળ સમાપ્ત થઈ હતી. તેઓ ત્રણ મહિનાની હડતાળ પર ઉતરી જતાં શહેરમાં કચરાના ઢગલા ખડકાયા હતા અને નાગરિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું. વર્કરોએ ૧૦૬ના સ્ટાફમાં નવા હોદ્દાની માગણીને માન્ય રાખી હતી. જોકે, તેમનું વેતન યથાવત રખાયું છે. સેવાને આધુનિક બનાવવાની કાઉન્સિલની યોજના અંગે વર્કરોને વિવાદ હતો.

