જન્ક ફૂડની સરખામણીએ તંદુરસ્ત આહાર વધુ ખર્ચાળ હોવાથી નબળાં પોષણ અને સ્થૂળતાને વેગ મળે છે તેવી ધારણા ખોટી હોવાનું ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક એફેર્સના નવા અભ્યાસે જણાવ્યું છે. સૌથી સસ્તાં તૈયાર ભોજન, પિઝા, બર્ગર્સ અને ગળપણ ધરાવતા નાસ્તાની કિંમત કિલોગ્રામ દીઠ બે પાઉન્ડથી વધુ હોય છે. બીજી તરફ, વિકલ્પરુપે ફળ અને શાકભાજીની કિંમત ઓછી હોય છે. એક પાઉન્ડના ચીઝ બર્ગરની સરખામણીએ તે જ કિંમતમાં અઢી કિલો પાસ્તા, એક કિલો શક્કરિયાં, ૧૦ સફરજન. સાત કેળાં મળી શકે છે.
• મળે તે આપણું ન કહેવાય
સામાન્ય કહેવત છે કે ‘ફાઈન્ડર્સ આર કીપર્સ, લૂઝર્સ વીપર્સ’. કહેવતમાં આ બરાબર છે પરંતુ, નિકોલ બેઈલીને ખરાબ રીતે સમજાયું છે કે આવી કહેવત કોર્ટમાં રક્ષણ આપી શકતી નથી. બેઈલીએ સ્ટેફોર્ડશાયરની કરિયાણાની દુકાનમાં ૨૦ પાઉન્ડની નોટ નધણિયાતી પડેલી જોઈ અને પર્સમાં મૂકી દીધી. જો કે, તેને આ પગલાથી ચોરીના ગુનેગાર ગણાવું પડ્યું અને કોર્ટખર્ચ તથા ચાર્જીસ પેટે ૧૭૫ પાઉન્ડ ભરવાં પડ્યાં હતાં. એક ગ્રાહકની નોટ ખોવાતાં તેણે ફરિયાદ કરતા સીસીટીવી ફૂટેજમાં નિકોલ તે ઉઠાવતી જણાઈ હતી.
• થેરેસા મેએ લેન્ટ માટે ક્રિસ્પ્સનો ત્યાગ કર્યો
વડા પ્રધાન થેરેસા મેએ પહેલી માર્ચથી ૧૩ એપ્રિલ સુધીના લેન્ટના સમયગાળા માટે તેમને ખૂબ ભાવતા ક્રિસ્પ્સનો ત્યાગ કર્યો છે. થેરેસા મેને સોલ્ટ અને વિનેગરની ફ્લેવર ખૂબ પસંદ છે અને સપ્તાહમાં કેટલાં ક્રિસ્પ્સ ખાઈ જાય છે તેની કોઈ ગણતરી ન હોવાનું ડાઉનિંગ સ્ટ્રીટની મહિલા પ્રવક્તાએ જણાવ્યું હતું. વડા પ્રધાન મેએ જણાવ્યું હતું કે આપણા દેશમાં ક્રિશ્ચિયાનિટીની ભૂમિકાની ઉજવણી કરવી યોગ્ય છે.
• ઈસ્લામ સૌથી મોટો ધર્મ બનશે
આગામી ૫૦ વર્ષ એટલે કે ૨૦૭૦ સુધીમાં ઈસ્લામ વિશ્વમાં સૌથી મોટો ધર્મ બની જશે. યુએસના ધ પ્યુ રિસર્ચ સેન્ટરે વિશ્વના મુખ્ય ધર્મોનું વસ્તીમાં ફેરફારના હિસાબે વિશ્લેષણ કર્યું હતું. મુસ્લિમ વસ્તી ભારે ઝડપથી વધી રહી છે. સંશોધનમાં જણાવાયું હતું કે ૨૦૧૦થી ૨૦૫૦ના ગાળામાં પોતાને મુસ્લિમ ગણાવતા લોકોની સંખ્યામાં ૭૩ ટકાનો વધારો થશે. આની સરખામણીએ, વસ્તીવધારામાં બીજા ક્રમના ક્રિશ્ચિયન ધર્મના લોકોની સંખ્યામાં ૩૫ ટકા વધારો થશે.
• ઓક્સફર્ડ યુનિવર્સિટીની સમર સ્કૂલ
ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વ્હાઈટ બ્રિટિશ બાળકોને નજરમાં રાખી સમર સ્કૂલને લોન્ચ કરી છે. તેનો હેતુ વર્કિંગ ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાનો છે. યુનિવર્સિટીએ પહેલી વખત જ ઉચ્ચ શિક્ષણના સેક્ટરમાં સૌથી નીચેના ગ્રૂપ્સમાં વસ્તીની દૃષ્ટિએ ચોક્કસ વર્ગને લક્ષ્યાંકમાં લીધો છે. આ માટે તેણે સોશિયલ મોબિલિટી ચેરિટી સટન ટ્રસ્ટનો સાથ મેળવ્યો છે.

