• તમામ શાળામાં ફરજિયાત સેક્સ એજ્યુકેશન

Friday 03rd March 2017 01:17 EST
 

ઓનલાઈન પોર્નોગ્રાફી, સેક્સ્ટિંગ અને સોશિયલ મીડિયા તંદુરસ્ત પુખ્ત સંબંધો સ્થાપવાની બાળકોની તકને નુકસાન પહોંચાડશે તેવા ભય વચ્ચે પણ તમામ ઈંગ્લિશ સ્કૂલ્સમાં સૌપ્રથમ વખત સેક્સ એજ્યુકેશન ફરજિયાત બનાવાશે. બાળકોને ચાર વર્ષની વયથી સંબંધો વિશે પાઠ ભણાવાશે, જ્યારે તમામ સેકન્ડરી સ્કૂલ્સના વિદ્યાર્થીઓને તેમની વય અનુસાર સેક્સ અંગે યોગ્ય અભ્યાસ કરવાનો રહેશે.

• બાળકોનું વર્તન સુધારવા બકરીઓની મદદ

ઇંગ્લેન્ડના બ્રાઈટનની વાર્નડીન સ્કૂલમાં ગોટ ક્લબ બનાવાઈ છે, જેમાં પાંચ બકરી છે. શાળાનો હેતુ બાળકોનો વ્યવહાર સુધરે, જીવ-જંતુઓ અને લોકો માટે પ્રેમ અને દયાની ભાવના પેદા થવા સાથે જવાબદારીની સમજ કેળવવાનો છે. હવે બાળકો તેમનો ફાજલ સમય બકરીઓ સાથે વિતાવે છે, તેમને ખોરાક ખવડાવે છે, વાતો કરે છે અને રમે છે. તેના દ્વારા બાળકોમાં આંતરિક મિત્રતા વધે છે અને કોમ્યુનિકેશન સ્કિલ સુધરે છે. કેટલાંક બા‌ળકો શાળાના સમય પહેલા જ પહોંચી જાય છે જેથી તેમને ખાવાનું ખવડાવી શકે. પેરન્ટ્સ પણ બાળકોના વ્યવહારમાં પરિવર્તન જોઇને આશ્ચર્યચકિત છે.

• રોબોટ્સ મધ્યમવર્ગની રોજગારીની તકો છીનવશે

ખૂબ ઝડપથી માનવનું સ્થાન લેતી આધુનિક ટેકનોલોજીથી માનવીની નોકરીની તકો ઘટવાની શક્યતા છે. રોબોટ કે ઓટોમેશનને કારણે ઓફિસ જોબ્સની તકો જોખમમાં છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના નિયામક કાર્લ ફ્રે અનુસાર બ્રિટનમાં જ ૩૫ ટકા રોજગારીની તક ભયમાં છે. ઓટોમેશન થતાં ક્રેડિટ એનાલિસ્ટ માટે ૯૭ ટકા, પોસ્ટલ સર્વિસ માટે ૯૫ ટકા અને લેબ ટેકનિશિયન માટે નોકરીની તકો જવાની ૮૯ ટકા શકયતા રહેલી છે. મધ્યમવર્ગ પરંપરાગત રીતે એકાઉન્ટિંગ કે ઓડિટની કામગીરીમાં જોતરાયેલો હોય છે. આ ક્ષેત્ર કમ્પ્યૂટરાઇઝ્ડ થવાની ૮૬ ટકા શક્યતા છે. કમ્પ્યુટરાઇઝ્ડ કામગીરી થતાં ઇન્સ્યોરન્સવર્કર કે રિયલ એસ્ટેટ એજન્ટો માટેની તકો પણ ખૂંચવાઈ શકે છે.

• છ વર્ષના બાળકો ડિજિટલી એડવાન્સ્ડ

ઇન્ટરનેટ મેટર્સના અભ્યાસ અનુસાર છ વર્ષની વયના અડધોઅડધ બાળકો બેડરૂમમાં ઓનલાઈન સર્ફિંગ કરે છે, જ્યારે ત્રીજા ભાગના બાળકો વોટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસ ઉપર ચેટ કરતા હોય છે. ૧,૫૦૦ માતાપિતાના સર્વેનું તારણ જણાવે છે કે ૨૦૧૪ના વર્ષમાં દસ વર્ષની વયના ૪૬ ટકા બાળકો ઇન્ટરનેટ પર બ્રાઉઝિંગ કરતા હતા તેની સરખામણીએ અત્યારે છ વર્ષની વયના ૪૮ ટકા બાળકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. છ વર્ષની વયના ત્રીજા ભાગના બાળકો ટેબ્લેટ કે સ્માર્ટફોન ઉપર ગેમ રમતા થઈ ગયા છે. જ્યારે ૪૪ ટકા બાળકો પોતાના બેડરૂમમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થઈ ગયા છે. આ બાળકોમાંથી ૪૧ ટકા બાળકો ઇન્ટરનેટ પર શું જુએ છે, તે અંગે કોઈ જ નિયંત્રણ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter