કેરમાં રહેતા તેજસ્વી વિદ્યાર્થીઓને આગામી સપ્ટેમ્બરથી પબ્લિક સ્કૂલોમાં પ્રવેશ આપવાની ચીલ્ડ્રન્સ મિનિસ્ટર નદીમ ઝાહવીએ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી શૈક્ષણિક વર્ષની શરૂઆતથી વંચિત બાળકોને સ્કોલરશિપ અને છાત્રવૃત્તિ ઉપલબ્ધ કરાવાશે. બાળકોને પ્રવેશ આપવા માટે કાઉન્સિલો, સોશિયલ વર્કર્સ, અને પબ્લિક સ્કૂલોને સમાવતા દસ પ્રાદેશિક હબ બનાવાશે. તેમના શિક્ષણનો ખર્ચ ૪૦-૬૦ ટકાના ધોરણે કાઉન્સિલો અને સ્કૂલો ઉઠાવશે. આ સ્કીમને લીધે સેંકડો બાળકો પહેલી વખત શિક્ષણ મેળવી શકશે.
• ગાંજો કાયદેસર બનાવવાથી બંધાણીની સંખ્યા વધશે
ગાંજાને કાયદેસર બનાવવાથી વધુ એક મિલિયન લોકો તેનો ઉપયોગ કરતા થઈ જશે અને તેમાં એક લાખ લોકો બંધાણી બની જશે તેમ સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસના અભ્યાસમાં જણાયું હતું. થીંક ટેંકે ગાંજાના ઉપયોગને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સાથે સાંકળ્યો હતો. તેને જણાયું હતું કે ગાંજાને કાયદેસર બનાવવાથી વધુ યુવાનો તેનું સેવન કરતા થવાની ખૂબ શક્યતા રહેલી છે.
• ચોરીના કેસમાં ત્રણ ટીનેજરને સાત વર્ષની જેલ
ગયા જૂનમાં ચોરીના કેસમાં ઝડપાયેલા ત્રણ ટીનેજરોને લુટન ક્રાઉન કોર્ટે કુલ સાત વર્ષ અને બે મહિનાની જેલની સજા કરી હતી. પોલીસને આ ટીનેજરોની શંકાસ્પદ હિલચાલ અંગે માહિતી મળતા એક મકાનમાં છાપો માર્યો હતો ત્યાં આ ત્રણે મળી આવ્યા હતા. તેમણે ઘસઘસાટ ઉંઘતા હોવાનો દેખાવ કર્યો હતો. પોલીસે તેમને અને ૧૬ વર્ષના અન્ય એક છોકરાને ઝડપી લીધો હતો. તેમની પાસેથી ચોરેલા ઘરેણાં મળી આવ્યા હતા. તેઓ સાથે જ સૂતા હતા છતાં એકબીજાને ઓળખતા હોવાનો અથવા ચોરીમાં સામેલ હોવાનો ઈન્કાર કર્યો હતો.
• કિંમતી શૂઝ માટે હર્ટફર્ડશાયરમાં યુવકની હત્યા
ઈસ્ટ લંડનના વોલ્ધમસ્લોમાં પોતાના નિવાસસ્થાનેથી હર્ટફર્ડશાયરમાં લંડન કોલ્ની આવેલા ૨૦ વર્ષીય અહસાનુલ્લા નવાઝાઈનું સ્ટેબિંગ થયું હતું. તે રસ્તાની વચ્ચે સ્ટ્રીટમાં ખૂલ્લા પગે પડેલો જણાયો હતો. તેના કિંમતી શૂઝ ચોરવાના ઈરાદે આ હુમલો કરાયો હોવાનું મનાય છે. પોલીસે હત્યાની શંકાના આધારે ઘટનાસ્થળની નજીક રહેતી ૩૦ વર્ષીય મહિલાની પૂછપરછ કરી હતી.
• નવા પિતાને NHS માનસિક આરોગ્યની સારવાર આપશે
NHS નવા પિતા બનેલા હજારો લોકોને સ્ક્રિનિંગ અને માનસિક આરોગ્યને લગતી સમસ્યાઓની સારવાર આપશે. આતુર અને હતાશ પિતાઓની સારવાર હેલ્થ સર્વિસના દસ વર્ષના આયોજનના ભાગરૂપ છે. વડા પ્રધાન થેરેસા મેએ આપેલા વચન મુજબના વધારાના ૨૦ બિલિયન પાઉન્ડનો ખર્ચ ૨૦૨૨ સુધીમાં કેવી રીતે કરવો તેનો નિર્ણય લેવાનું આવશ્યક છે.
• હાર્ટ યુનિટના સર્જનો વચ્ચે ઝઘડા
હાર્ટ સર્જરી યુનિટમાં ૧૫૦ લોકોના મૃત્યુના કારણોની સમીક્ષા કરી રહેલા કોરોનર નબળા નેતૃત્વ, એકબીજા પર અવિશ્વાસ રાખતા સર્જનો અને હલકી નીતિમત્તાને લીધે વ્યથિત થયા હોવાનું હોસ્પિટલ વોચડોગ કેર ક્વોલિટી કમિશનને જણાયું હતું. કમિશને સાઉથ લંડનના ટૂટિંગમાં આવેલી સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના સંચાલકોને સેવા સુધારવા માટે તાકીદે પગલાં લેવા સૂચના આપી હતી. ઓગસ્ટમાં ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું કે આ હોસ્પિટલમાં સર્જનોના હરિફ ગ્રૂપો વચ્ચે ઝઘડા થતા હતા અને તેને લીધે દર્દીઓના મૃત્યુમાં વધારો થયો હતો.
• બળાત્કારી બાળકને મળી શકે તે માટે પીડિત મહિલા પર દબાણ
સોશિયલ સર્વિસિસે એક મહિલા પર વારંવાર બળાત્કાર ગુજારનાર પુરુષને તેના બાળકને મળવા દેવાની પરવાનગી આપવા જણાવ્યું હતું. ૧૯૮૦ના દાયકાના ટેલ્ફર્ડ સેક્સ ગ્રૂમીંગ સ્કેન્ડલમાં ભોગ બનેલી મહિલા તે સમયે ૧૪ વર્ષની હતી. હાલ ૪૮ વર્ષની આ મહિલાએ જણાવ્યું હતું કે તેના પર દુષ્કર્મ આચરનારને તેનું બાળક બતાવવા માટે તેને કોન્ટેક્ટ સેન્ટર લઈ જવાની અને તે પુરુષ સામે બેસવાની ફરજ પાડવામાં આવી હતી.

