યુકેની વર્ધિંગ હોસ્પિટલના તબીબ ડેવિડ જોન્સે ઓસ્ટ્રેલિયાના પગલે ચાલી મેડિકલ વિઝિટ માટે પેશન્ટ પાસેથી ચાર્જ લેવાનું સૂચન કર્યું છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં જોન્સે જણાવ્યું હતું કે પેશન્ટ તેમના જીપી સાથે એપોઈન્ટમેન્ટ લેતા પહેલા બે વખત વિચારે તે માટે તેમની પાસેથી જીપી સાથે મુલાકાતની ફી તરીકે ૧૦ પાઉન્ડનો ચાર્જ કરાવો જોઈએ. ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારે વિઝિટ ચાર્જ લેવાની વ્યવસ્થા છે.
• ઉભરાદાર પીણામાં ખાંડનું પ્રમાણ ઘટાડવા સૂચન
ધ લાન્સેટ ડાયાબીટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી મેગેઝિનમાં પ્રસિદ્ધ અભ્યાસમાં ઉભરાદાર પીણાઓમાં ખાંડનું પ્રમાણ ૪૦ ટકા ઘટાડવા સૂચન કરાયું છે. અભ્યાસ જણાવે છે કે આના પરિણામે ૧૦ લાખ લોકો સ્થૂળ થતાં તેમજ ૨૫૦,૦૦૦ લોકોને ડાયાબીટીસ થતો બચાવી શકાશે. આ અભ્યાસ સ્થૂળતાની વધતી સમસ્યાને કેવી રીતે અટકાવવી તેની ચર્ચાને આગળ વધારશે. આ સમસ્યાના કારણે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસને વાર્ષિક પાંચ બિલિયન પાઉન્ડનો બોજો સહન કરવો પડે છે. સ્ટારબક્સ, કોસ્ટા અને કાફે નીરોએ તેમના વ્નિલા, કેરેમલ સહિતના લોકપ્રિય પીણાંમાં ખાંડનું પ્રમાણ ૨૫ ટકા જેટલું ઘટાડવા ખાતરી આપી છે.
• લૌરા એશ્લેના બોસને આખરે ડાઈવોર્સ મળ્યા
લૌરા એશ્લેના બોસ ખૂ કાય પેન્ગ અને તેમના પત્ની અને પૂર્વ બ્યૂટી ક્વીન પૌલીન ચાઈ વચ્ચે ૪૩ વર્ષના લગ્નસંબંધનો ડીક્રી નીસી સાથે અંત આવ્યો છે. બે વર્ષની કાનૂની કાર્યવાહીમાં દંપતીએ પાંચ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરી નાખ્યો હતો. તેમની વચ્ચે ૫૦૦ મિલિયન પાઉન્ડથી વધુની સંપત્તિ વિવાદનો ઉકેલ મલેશિયન અથવા ઈંગ્લિશ કોર્ટમાં લાવવો તે પ્રશ્ન મુખ્ય હતો. મલેશિયાના ડો. ખૂ અને મિસ ચાઈ મલેશિયાના છે અને તેમને પાંચ સંતાન છે.
• ખોટા રીડિંગ્સના જોખમ અંગે ફિટબિટ સામે કેસ
વિશ્વના સૌથી લોકપ્રિય ફિટનેસ ટ્રેકર્સના ફિટબિટ સામે તેમના ઉપકરણો હાર્ટ રેટનું ખોટું અર્થઘટન કરતા હોવાનો આક્ષેપ મૂકાયો છે. બે મોડેલ્સ દ્વારા કોર્ટમાં કહેવાયું છે કે ફિટબિટ કંપનીના ઉપકરણો તેમના હૃદયના ધબકારા, ખાસ કરીને કસરત દરમિયાન ખોટી રીતે નોંધે છે, જેનાથી લોકોનું આરોગ્ય જોખમાઈ શકે છે. ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફિટબિટ દ્વારા ૩.૮ મિલિયનથી વધુ સાધનોનું વેચાણ કરાયું હતું. આ સાધનોમાં મુખ્યત્વે એલઈડી આધારિત પ્યોરપલ્સ ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે.
• બે તૃતીઆંશ ડીગ્રી કોર્સીસમાં સ્ત્રીઓ મોખરે
સ્ત્રીઓની સંખ્યા ઉચ્ચ શિક્ષણમાં નોંધપાત્રપણે વધી છે. યુનિવર્સિટી એડમિશન્સ સર્વિસના આંકડા અનુસાર ડીગ્રી કોર્સીસમાં પુરુષો કરતા ૬૬,૮૪૦ વધુ સ્ત્રીઓ અભ્યાસ કરી રહી છે. સર્વિસના વડાએ ચેતવણી આપી હતી કે રાજકારણીઓ સ્ત્રી-પુરુષ વચ્ચે વધતી ખાઈને નજરઅંદાજ કરી રહ્યા છે. તેમણે ગરીબ વ્હાઈટ છોકરાઓ માટે વિશેષ વ્યવસ્થા જરૂરી હોવાનું પણ કહ્યું હતું.
• ઈમાનદાર ચોરોએ નિર્દોષને બચાવ્યો
ચોરોમાં પણ ઈમાનદારી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસે ૬૦,૦૦૦ પાઉન્ડની ચોરીમાં નિર્દોષ વ્યક્તિ પર આરોપ લગાવ્યો હોવાનું જાણતા જ માઈકલ દેહલ અને સ્ટીફન મોનાઘન પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. બ્લેકપૂલ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે દેહલ અને મોનાઘને જૂન ૨૦૧૪માં લેન્કેશાયરની બ્યૂટી ફર્મમાં ચોરી કરી હતી. જોકે અન્ય વ્યક્તિ પર દોષારોપણ થયાનું જાણતા શરમિંદા થયેલા બન્ને ચોરોએ લેન્કેશાયર પોલીસનો સંપર્ક કરી ગુનાની કબૂલાત કરી હતી. ૨૭ જાન્યુઆરીએ પ્રેસ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા તેમને સજા જાહેર કરાશે.
• ડોક્ટરોએ હેલ્થ સેક્રેટરીની ઓફર ફગાવી
હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે તબીબી હડતાળ બંધ રખાવવા કરેલી ઓફરને જુનિયર તબીબોએ નકારી કાઢી છે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશને સરકારે છેલ્લી ઘડીએ મંત્રણામાં પીછેહઠ કર્યાના આક્ષેપ સાથે ચેતવણી આપી હતી કે આ વિવાદ મહિનાઓ સુધી લંબાઈ શકે છે. તબીબોની પ્રથમ હડતાળ થોડા દિવસોમાં ચાલુ થવાની છે ત્યારે હન્ટે દાવો કર્યો હતો કે મોટા ભાગના મુદ્દે સહમતિ સર્જાઈ છે. જુનિયર ડોક્ટરો પાસે વધુ કામ કરાવતી હોસ્પિટલો પર દંડ લાદવા હન્ટ તૈયાર થયા હતા. ડોક્ટરોના કામના કલાકો અને પેશન્ટ્સની સલામતીના મુદ્દે વિવાદ ચાલે છે.
• અફઘાન-ઈરાકી દાવાઓની ચુકવણી
યુકેની લશ્કરી કાર્યવાહીના પરિણામે નુકસાનગ્રસ્ત અફઘાન અને ઈરાકી નાગરિકોને કુલ ૨૫ મિલિયન પાઉન્ડની ચુકવણી કરાઈ છે. આ બે દેશોના નાગરિકો દ્વારા ૫,૮૦૦થી વધુ દાવાઓ કરવામાં આવ્યાં છે. ઈરાક પર ૨૦૦૩ના હુમલા પછી વળતરના દાવાઓમાં ૨૦ મિલિયન અને અફઘાનીઓને ૫.૩ મિલિયન પાઉન્ડનું વળતર કોર્ટ બહાર સમાધાન તરીકે ચુકવાયું છે. ઈરાકીઓ દ્વારા ૧,૧૪૫ અને અફઘાનીઓ દ્વારા ૪,૭૨૭ વળતરદાવા કરાયા હતા. ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા ઓફર કરાય તેનાથી વધુ વળતર મેળવવા યુકેની કોર્ટ્સનો ઉપયોગ થાય તેવો ભય વ્યક્ત કરાય છે.
• અંજેમ ચૌધરીની ટ્રાયલ મુલતવી
સોશિયલ મીડિયા પર ત્રાસવાદી સંગઠન Isil માટે સમર્થન માગવાના આરોપસર કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરીની ટ્રાયલ મુલતવી રખાઈ છે. ૧૨ જાવ્યુઆરીએ ટ્રાયલ શરૂ થવાની હતી તેના બદલે સોમવાર, ૭ માર્ચે શરૂ કરાશે અને આશરે ચાર સપ્તાહ ચાલશે. તેની સામે ૨૯ જૂન, ૨૦૧૪થી માર્ચ ૨૦૧૫ સુધીના સમયગાળામાં ઉશ્કેરણીજનક ઉચ્ચારણોના આરોપો છે. ચૌધરી હાલ જામીન પર છે.

