અમલી બનેલી નવી માર્ગદર્શિકા હેઠળ ડોક્ટરો તેમના જે દર્દીઓ વાહન ચલાવવા માટે અનફિટ હોવાનું માનતા હોય તેમના વિશે સત્તાવાળાને રિપોર્ટ કરી શકશે. આ માટે તેમણે પેશન્ટ્સને જાણ કરવાની જરૂર રહેતી નથી. જનરલ મેડિકલ કાઉન્સિલે જનરલ પ્રેક્ટિશનર્સને જણાવ્યું છે કે પેશન્ટ માટે વાહન ચલાવવું તબીબી દૃષ્ટિએ સલામત અથવા વ્યવહારુ ન હોય તેવી પરિસ્થિતિમાં સત્તાવાળાને તેમના વિશે જાણ કરતા પહેલા સંબંધિત દર્દીની સંમતિ લેવાની જરૂર રહેશે નહિ.
• સેટલમેન્ટ છતાં પ્રથમ ક્વાર્ટરમાં Lloydsનો નફો બમણો
પેમેન્ટ પ્રોટેક્શન ઈન્સ્યુરન્સ, ખોટા વેચાણ અને HBOSકૌભાંડ છતાં લોઈડ્સ બેંકિંગ ગ્રૂપનો વેરા પૂર્વેનો નફો પ્રથમ ક્વાર્ટરમાં વધીને બમણો એટલે કે ૧.૩ બિલિયન થયો હતો. થોડાંક અઠવાડિયામાં પુનઃ સંપૂર્ણ ખાનગી થનારી આ બેંકે વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં પ્રિ-ટેક્સ પ્રોફિટમાં ૯૯ ટકાનો વધારો નોંધાવ્યો હતો. ગયા વર્ષે આ જ ગાળામાં ૬૫૪ મિલિયન નફો હતો.
• જેલોમાં જાતે ઈજા-સ્ટાફ પર હુમલાની ઘટનાઓનો વિક્રમ
ઈંગ્લેન્ડ અને વેલ્સની કેદીઓથી ઉભરાતી જેલોમાં ગયા વર્ષે જાતે ઈજા પહોંચાડવાના અને અન્યો પર હુમલાની ઘટનાઓ વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસની માહિતી મુજબ કેદીઓ દ્વારા જેલ સ્ટાફ પર હુમલાના બનાવોમાં ૨૦૧૬ની સંખ્યાના ત્રીજા ભાગથી વધુનો, જ્યારે સાથી કેદીઓ પર હુમલાના બનાવોમાં ૨૫ ટકાનો વધારો થયો હતો. ૨૪ ટકાના વધારા સાથે જાતે ઈજા પહોંચાડવાના ૪૦ હજાર કેસ નોંધાયા હતા.
• ૪૦૦ પેટન્ટ ધરાવતા ડો. ટેલર પ્રોફેસર ઓફ ઈનોવેશન
કેમ્બ્રીજ યુનિવર્સિટી પોતાના નામે ૪૦૦ પેટન્ટ ધરાવતા ૮૦ વર્ષીય જહોન સી ટેલરની તેના પ્રથમ પ્રોફેસર ઓફ ઈનોવેશન તરીકે નિમણુંક કરશે. આ યુનિવર્સિટીમાંથી જ ૫૫ વર્ષ અગાઉ ગ્રેજ્યુએટ થયેલા ટેલરે આ પોસ્ટ મેળવવા માટે યુનિવર્સિટીને ૨.૫ મિલિયન પાઉન્ડનું દાન આપ્યું છે. સરકીટ બ્રેક કરતી સ્વીચ તૈયાર કરીને કીટલીને ઓવરહીટ થતી અટકાવવાની શોધ કરનારા ટેલર એન્જિનિયરીંગ ફેકલ્ટીમાં ફરજ બજાવશે.

